સદાબહાર દેવ આનંદ ફરી થિયેટરોમાં ધમાચકડી મચાવશે
આ અભિનેતાની ૧૦૦મી જન્મજયંતિ ઉજવાશે
વિશેષ -દિક્ષિતા મકવાણા
સદાબહાર અભિનેતા દેવ આનંદ તેમના અદભૂત અભિનય માટે જાણીતા છે. દેવ આનંદે પોતાની એક્ટિંગથી લાખો દર્શકોના દિલ જીતી લીધા હતા. તેણે માત્ર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ કામ કર્યું નથી, પરંતુ તેણે અંગ્રેજી સિનેમામાં પણ પોતાની અભિનય કુશળતા બતાવી છે. અભિનેતા ભલે આ દુનિયાને અલવિદા કહી ચુક્યા હોય, પરંતુ લોકો આજે પણ તેની ફિલ્મોને દિલથી જુએ છે. આ વર્ષે ૨૬મી સપ્ટેમ્બરે અભિનેતા જન્મના ૧૦૦ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છે. દિવંગત અભિનેતા દેવ આનંદની જન્મશતાબ્દી નિમિત્તે આ મહિનાના અંતમાં ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન (એફએચએફ) એ સોમવારે આની જાહેરાત કરી છે.
પોતાના દમદાર અભિનય માટે જાણીતા દેવ આનંદના જન્મદિવસ પહેલા ‘દેવ આનંદ એટ ધ રેટ ૧૦૦ – ફોરએવર યંગ’ કાર્યક્રમ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ બે દિવસીય ફેસ્ટિવલનું આયોજન નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનએફડીસી), નેશનલ ફિલ્મ આર્કાઈવ ઓફ ઈન્ડિયા (એનએફએઆઇ) અને પીવીઆર આઇનોક્સ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. ‘હમ દોનો’, ‘તેરે ઘર કે સામને’, ‘સીઆઇડી’ અને ‘ગાઈડ’ જેવી ફિલ્મોમાં દેવ આનંદના કામની આજે પણ પ્રશંસા થાય છે.
૩ ડિસેમ્બર, ૨૦૧૧ના રોજ ફિલ્મ જગતના આ રત્ને દુનિયાને અલવિદા કહી દીધું. લંડનથી દેવના મૃત્યુના સમાચાર મળતા જ સમગ્ર ભારતમાં ગમગીની છવાઈ ગઈ હતી. દેવ સારવાર માટે લંડન ગયા હતા. કાર્ડિયાક એટેકથી તેમનું મૃત્યુ થયું હતું. દેવે લંડનની ધ વોશિંગ્ટન મેફેર હોટેલમાં અંતિમ શ્ર્વાસ લીધા. દેવે ૮૮ વર્ષની વયે અંતિમ શ્ર્વાસ લીધા હતા. પરંતુ દેવ આજે પણ તેના ચાહકોના દિલમાં જીવંત છે.
દેવનો જન્મ ૨૬ સપ્ટેમ્બર ૧૯૨૩ના રોજ શંકરગઢ, પંજાબમાં થયો હતો, જે તે સમયે બ્રિટિશ ભારત હેઠળ હતું. વિભાજન બાદ આ જગ્યા હવે પાડોશી દેશ પાકિસ્તાનના વિસ્તારમાં ચાલી ગઈ છે. દેવ સાહેબ, જી હા તેમના ચાહકો તેમને આ નામથી જ ઓળખતા હતા. તેમની સ્ટાઈલ અને તેમની ફિલ્મોએ તેમના ચાહકોના દિલમાં એવી છાપ છોડી છે કે ક્યારેક એકલતામાં તો ક્યારેક દુ:ખમાં તેમની ફિલ્મોના દર્દભર્યા ગીતો એકલા સાંભળીને તેમના દર્દને સાંત્વના આપે છે.
બોલિવૂડમાં માત્ર લિજેન્ડ અને કોહિનૂર દેવસાહેબ જ ગણાય છે. અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક આ બધા કામોમાં તેઓ પારંગત હતા અને તેમની સૌથી ખાસ વાત એ હતી કે તેમણે હિન્દી સિનેમાને આધુનિક બનાવવા માટે પહેલું પગલું ભર્યું હતું. હિન્દી સિનેમામાં નવી અભિનેત્રીઓને લોન્ચ કરવાનો ટ્રેન્ડ દેવ સાહેબથી શરૂ થયો હતો. નાનપણથી જ અભિનયના શોખીન દેવ સાહેબને મિલિટરી સેન્સર ઓફિસમાં નોકરી પણ મળી ગઈ હતી પરંતુ તેમણે અભિનય માટે આ અમૂલ્ય નોકરી છોડી દીધી હતી.
હવે વાત કરીએ એ પાસાની જેના માટે લોકો આજે પણ દેવસાહેબને યાદ કરે છે. ઉદારતા તેની પ્રથમ ઓળખ હતી. છોકરીઓ તેના લૂકની એટલી દીવાની હતી કે તેમણે તેનું પરિણામ ભોગવવું પડ્યું હતું. કાળો સ્યૂટ અને પેન્ટ તેમનઓ એવો પોશાક હતો જે આજે પણ બોલિવૂડમાં અચુક અનુસરણ થતું જોવા મળે છે. દેવસાહેબનો આ લુક એટલો પોપ્યુલર હતો કે તેને જોઈને છોકરીઓ પોતાનો આપો ખોઇ બેસતી હતી. એવા પણ સમાચાર છે કે ઘણી છોકરીઓએ આત્મહત્યા પણ કરી લીધી હતી જેના કારણે કોર્ટના આદેશ બાદ દેવ સાહેબે પોતાનો કાળો કોટ અને પેન્ટ છોડવો પડ્યો હતો.
દેવસાહેબે વર્ષ ૧૯૪૬માં ફિલ્મ ‘હમ એક હૈ’ થી પોતાના અભિનયનો પાયો નાખ્યો હતો. તેની પ્રથમ ફિલ્મે સાબિત કર્યું કે દેવ અણનમ છે. બોલિવૂડમાં તેની પ્રથમ ફિલ્મ હિટ રહી હતી અને ત્યારબાદ તેણે મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર, હરે રામા હરે કૃષ્ણ, હમસફર, ઝિદ્દી જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. બોલિવૂડમાં શરૂઆતથી જ તે ફેશન આઇકોન રહ્યા છે. જેના કારણે તે અવારનવાર લોકોમાં ચર્ચામાં રહેતા હતા.
દેવ આનંદને કયા પ્રકારના શોખ હતા? તેમને શું ખાવાનું પસંદ હતું, દિલીપ કુમાર અને રાજ કપૂર સાથે
તેમના સંબંધો કેવા હતા અને તેમની પ્રિય અભિનેત્રી કોણ હતી? ચાલો જાણીએ કેટલીક ન સાંભળેલી વાતો…
દેવ આનંદ એકવાર તેના ચાહકનો આભાર માનવાનું ભૂલી ગયા હતા, તેથી તેણે ડ્રાઇવરને કાર ફેરવવાનું કહ્યું અને માત્ર તેમનો આભાર માનવા માટે ૪૦ કિલોમીટરનો પ્રવાસ કયા હર્તોે. તેમને હૉસ્પિટલમાં જવાનું બિલકુલ ગમતું ન હતું કારણ કે બીમાર લોકોને જોઈને તે અસ્વસ્થતા અનુભવતા હતા. જ્યારે તેમની ફિલ્મોમાં હૉસ્પિટલનું દ્રશ્ય હતું, ત્યારે તેમણે વાસ્તવિક હૉસ્પિટલમાં શૂટિંગ કર્યું ન હતું પરંતુ હંમેશા સેટ બનાવ્યો હતો. તેમને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ હતો પરંતુ તેઓ તેમના પુસ્તકો કોઈને આપતા ન હતા.
સાથીકલાકારો સાથે સંબંધો
આ સમયના ત્રણ લેજન્ડ રાજ કપૂર, દિલીપ કુમાર, દેવ આનંદ અને તેમના કિસ્સાઓ પણ ખુબ જ જાણીતા છે. સુપરસ્ટાર રાજ કપૂરના જન્મદિવસ તેઓ અચુક મળતા હતા. રાજ કપૂર સાથે તેના ઘણા સારા સંબંધો હતા. તેઓ મુંબઈમાં દિલીપ કુમાર સાથે તેમની આત્મકથા લોન્ચ કરવા માંગતા હતા પરંતુ દિલીપ સાહેબની ખરાબ તબિયતને કારણે આ થઈ શક્યું નહીં. ત્યારબાદ અમિતાભ બચ્ચને પુસ્તક લોન્ચ કર્યું હતું.
મનપસંદ ખોરાક અને આદતો
તેમને શાકાહારી ખોરાક પસંદ હતો. તે કાળી દાળ, ચણા અને દહીં ખૂબ જ ઉત્સાહથી ખાતા. ભારે નાસ્તો કરતા હતા પણ લંચ નહોતા કરતા. હંમેશા રાત્રિભોજન પછી ફરવા જતા. તેમને ખાવા કરતાં ખવડાવવાનો વધુ શોખ હતો. તેમણે ક્યારેય એકલા ખાધું નથી. તેના ક્રૂ સાથે બેસીને હંમેશા ખાતા. દરેક ઉંમરના લોકો તેમના ચાહકો હતા. તેમણે તેમને ક્યારેય નિરાશ કર્યા નથી. છોકરીઓ તેમની હથેળી પર તેનો ઓટોગ્રાફ લેતી હતી. એકવાર એક છોકરીએ તેને કહ્યું કે મારી દાદી તારી બહુ મોટી ફેન છે અને કહે છે કે તે તને મળ્યા વિના મરીશ નહીં. ત્યારે દેવ સાહેબે કહ્યું હતું કે તો પછી હું તેમને ક્યારેય મળીશ નહીં. કારણ કે તેઓ ઈચ્છતા હતા કે તે જીવતા રહે.
મનપસંદ અભિનેત્રી
બધા જાણે છે કે તે સુરૈયાને પ્રેમ કરતા હતા. પરંતુ કોસ્ટારની વાત કરીએ તો તેને મીના કુમારી ખૂબ જ ગમતી હતી. તેઓ કહેતા કે મીનાના ઉચ્ચારણ અને ભાષા ખૂબ સારી હતી. સંગીતકારોમાં તેમને એસ.ડી.બર્મન સિવાય કોઈ પસંદ નહોતું. તેમના બાદ તેમણે તેમના પુત્ર આરડી બર્મન સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમને પોતાનાં કપડાં ડિઝાઇનર્સ પોતે જ કરતા હતા. ડિઝાઇનર્સની મદદ લેતા સ્ટાર્સને તેમને સખત નાપસંદ હતા.
આ ચાર ફિલ્મો બતાવવામાં આવશે
સદાબહાર અભિનેતાની જન્મજયંતિ નિમિત્તે આયોજિત આ ફેસ્ટિવલનું આયોજન ૨૩ અને ૨૪ સપ્ટેમ્બરે ભારતભરના ૩૦ શહેરો અને ૫૫ થિયેટરોમાં કરવામાં આવશે. એફએચએફ આ ઉત્સવમાં દિવંગત અભિનેતાની ફિલ્મો ‘સીઆઇડી’ (૧૯૫૬), ‘ગાઇડ’ (૧૯૬૫), ‘જ્વેલ થીફ’ (૧૯૬૭) અને ‘જોની મેરા નામ’ (૧૯૭૦) રજૂ કરવાની યોજના ધરાવે છે. મુંબઈ, અમદાવાદ, હૈદરાબાદ, તિરુવનંતપુરમ, ચેન્નાઈ, બેંગલુરુ, લખનૌ, કોલકાતા, ગુવાહાટી, ઈન્દોર, જયપુર, નાગપુર, નવી દિલ્હી, ગ્વાલિયર, રાઉરકેલા, કોચી અને મોહાલી સહિતના વિવિધ શહેરોના પ્રેક્ષકો દેવ આનંદની આ યાદગાર ફિલ્મો ૪-કે રિઝોલ્યુશનમાં જોઈ શકશે.
એફએચએફના સ્થાપક શિવેન્દ્ર સિંહ ડુંગરપુરે એક નિવેદનમાં કહ્યું હતું કે અમે તેમની યાદગાર ફિલ્મોનું સ્ક્રીનિંગ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવા માંગીએ છીએ. આ ફિલ્મો મારી મનપસંદ ફિલ્મોમાંની એક છે કારણ કે હું ગોલ્ડી આનંદ (વિજય આનંદ)ને ભારતીય સિનેમાના સૌથી સ્ટાઇલિશ દિગ્દર્શકોમાંથી એક માનું છું. તેમણે કહ્યું આ મહોત્સવ એફએચએફ અને એનએફડીસી-એનએફએઆઇ વચ્ચેના નોંધપાત્ર સહયોગને દર્શાવે છે. એનએફડીસી-એનએફએઆઇ એ જ આ ફિલ્મોને સાચવી રાખી હતી અને અમારી સાથે ભાગીદારી કરીને તેઓએ અમને આ ફિલ્મો રજૂ કરવા સક્ષમ બનાવ્યા હતા.