ભચાઉમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સામે ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
(તસવીર:ઉત્સવ વૈદ્ય)
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: રાજકોટની લોકસભા બેઠકના ઉમેદવાર ભાજપના પુરુષોત્તમ રૂપાલાએ એક જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય મહિલાઓ વિશે કરેલી બિનજરૂરી ટિપ્પણી બાદ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ક્ષત્રિય સમાજે રાજ્યભરમાં આંદોલનો શરૂ કર્યા છે અને આગામી લોકસભાની ચૂંટણીના પ્રચારાર્થે નીકળેલા ભાજપના ઉમેદવારોનો ઉગ્ર વિરોધ કરાઇ રહ્યો છે.
ક્ષત્રિયોની બહોળી વસ્તી ધરાવતા સરહદી કચ્છમાં પણ હાલ ઉગ્ર દેખાવો યોજાઈ રહ્યા છે અને બુધવારે રાજકોટ અને કચ્છના માતાના મઢ ખાતેથી ભાજપ વિરોધી મતદાન કરવાની અપીલ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા ‘ધર્મરથ’ શરૂ કરવામાં આવ્યો એ વચ્ચે પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના આંબરડી અને યશોદાધામમાં કચ્છ-મોરબીની અનામત બેઠકના સતત ત્રીજી વખતના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સામે રૂપાલા વિરુદ્ધ નારા લાગ્યા હતા.
યશોદાધામમાં ભારતીય જનતા પક્ષના ‘હાઈપ્રોફાઈલ’ ઉમેદવાર વિનોદ ચાવડા સહિતના ભાજપના આગેવાનો લોક સંપર્ક અને સભા કરવા પહોંચે તે પહેલા બહોળી સંખ્યામાં એકઠા થયેલા ક્ષત્રિય સમાજના યુવાનો તેમનો રસ્તો રોકતા વિરોધ દર્શાવ્યો હતો. રૂપાલાના વિરોધ બાબતે પોલીસ દ્વારા તેમને સભાસ્થળ સુધી પહોંચવા દેવામાં આવ્યા ન હતા અને યશોદાધામ પાસે જ તેમને અટકાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભચાઉ તાલુકાના આંબરડી ગામે પણ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા વિરોધ દર્શાવતા નારા લગાવવામાં આવ્યા હતા. અહીં વિનોદ ચાવડા સાથે જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી આહીર, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા સહિતના આગેવાનો જ્યારે સભા પૂરી કરી બહાર નીકળતા હતા તે સમયે ક્ષત્રિય કાર્યકર્તાઓએ નારા લગાવતાં વાતાવરણ તંગ બન્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અલ્ટીમેટમનો સમય પૂરો થઇ ગયો હોઈ, ભાજપ વિરોધી મતદાન કરવાની અપીલ સાથે લોકસભા ક્ષેત્રોમાં આ ધર્મરથ ફેરવી ક્ષત્રિયોએ રૂપાલા અને ભાજપ સામે અસલી રણસંગ્રામ શરૂ કર્યો છે. આણંદ અને વડોદરામાં નારાજ થયેલો સમાજ મહાસંમેલન પણ યોજવાનો છે.
સમસ્ત ક્ષત્રિય સમાજે કટિબદ્ધતાથી આ લડત આદરી તો રાજયની આઠેક જેટલી બેઠકમાં હારજીતના પરીણામોમાં ફેરફાર થઈ શકે છે તેવું રાજનીતિજ્ઞો કહી રહ્યા છે. રૂપાલાએ વિના કારણે કરેલા અશોભનીય નિવેદન બાદ ઊભા થયેલા વિવાદમાં ફસાયેલા ભાજપ માટે ઈધર કુઆ અને ઉધર ખાઈનો તાલ સર્જાયો છે. ક્ષત્રિયોના મતવિસ્તારમાં ભાજપના ઉમેદવારો ચૂંટણી પ્રચાર કરવા જઈ શકતા નથી અને હિંમત કરીને જાય તો તેમને ઊભી પૂંછડીએ જતા રહેવાની નોબત આવી રહી છે.