મુશ્કેલીમાં ફસાઇ અભિનેત્રી, મહારાષ્ટ્ર સાયબર સેલે મોકલ્યું સમન્સ, જાણો શું છે મામલો
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર સંજય દત્ત બાદ હવે સાઉથ એક્ટ્રેસ તમન્ના ભાટિયાનું નામ ગેરકાયદે IPL મેચ સ્ટ્રીમિંગ કેસમાં સામે આવ્યું છે. અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાયબર વિંગ દ્વારા મહાદેવ સટ્ટાબાજીની એપની અન્ય એપ- ફેરપ્લે એપ પર IPL 2023 ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગના સંબંધમાં પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા છે.
આ ઘટનાના પરિણામે વાયાકોમને નોંધપાત્ર નાણાકીય નુકસાન થયું હતું, જે IPL માટે સત્તાવાર પ્રસારણ અધિકારોની માલિકી ધરાવે છે. વાયાકોમે તેની ફરિયાદમાં દાવો કર્યો હતો કે ફેરપ્લેએ ટાટા આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ) 2023ને ગેરકાયદેસર રીતે દર્શાવ્યું હતું અને તેના કારણે તેમને 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
આ મામલે અભિનેતા સંજય દત્તને પણ 23 એપ્રિલે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. પરંતુ તે તેની સામે હાજર થયો ન હતો. તેના બદલે, તેણે પોતાનું નિવેદન નોંધવા માટે તારીખ અને સમય માંગ્યો હતો અને કહ્યું હતું કે સમન્સમાં આપવામાં આવેલી તારીખે તે ભારતમાં ન હતો.
ફેરપ્લે એપ ભારતીય બજાર માટે સટ્ટાબાજીની એપ્લિકેશન છે. તે Android અને iOS બંને પ્લેટફોર્મ પર મફતમાં ઉપલબ્ધ છે. યુઝર્સ મિનિમમ 500 રૂપિયાની ડિપોઝીટથી શરૂઆત કરી શકે છે.
મહારાષ્ટ્ર સાયબર સેલે વાયાકોમની ફરિયાદ પર ફેરપ્લે એપ વિરુદ્ધ FIR નોંધી હતી અને આ મામલે વધુ તપાસ કરવા માટે ભાટિયાની પૂછપરછ કરવા માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તમન્ના ભાટિયાએ ફેરપ્લેનો પ્રચાર કર્યો હતો, તેથી જ તેને સાક્ષી તરીકે પૂછપરછ માટે બોલાવવામાં આવી છે.
સાયબર પોલીસ ભાટિયા પાસેથી એ સમજવા માંગે છે કે ફેર પ્લેને પ્રમોટ કરવા માટે તેનો સંપર્ક કોણે કર્યો, તેણે તે કેવી રીતે કર્યું અને તેના માટે તેને કેટલા પૈસા મળ્યા અને કેવી રીતે આપવામાં આવ્યા. ફેરપ્લે ઉપરાંત, મહારાષ્ટ્ર સાયબરે આ જ FIRમાં Pikashow નામની એપ્લિકેશનને પણ આરોપી તરીકે નામ આપ્યું છે.
મળેલી માહિતી મુજબ, પિકાશો નામની એપ્લિકેશન પર તમામ નવી ફિલ્મો અને વેબ સિરીઝની પાયરેટેડ કોપી ઉપલબ્ધ હોય છે. ગૂગલ દ્વારા આ એપ્લિકેશન પરની જાહેરાતોના નાણા પાકિસ્તાનના કેટલાક લોકોના ખાતામાં જાય છે. પિકાશો એપ્લિકેશનને જેટલો ટ્રાફિક મળે છે તે જોતાં દર મહિને 5-6 કરોડ રૂપિયા પાકિસ્તાનમાં અમુક લોકોના (આરોપીઓના) બેંક ખાતામાં જાય છે.