દિલ્હી: ગઈ કાલે બુધવારે ગુજરાત ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024ની 40મી મેચ ગુજરાત ટાઇટન્સ(GT) અને દિલ્હી કેપિટલ્સ(DC) વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડીયમમાં રમાઈ હતી. આ મેચમાં DCના કેપ્ટન ઋષભ પંત(Rishabh Pant)એ શાનદાર બેટિંગ કરીને ચાહકોના દિલ જીતી લીધા હતા, ઋષભે 43 બોલમાં અણનમ 88 રનની ઇનિંગ રમી હતી. પ્રથમ બેટિંગ કરતા DCએ ચાર વિકેટે 224 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઋષભ પંતે એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
એક સમયે દિલ્હીએ 44 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ અક્ષર પટેલ અને ઋષભ પંતે ચોથી વિકેટ માટે 68 બોલમાં 113 રનની પાર્ટનરશીપ કરીને DCને મોટા સ્કોર તરફ લઈ ગયા હતા. પંતે છેલ્લી 5 ઓવરમાં આક્રમક બેટિંગ કરી હતી. તેણે છેલ્લી ઓવરમાં ચાર સિક્સર અને એક ફોર ફટકારી હતી. DCએ છેલ્લી પાંચ ઓવરમાં 97 રન બનાવ્યા હતા. અક્ષરે કુલ 66 રન બનાવ્યા, જે IPLમાં તેનો સર્વોચ્ચ સ્કોર છે, જ્યારે પંતે તેની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને આઠ છગ્ગા સાથે 43 બોલમાં 88 રન કર્યા હતા.
તેની ઇનિંગ્સ દરમિયાન, ઋષભ પંતે એક T20 મેચમાં એક બોલર સામે એક બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. 26 વર્ષીય પંતે GTના ફાસ્ટ બોલર મોહિત શર્માના બોલ પર 18 બોલમાં 62 રન બનાવ્યા, જેમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. આ સમગ્ર વિશ્વમાં કોઈપણ T20 મેચમાં કોઈ એક બોલર સામે કોઈપણ એક બેટ્સમેન દ્વારા બનાવેલા સૌથી વધુ રન છે, ઉપરાંત એક જ ઇનિંગમાં એક બોલર સામે 60થી વધુ રન બનાવવાનો આ પ્રથમ રેકોર્ડ પણ છે.
IPL ઇતિહાસમાં અગાઉ વિરાટ કોહલીએ ઉમેશ યાદવ સામે અને હાશિમ અમલાએ લસિથ મલિંગા સામે એક ઇનિંગમાં 50થી વધુ રન બનાવ્યા હતા, ત્યાર બાદ પંત આ ક્લબ સામેલ થનાર ત્રીજો ખેલાડી બન્યો. જો કે, પંતે વિરાટ અને અમલાને પાછળ છોડી દીધા અને લીગમાં પ્રથમ વખત બોલર સામે 60થી વધુ રન બનાવ્યા.
બીજી તરફ એક અનિચ્છનીય રેકોર્ડ મોહિત શર્માના નામે થઈ ગયો હતો. મોહિતે ચાર ઓવરમાં 73 રન આપ્યા અને તેને એક વિકેટ મળી ન હતી. તે IPL ઈતિહાસમાં એક મેચમાં સૌથી વધુ રન આપનાર બોલર બન્યો હતો. આ પહેલા આ રેકોર્ડ બેસિલ થમ્પીના નામે હતો. તેણે 2018માં બેંગલુરુ સામે 70 રન આપ્યા હતા.
20મી ઓવર ફેંકવા આવેલા મોહિતના પહેલા બોલ પર પંતે સિક્સર ફટકારી અને દિલ્હીનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો. ત્યાર બાદ પંતે ત્રીજા બોલ પર ચોગ્ગો અને પછીના ત્રણ બોલ પર સિક્સર ફટકારી. આ ઓવરમાં મોહિતે 31 રન આપ્યા હતા. પંતે ઇનિંગમાં કુલ આઠ સિક્સર ફટકારી હતી, જેમાંથી સાત સિક્સ મોહિતના બોલ પર ફટકારી હતી. DCના 224 રન IPLમાં GT વિરૂદ્ધ કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો સર્વોચ્ચ સ્કોર છે. આ પહેલા આ રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સના નામે હતો.