પાકિસ્તાનની ફેમસ મહિલા ક્રિકેટરે હકાલપટ્ટીના ડરથી નિવૃત્તિ જાહેર કરી દીધી કે શું?
કરાચી: પાકિસ્તાનની મેન્સ ક્રિકેટ ટીમ જેમ વર્ષોથી અણધાર્યા પર્ફોર્મન્સ અને અણધાર્યા પરિણામો માટે જાણીતી છે એમ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)માં પણ ઘણી વાર અણધાર્યું બનતું હોય છે. એના ચીફ તો જાણે છાશવારે બદલાતા હોય છે અને મેન્સ ટીમના કૅપ્ટનપદે પણ ઓચિંતા ફેરફાર જોવા મળતા હોય છે. ઉદાહરણ તરીકે, તાજેતરમાં જ શાહીન શાહ આફ્રિદીના સ્થાને બાબર આઝમને ફરી કૅપ્ટન બનાવી દેવામાં આવ્યો છે.
અહીં આપણે પાકિસ્તાન મહિલા ક્રિકેટની અને ભૂતપૂર્વ કૅપ્ટન વિશે વાત કરવાની છે. ગુરુવારે એક તરફ સમાચાર આવ્યા કે તાજેતરમાં વેસ્ટ ઇન્ડિઝ સામે પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ કરાચીમાં વન-ડે સિરીઝ 0-3થી હારી ગઈ એના આઘાતને પગલે પીસીબીએ મહિલા ક્રિકેટરો માટેની નૅશનલ સિલેક્શન કમિટીમાં ફેરફાર કર્યા છે.
બીજી બાજુ, આશ્ચર્યજનક ન્યૂઝ મળ્યા કે પાકિસ્તાનની ભૂતપૂર્વ કૅપ્ટન અને પીઢ ખેલાડી બિસ્માહ મારુફે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે. એવું મનાય છે કે પાકિસ્તાનની મહિલા ટીમમાં ધરખમ ફેરફારો થવાની સંભાવના છે ત્યારે બિસ્માહે નિવૃત્તિ જાહેર કરી દીધી છે.
આ પણ વાંચો: રોહિતે ભારત-પાકિસ્તાન સિરીઝ વિશે પૂછાયું એટલે લગાવી દીધી સિક્સર!
બિસ્માહની છેલ્લી 10 ઇનિંગ્સમાં માત્ર બે હાફ સેન્ચુરી હતી. વેસ્ટ ઇન્ડિઝ સામેની તાજેતરની શ્રેણીમાં તેણે એક મૅચમાં 65 રન બનાવ્યા હતા, પરંતુ બાકીની બે મૅચ 7 અને 19 રન)માં સારું નહોતી રમી.
32 વર્ષની બિસ્માહે પહેલા તો 2020ની સાલમાં અપૂરતી ફિટનેસને કારણે ક્રિકેટમાંથી લાંબો બ્રેક લેવો પડ્યો હતો. 2021માં તેણે બાળકીને જન્મ આપ્યો ત્યારે પણ તે ઘણો સમય નહોતી રમી. પાકિસ્તાન ક્રિકેટમાં તે એકમાત્ર મહિલા પ્લેયર છે જેને 12 મહિનાની મેટરનિટી લીવ (વાર્ષિક પગાર ચૂકવવાની સાથે) આપવામાં આવી હતી.
બિસ્માહ મમ્મી બની ત્યાર બાદ ઘણી ટૂરમાં નવજાત પુત્રીને પોતાની સાથે લઈને ગઈ હતી અને ભારતીય ટીમ સહિત ઘણા દેશોની ખેલાડીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
બિસ્માહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી દીધી છે, પણ લીગ આધારિત ટૂર્નામેન્ટોમાં રમવાનું ચાલુ રાખશે. તેણે 17 વર્ષની લાંબી કરીઅરમાં 136 વન-ડેમાં 3,369 રન અને 140 ટી-20માં 2,893 રન બનાવ્યા હતા. જોકે એમાં એક પણ સેન્ચુરી સામેલ નહોતી. મહિલા વન-ડે ક્રિકેટમાં એકેય સેન્ચુરી વિના સૌથી વધુ રન બનાવનારી ખેલાડીઓમાં બિસ્માહનું નામ મોખરે છે. આખી કરીઅરમાં તે માત્ર ચાર સિક્સર ફટકારી શકી હતી. તેણે કુલ 80 વિકેટ પણ લીધી હતી. વન-ડેમાં 99 રને વિકેટ ગુમાવનાર તે પાકિસ્તાનની એકમાત્ર મહિલા પ્લેયર છે.