પનવેલમાં ચૂંટણી પંચની ફ્લાઇંગ સ્કવોડની કાર્યવાહીઃ કારમાંથી 35 લાખની રોકડ જપ્ત કરી
મુંબઈ: મવાળ લોકસભા ચૂંટણી ક્ષેત્રમાં ચૂંટણી પંચના ફ્લાઇંગ સ્કવોડે બે જુદી-જુદી કારમાંથી 35.99 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હતી. ફ્લાઇંગ સ્કવોડ દ્વારા તપાસ કરીને બે કારમાંથી મળીને રૂ. 35.99 લાખની રકમ લઈને પ્રવાસ કરતાં વ્યક્તિની તપાસ કરવામાં આવી હતી, પણ આ રકમ કોઈ રાજકીય પક્ષના ચૂંટણી પ્રચાર માટે નહીં પણ ખાનગી હોવાની માહિતી કાર ચાલકે ફ્લાઇંગ સ્કવોડને પુરાવા સાથે આપતા આ મામલે વધુ તપાસ શરૂ છે.
દેશભરમાં લોકસભાની ચૂંટણી પહેલા મોટી રોકડ રકમ સાથે પ્રવાસ કરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં ચૂંટણી પંચના ફ્લાઇંગ સ્કવોડે બે કારમાંથી રૂ. 35.99 લાખ રૂપિયાની રકમ જપ્ત કરી હતી. આ રકમની વધુ તપાસ કરવા માટે મોકલવામાં આવી છે.
આપણ વાંચો: ચૂંટણી પંચની નોટિસ પછી ઉદ્ધવ ઠાકરે જૂથે કરી મોટી ભલામણ
ચૂંટણી પંચની આ કાર્યવાહી અંગે માહિતી આપતા અધિકારીએ કહ્યું હતું કે પનવેલ વિસ્તારમાં ચૂંટણી પંચના ફ્લાઇંગ સ્કવોડને નિયમિત તપાસ દરમિયાન એક શંકાસ્પદ કારમાંથી 12,99,900ની રોકડ રકમ મળી આવી હતી. આ રકમ જપ્ત કરીને કારમાં રહેલા આઝાદ કુમાર રાજેન્દ્ર કડવા (24 વર્ષ), રાજેશ કુમાર ઈંદલીયા (20 વર્ષ) આમ બે વ્યક્તિની ધરપકડ કરી હતી. જોકે તેમણે આ રકમ એક કંપનીની હોવાના પુરાવા ફ્લાઇંગ સ્કવોડ સમક્ષ રજૂ કર્યા હતા, જેથી આ રકમ કોઈપણ રાજકીય પક્ષની ન હોવાની ખાતરી થઈ હતી, તેમ છતાં કાર્યવાહી શરૂ છે.
આ સાથે 22 એપ્રિલે પણ એક કારમાંથી 23 લાખ રૂપિયાની રકમ લઈ જતાં 32 વર્ષના યોગેશ હારેની ધરપકડ કરી હતી. જોકે આ રકમ તેમની ખાનગી હોવાનું જાણતા કારની માહિતી નોંધીને તેમને રવાના કરવામાં આવ્યા હતા, એવું અધિકારીએ કહ્યું હતું.