નવી દિલ્હી : ચૂંટણી પ્રચાર દરમિયાન અપાતાં નિવેદનોને લઈને ચૂંટણી પંચે રાજકીય પક્ષોને નોટિસ પાઠવી છે. ECI એ જનપ્રતિનિધિત્વ એક્ટની કલમ 77ને લાગુ કરીને અને સ્ટાર પ્રચારકો પર નિયંત્રણ કરવાના પ્રથમ પ્રયાસ તરીકે જે તે રાજકીય પાર્ટીના અધ્યક્ષોને જવાબદાર ઠેરવ્યા છે.
ચૂંટણી પંચે (ECI) વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનની નોંધ લીધી છે અને 29 એપ્રિલના સવારના 11 વાગ્યા સુધીમાં તેમની પાસેથી જવાબો માંગ્યા છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પર ધર્મ, જાતિ, સમુદાય અથવા ભાષાના આધારે નફરત અને વિભાજન ફેલાવ્યાના આરોપો લગાવવામાં આવ્યા હતા.
જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77નો ઉપયોગ કરીને મતદાન પેનલે સ્ટાર પ્રચારકોમાં નિયંત્રણ લાવવા માટે પ્રથમ કદમ તરીકે પક્ષના પ્રમુખોને જવાબદાર ઠેરવ્યા હતા. મોદી અને રાહુલ સામેના આરોપોને લઈએ ભાજપના પ્રમુખ જેપી નડ્ડા અને કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે નોટિસ પાઠવીને જવાબ માંગવામાં આવ્યા છે.
ECIએ જણાવ્યું હતું કે રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો, ખાસ કરીને સ્ટાર પ્રચારકોના વર્તન માટે પ્રાથમિક જવાબદારી લેવી પડશે. ઉચ્ચ હોદ્દા ધરાવતા લોકો દ્વારા પ્રચારમાં કરવામાં આવતા ભાષણો ખૂબ ગંભીર પરિણામો આપે છે.
નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 77 હેઠળ ‘સ્ટાર પ્રચારક’નો દરજ્જો આપવો એ સંપૂર્ણપણે રાજકીય પક્ષોના કાર્યક્ષેત્રમાં છે અને સ્ટાર પ્રચારકોએ ઉચ્ચ ગુણવત્તાવાળા ભાષણોમાં યોગદાન આપવાની અપેક્ષા છે.
તાજેતરમાં, રાજસ્થાનના બાંસવાડામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જો કોંગ્રેસ સરકાર સત્તામાં આવે છે તો તે ઘૂસણખોરો અને વધુ બાળકો ધરાવતા લોકો વચ્ચે દેશની સંપત્તિ વહેંચી શકે છે.