મહારાષ્ટ્ર

‘દસમી ફેલ’ની કાળીટીલી 58 વર્ષે સાંસદે દૂર કરી, કોણ છે મહારાષ્ટ્ર રત્ન જાણો

મુંબઈ: ‘એજ ઇઝ જસ્ટ અ નમ્બર’ એટલે કે ઉંમર એ માત્ર એક આંકડો છે એવી કહેવત આપણે સાંભળી છે અને શીખવાની કે ભણવાની કોઇ ઉંમર નથી હોતી એ પણ આપણે સાંભળ્યું છે. જોકે, આ ઉક્તિને મહારાષ્ટ્રના એક સાંસદે સાર્થક કરી બતાવી છે.

મહારાષ્ટ્રના પુણેની માવળ લોકસભા બેઠક પરથી 2014 અને 2019માં આમ બે વખત સાંસદ તરીકે ચૂંટાઇ આવેલા શ્રીરંગ બારણેએ 58મા વર્ષે દસમા ધોરણની એટલે કે એસએસસીની પરીક્ષા આપી અને તેમાં પાસ પણ થયા છે.
આમ કરીને બારણે ઉંમર વીતી જવા છતાં પોતાનું શિક્ષણ પૂરું કરવા ઇચ્છતા અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

શ્રીરંગ બારણે બે વખત સાંસદ તરીકે તો ચૂંટાઇ આવ્યા અને પાંચ વખત તેમણે સર્વશ્રેષ્ઠ સાંસદનો પુરસ્કાર પણ પોતાના નામે કર્યો. જોકે સફળ રાજકીય કારકિર્દી હોવા છતાં તેમને એક વસવસો હંમેશા રહેતો કે તે દસમા ધોરણમાં નાપાસ થયા હતા અને તેમાં પાસ ન થઇ શક્યા. જોકે, તેમણે મક્કમ રહીને કોરોનાકાળ દરમિયાન દસમા ધોરણની પરિક્ષાની તૈયારી કરી અને અભ્યાસ કરીને પરિક્ષા આપી. તેમણે કરેલી મહેનત તેમને ફળી અને તે દસમા ધોરણમાં પાસ થયા.


હાલ 60 વર્ષના થયેલા બારણેએ સોમવારે ફરી એક વખત એટલે કે ત્રીજી વખત સાંસદ બનવા માટે ઉમેદવારી નોંધાવી હતી. જોકે, આ વખતે તેમણે ગર્વથી પોતાના ઉમેદવારીપત્રમાં પોતે દસમી પાસ હોવાનું જણાવ્યું હતું. દર વખતે ઉમેદવારીપત્ર ભરતા વખતે શૈક્ષણિક લાયકાતની કોલમમાં તેમણે દસમી નાપાસ લખવું પડતું હતું. જોકે, આ વખતે તેમણે કરેલી મહેનતના કારણે તેમને દસમી નાપાસ લખવાનો વસવસો રહ્યો નહોતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button