દિવસભરનું લખ-લખ અને વાતચીતોનું ટેપિંગ
પરવીન બાબીની એકદમ અજાણી વાતો
ફિલ્મનામા -નરેશ શાહ
ચોક્કસ આંકડો ન આપી શકાય એટલી વખત હું મહેશ ભટ્ટને મળ્યો છું. મને આમ કહેનારા જૂનાગઢના એડવોકેટ જાવેદ નૂરઅહેમદ શેખ પરવીનબાબીને મોટી બહેન જ માનતા અને તેના ઘેર જ મોટા થયા હતા. અવસાન પછી પરવીન બાબીની સંપત્તિના વિવાદમાં મહત્ત્વની વ્યક્તિ તરીકે ઊપસેલાં જાવેદ શેખ કહેલું કે, હું વર્ષ્ાો સુધી પરવીન બાબી સાથે રહ્યો છું અને એટલે અસંખ્ય વખત મહેશ ભટ્ટને પણ મળ્યો છું. મહેશ ભટ્ટ અમારા ઘેર (મુંબઈ) નિયમિત આવતા જતા હતા અને તેમને મળવાનું બનતું. તેઓ મને નામથી જ બોલાવતા. પરવીનનું શૂટિંગ ચાલતું હોય ત્યાં પણ મહેશ ભટ્ટ આવતા હતા. બન્ને વચ્ચે ગાઢ મિત્રતા હતી. આ મિત્રતાની વ્યાખ્યા તો હું નહીં કરું પણ એમ કહી શકાય કે, મિત્રો વચ્ચે હોય તેવી આત્મીયતા બન્ને વચ્ચે હતી.
બેક વખત મહેશ ભટ્ટ જૂનાગઢ પણ આવ્યા હતા. એ વખતે તેઓ અમારા ઘેર જ (પરવીનના) રહેતા હતા. મને યાદ છે ત્યાં સુધી એકાદ-બે દિવસ તેઓ રોકાયા હતા. હું, પરવીન અને મહેશ ભટ્ટ પરવીનના ફાર્મ હાઉસ પર ગયાં હતાં. ફાર્મમાં અને ઘેર જ અમે જમતાં. હું મહેશ ભટ્ટને અને પરવીનને લઈને જૂનાગઢના ઐતિહાસિક સ્થળોએ પણ ફર્યો છું. અમે ઉપરકોટ પર પણ ગયા હતા. મહેશ ભટ્ટ પરવીનના કલોઝ મિત્ર હતા એ અમે બધા અનુભવી શક્તા હતા.
ર૦, જાન્યુઆરી, ર૦૦પના ગ્લેમરસ ગુજરાતી અભિનેત્રી પરવીન બાબી પોતાના જ મુંબઈના ફલેટમાંથી મૃત હાલતમાં મળી ત્યારે હું લાગતા વળગતાં લોકોને મળેલો તેમાંના એક હતા જાવેદ નૂરઅહેમદ શેખ એ વખતે અનેક વિવાદ થયેલાં અને તેના પરિણામો સમયની ગર્તામાં અંધારું ઓઢીને અલોપ થઈ ગયા. એ વખતે એવી વાતો ચાલી હતી કે પરવીન બાબીના બંધ ફલેટમાં શાબ્દિક દારૂગોળો છે.પરવીન સાથે સંકળાયેલાં નશીમાબાનુની વાત પરથી તો એવું જ લાગતું કે પોલીસે સીલ કરેલાં પરવીન બાબીના રિવેરા બિલ્ડિંગના ફલેટમાં ઘણું બધું સ્ફોટક હશે. નશીમાબાનુ જૂનાગઢના પરવીન બાબીના મકાનમાં જ રહેતાં હતાં. લગભગ ૧૯૯૦માં તેઓ ભાડાનું મકાન ગોતવા જૂનાગઢ આવ્યાં હતાં પણ પરવીન બાબીના માતા જમાલબખ્તે તેમને ઘરકામની જવાબદારી સોંપી, બાલબચ્ચાં સાથે પોતાના જ મકાનમાં રાખી લીધાં હતાં. ર૦૦૧ની સાલમાં જમાલબખ્તે દીકરી પરવીન સાથે રહેવા મુંબઈ ગયા ત્યારે નસીમાબાનુને પણ સાથે લઈ ગયાં હતાં. પચ્ચીસ દિવસ રહ્યા પછી વાતાવરણ માફક ન આવતાં તેઓ પાછા જૂનાગઢ આવી ગયેલાં અને થોડાં દિવસ પછી મુંબઈમાં જ જમાલબખ્તે ગુજરી ગયા. નશીમાબાનુએ મને કહેલું કે, એ પચ્ચીસ દિવસમાં પરવીન અમને બે વખત બહાર લઈ ગઈ હતી. એક વખત, ચોપાટી અને એક વખત, બાંદરામાં ખરીદી કરવા. એ સિવાય એ આખો દિવસ ઘરમાં જ રહેતી. બેબી (પરવીન) મોટાભાગે તેના ટેબલ પર બેસીને લખ્યાં કરતી. ટેબલ પર પિપરમેન્ટનો ડબ્બો રાખે અને ચગળ્યા કરે. તેઓ ઇંડાં બહુ ખાતાં. રાતે આઠ ઇંડાંની જરદી દૂધમાં ભેળવીને ફ્રીઝમાં રાખી દે અને સવારે ઊઠીને તે પી જાય. પછી લખવા બેસી જાય. બપોરે જમે અને ફરી લખવા બેસી જાય. મેં બેબીને પૂછેલું કે શું લખો છો તો કહેતાં કે ફિલ્મી દુનિયાનું બધું લખ્યાં કરું છું.
મુંબઈ પોલીસે સીલ કરેલાં પરવીન બાબીના ફલેટમાં આવાં લખાણો હોવાની પૂરી શક્યતા હતી પણ લાઈમલાઈટ ગુમાવી ચૂકેલી સેલિબ્રિટી એક્વીસમી સદીમાં મહત્ત્વ પણ ખોઈ બેસે છે એટલે ભુલાયેલી પરવીન સાથેના અનુસંધાનો પણ પ્રકાશ પામ્યાં નહીં. તેના અમુક સંબંધીઓનું માનવાનું છે કે પરવીન સાથે ફિલ્મી દુનિયા અને તેના રૂપાળા ચહેરાએ જે રમત અને દાવપેચ ર્ક્યા હતા તેને કદાચ, પરવીને શબ્દસ્થ ર્ક્યા હોય. જો એવું હોય તો ઘણાં બ્લડપ્રેશર ઊંચાનીચા થઈ જવાની શક્યતા પણ હતી. નશીમાબાનુની વાતોમાં બીજી પણ ઘણી વાતો જાણવા જેવી છે. ઘણાં માને છે કે ડાયાબિટીસના કારણે પરવીન બાબીના પગમાં છેલ્લે-છેલ્લે ગેંગરીન થઈ ગયું હતું પણ તેને ર૦૦૧માં પણ આ તકલીફ હતી. નસીમાબાનુ કહે છે કે, તે રોજ પગનો ઝખમ સાફ કરતી અને તેને લોહી પણ નીકળતું. એ જોઈને માસાહેબ (માતા) ડોકટરને દેખાડવાનું કહેતાં તો ચિડાય જતી. કોઈ તેને જૂનાગઢ ચાલ્યા જવાનું કહેતું ત્યારે અને તેને જવાબ દેવામાં મોડું થાય ત્યારે બેબી ગુસ્સે થઈ જતી. કહેતી કે, જૂનાગઢવાલે સબ ઐસે હી હો ગએ હૈ જો કે બેબીને મીઠાઈ બહુ ભાવતી અને એટલે માસાહેબ તેને બહુ ટોક્તાં. મુંબઈ હોય કે જૂનાગઢ, રસોઈ માસાહેબ જ કરતાં. હું તો નોકરાણી ગણાવ છતાં મારી રસોઈ તેઓ રાંધતા. જૂનાગઢમાં માસાહેબ દરરોજ બે રૂપિયાની ભાજી લઈને તેનું શાક બનાવતાં. મુંબઈ હતી ત્યારે પરવીને મૂર્ગી અને મચ્છી જાતે બનાવ્યા હતા. એ સારું પકાવી જાણતી.
એ મહેમાનગતિ પણ સારી કરતી ર૦૦૪ના જૂનમાં જ તેના ફલેટ પર ગયેલા જૂનાગઢના કૌટુંબિક સગા નસરીન સુલતાનાએ ત્યારે પોતાના વીડિયો કેમેરામાં પરવીનના ફલેટનું શૂટિંગ પણ ર્ક્યું હતું પણ પરવીને પોતાનો ચહેરો શૂટ કરવા દીધો નહોતો. કારણ ? નશીમાબાનુ કહે છે કે, સીઆઈએવાળાએ કેમિકલ આપી તેના દાંત બગાડી નાખેલાં એટલે તે કેમેરા સામે આવવા માંગતી નહોતી. પરવીન આપાના હાથમાં ત્યારે સતત નાનકડું ટેપરેકોર્ડર રહેતું. તેણે અમારી વાત-ચીત રેકોર્ડ કરેલી. મેં કારણ પૂછયું તો કહે કે, બધા મને પાગલ ગણે છે એટલે હું બધી વાતચીત રેકર્ડ કરું છું. જેથી ભવિષ્યમાં કોઈ મારા પાગલપણાંના નામે મારી પર આક્ષ્ોપ ન કરી જાય. એ સિવાય તમે (સગાસંબંધી) યાદ આવો ત્યારે એ રેકોર્ડિંગ સાંભળી પણ લઉં.
રિવેરામાંથી આવી અનેક કેસેટ મળવાની પણ શક્યતા હતી અને એ વિસ્ફોટક હોવાની પૂરી સંભાવના ત્યારે પણ હતી,આજે પણ છે.
પરવીનબાબી વિષ્ો વધુ સ્ફોટક વાતો નેકસ્ટ વીક