ભારતીયોનો યુએસનો ક્રેઝ કેમ ઘટતો નથી?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
લોકસભાની ચૂંટણીમાં ભાજપ શાસનમાં થયેલા જોરદાર વિકાસના દાવા વચ્ચે અમેરિકાએ ૨૦૨૨ના વર્ષમાં કેટલા વિદેશીઓને અમેરિકાની નાગરિકતા એટલે કે યુએસ સિટિઝનશિપ આપી તેના આંકડા બહાર પાડ્યા છે. આ આંકડા પ્રમાણે, ૨૦૨૨ના વર્ષમાં અમેરિકાએ કુલ ૯,૬૯,૩૮૦ વિદેશીઓને યુએસ સિટિઝનશિપ આપી ને તેમાં ૬૫૯૬૦ ભારતીયો છે.
૨૦૨૨માં યુએસ સિટિઝનશિપ મેળવનારા લોકોમાં ભારતીયો બીજા સ્થાને છે જ્યારે મેક્સિકો ૧,૨૮,૮૭૮ લોકો સાથે પહેલા નંબરે છે. ત્રીજા સ્થાને ફિલિપાઈન્સ. ચોથા સ્થાને ક્યૂબા, પાંચમા સ્થાને ડોમોનિક રીપબ્લિક, છઠ્ઠા સ્થાને વિયેતનામ અને ચીન છેક સાતમા સ્થાને છે. એક સમયે મેક્સિકો પછી બીજાં નબરે ચીન રહેતું પણ અમેરિકા સાથેના સંબંધો બગડતાં છેક સાતમા સ્થાને જતું રહ્યું છે.
ભારત માટે ચીન ક્યા નંબરે રહે છે ને ક્યા નંબરે નથી રહેતું એ મહત્ત્વનું નથી પણ ભારતીયો શું કરે છે એ મહત્ત્વનું છે. ભારત કોઈને ડ્યુઅલ સિટિઝનશિપ આપતું નથી તેથી આ ૬૫૯૬૦ ભારતીયોએ યુએસ સિટિઝનશિપ મેળવવા માટે ભારતીય નાગરિકતા છોડી દીધી છે એ કહેવાની જરૂર નથી. અમેરિકા જેને આવવું હોય એ બધાંને અમેરિકામાં ઘૂસવા દેતું નથી પણ પોતાને ફાવે તેને જ વિઝા આપે છે.
જે લોકો વિઝા લઈને અમેરિકામાં રહે છે અથવા તો પોતાના દેશમાં રહીને અમેરિકાની સિટિઝનશિપ મેળવવા પ્રયત્ન કરે છે તેમને અમેરિકા સિટિઝનશિપ આપે છે. અમેરિકાની સિટિઝનશિપ મેળવવાની પ્રક્રિયા મોંઘી છે તેથી બધાંને પરવડતી નથી. બીજું એ કે, અમેરિકા જેમને સિટઝનશીપ આપે છે એ બધાંનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ પણ ધ્યાનમાં લે છે. ગમે તે અભણને સિટિઝનશિપ આપી દેતું નથી. મતલબ કે, જેમને સિટિઝનશિપ મળે છે એ લોકો સુશિક્ષિત અને આર્થિક રીતે સધ્ધર હોય છે.
ભારતમાંથી પણ જેમને સિટિઝનશિપ મળી છે એ બધાંને પણ આ ધારાધોરણ લાગુ પડે જ છે એ જોતાં ભારતમાંથી જેમને સાદી ભાષામાં સારા કહેવાય એવાં ઘરનાં લોકો અમેરિકાની સિટિઝનશિપ મેળવીને ભાગી રહ્યાં છે એ સ્પષ્ટ છે. ભારત બહુ બદલાયું છે અને બહુ પ્રગતિ કરી રહ્યું છે એવા દાવા છતાં આ ૬૫૯૬૦ લોકો બદલાયેલા ભારતમાં રહેવા તૈયાર નથી એ વાત આ આંકડા પરથી સાબિત થાય છે.
આપણે છેલ્લા કેટલાક સમયથી સતત એક વાત સાંભળ્યા કરીએ છીએ કે, ભારતમાં યુવાઓ માટે જબરદસ્ત તકો ઊભી થઈ રહી છે ને અમેરિકા સહિતનાં દેશોનાં અર્થતંત્ર ડૂબવા માંડ્યાં છે. કહેવાતા વિકસિત દેશોનાં અર્થતંત્ર તૂટવાના આરે છે જ્યારે ભારતનું અર્થતંત્ર બહુ ઝડપથી તાકાતવર બની રહ્યું છે. આ ૬૫,૯૬૦ લોકોને આ વાતો આકર્ષી શકી નથી એ વાત આ આંકડા પરથી સાબિત થાય છે.
આ આંકડા બીજી પણ એક વાત સાબિત કરે છે કે, ગમે તેવા મોટા મોટા દાવા થાય પણ ભારતમાંથી બ્રેઈન ડ્રેઈન બંધ થયું નથી. બ્રેઈન ડ્રેઈનનો મતલબ છે કે દેશનાં ટેલેન્ટેડ લોકો દેશ છોડીને બીજા દેશમા સ્થાયી થઈ જાય અને ભારતના બદલે બીજા દેશના વિકાસમાં યોગદાન આપે. આ સ્થિતિ વરસોથી છે અને એ માટેનાં કારણો પણ બહુ જાણીતાં છે.
ભારતમાંથી જે લોકો વિદેશમાં ભાગે છે તેમાં મધ્યમ વર્ગનાં લોકોનું પ્રમાણ વધારે છે. તેનું કારણ એ છે કે, મધ્યમ વર્ગના યંગસ્ટર્સને ભારતમાં અનામત, નવી તકોનો અભાવ સહિતની સમસ્યાઓના કારણે ભાવિ ધૂંધળું લાગે છે. ભારતમાં શિક્ષણની સંસ્થાઓ છે પણ શિક્ષણનું સ્તર વૈશ્ર્વિક નથી. ભારતમાં સરકારી નોકરીઓ છે નહીં ને ખાનગીમાં વીસ-પચીસ હજારના સાવ તુચ્છ પગારમાં આખી જીંદગી ઢસરડો કરવો પડે એ પ્રકારનું શોષણ છે. તેની સરખામણીમાં અમેરિકા જેવા દેશોમાં પ્રમાણમા સારા પગાર મળે છે અને શાંતિની જીંદગી છે તેવી માન્યતાના કારણે યંગસ્ટર્સ અમેરિકા ભાગે છે. એ લોકો અમેરિકાની કોઈ યુનિવર્સિટીમાં એડમિશન લઈને ભણે છે ને પછી ત્યાં જ સેટસ થઈ જાય છે.
જેમની ઉંમર ત્રીસ-પાંત્રીસ વરસ છે ને જેમનાં સંતાનો પાંચ-સાત વરસનાં હોય એ લોકો પોતાનાં સંતાનોને સારું ભવિષ્ય આપવા માટે અને પોતાનું ઘડપણ સુધરે એ માટે વિદેશ ભાગે છે. અમેરિકામાં તમે સામાજિક રીતે તમે મુક્ત જીવન જીવી શકો છે. અમેરિકામાં સિટિઝન બની ગયા પછી સામાજિક સુરક્ષા મળે છે. બિમાર પડો, બેરોજગાર થાઓ કે ઘડપણ આવે ત્યારે સરકાર જવાબદારી ઉઠાવે છે તેથી કોઈ ચિંતા રહેતી નથી જ્યારે ભારતમાં આખી જીંદગી ઢસરડા કર્યા પછી પણ ઘડપણમાં શાંતિ નથી મળતી.
અમેરિકા તરફના લોકોના આકર્ષણનું બીજું એક કારણ આપણા વિદેશમાં રહેતા એનઆરઆઈનાં બેવડાં ધોરણો છે. વિદેશમાં રહેતા ગુજરાતીઓની માનસિકતા ચાવવાના જુદા અને બતાવવાના જુદા એવી છે. આ માનસિકતા પણ ગુજરાતીઓને વિદેશ તરફ ધકેલવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
ભારતમાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી ભારત બહુ બદલાઈ ગયું છે એવી વાતો બહુ સાંભળવા મળે છે. વિદેશમાં રહેતા ભારતીયો નરેન્દ્ર મોદીના શાસનનાં વખાણ કરવામાં સૌથી મોખરે હોય છે. મોદી અમેરિકા કે બીજા કોઈ દેશમાં જાય ત્યારે મોટી સંખ્યામાં ઉમટી પડતા ગુજરાતીઓ સહિતના ભારતીયો મોદી મોદીના નારા લગાવતા જોવા મળે છે. વિદેશમાં રહેતા ગુજરાતીઓ એક્ટિવ હોય એવાં વોટ્સએપ ગ્રૂપ જુઓ તો મોદીભક્તિથી ભર્યાં પડ્યાં હોય છે. મોદીના શાસનમાં ભારતમાં શું બદલાઈ ગયું ને કેવી ક્રાંતિ થઈ ગઈ તેની ગાથાઓથી ભરેલી પોસ્ટનો રીતસર મારો ચાલે છે.
આ જ ગુજરાતીઓ પાછા વિદેશ છોડીને ભારત પાછા આવવા તૈયાર નથી હોતા. જે ભારત બદલાઈ ગયેલું હોવાનું કહીને એ લોકો વખાણ કરે છે એ ભારતમાં પાછા આવીને રહેવાની તેમની તૈયારી નથી હોતી. બલ્કે કોઈ ભારત પાછા આવતા જ નથી. ભારત છોડીને અમેરિકા, યુકે, કેનેડા સહિતના દેશોમાં જવા માગતા ગુજરાતીઓનો આંકડો જુઓ અને મોદીના કારણે વિકસિત ભારતમાં પાછા આવેલા ગુજરાતીઓના આંકડાની તુલના કરશો તો આ વાત સમજાશે. વિદેશમાં જનારા ગુજરાતીઓ વિદેશમાં શું કરે છે એ ગુજરાતીઓ જાણતા હોય છે. મોટા ભાગના ગુજરાતી સાવ સામાન્ય કામો કરીને જ જીંદગી વિતાવે છે ને છતાં ગુજરાતમાં પાછા આવીને રહેતા નથી ત્યારે પોતે શું કરવા અહીં રહેવું જોઈએ એવું વિચારીને ગુજરાતીઓ વિદેશ ભાગે છે.
વિદેશમાં રહેતા ગુજરાતીઓની કરણી અને કથની સરખી થઈ જશે ત્યારે આ સ્થિતિ નહીં હોય.