કુહાડીના ઘા ઝીંકી પતિએ કરી પત્ની અને પુત્રીની હત્યા
અકોલા: અકોલામાં સાસરે રહેવા ન આવનારી પત્ની સાથે નવ વર્ષની માસૂમ પુત્રીની પણ કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરનારા પતિની પોલીસે ધરપકડ કરી હતી. રામદાસ પેઠ પોલીસના જણાવ્યા મુજબ અકોલા શહેરમાં બુધવારના મળસકે પાંચ વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં આરોપી મનીષ મ્હાત્રે (33)ની ધરપકડ કરવામાં આવી હતી. મનીષે પત્ની રશ્મી અને પુત્રી માહીની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાથી રશ્મી પુત્રીને લઈને પિયરમાં રહેવા જઈ રહી હતી. પાંચ વર્ષથી પિયરમાં રહેતી રશ્મી પતિની વિનવણી છતાં સાસરે આવવા તૈયાર નહોતી. અનેક વખત પતિ રશ્મીનેને મનાવવા તેના ઘરે સુધ્ધાં ગયો હતો.
મંગળવારે મ્હાત્રે કુટુંબમાં લગ્નપ્રસંગ હોવાથી રશ્મી અકોલા આવી હતી. લગ્ન પછી રાતે રશ્મી પુત્રી સાથે સાસરે જ રોકાઈ ગઈ હતી. કહેવાય છે કે મોડી રાતે મનીષે ફરી હંમેશ માટે સાસરેમાં જ રહેવા આવવાની વાત રશ્મી સામે ઉચ્ચારી હતી. જોકે રશ્મીએ ઇનકાર કરતાં મનીષ રોષે ભરાયો હતો.
મળસકે ભરઊંઘમાં હતાં ત્યારે આરોપીએ પત્ની અને પુત્રીની હત્યા કરી હતી. બનાવની જાણ થતાં રામદાસ પેઠ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ પહોંચી ત્યારે આરોપી ઘરમાં મૃતદેહ નજીક જ બેઠો હતો. પોલીસે આરોપીને તાબામાં લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.