ટોપ ન્યૂઝનેશનલ

રાહુલ અમેઠીથી અને પ્રિયંકા રાયબરેલીથી ચૂંટણી લડશે! રામલલ્લાના દર્શન કરી ફોર્મ ભરશે

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024(Loksabha election)ના બીજા તબક્કા માટે આવતી કાલે 26મી એપ્રિલના રોજ મતદાન થશે. આ તબક્કા હેઠળ કેરળની વાયનાડ લોકસભા બેઠક પર પણ મતદાન થવાનું છે. આ બેઠક એટલા માટે ખાસ છે કે આ બેઠક પર રાહુલ ગાંધી(Rahul Gandhi) ફરી એકવાર ઉમેદવાર છે. અહીં તેમની સીધી ટક્કર કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI)ના નેતા એની રાજા સાથે થશે. એવામાં રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશની અમેઠી(Amethi) બેઠક પર પણ ઉમેદવારી નોંધાવશે, જયારે પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) રાયબરેલી(Raibareli) બેઠક પર ચૂંટણી લડી શકે છે. હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ 1લી મેના રોજ રાહુલ અને પ્રિયંકા ફોર્મ ભરે એવી શક્યતા છે.

રાયબરેલી અને અમેઠી આ બંને બેઠકો પર ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા 26 એપ્રિલથી શરૂ થઇ જશે, કેરળમાંની વાયનાડ બેઠક પર મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસ આ બેઠકો અંગે કાર્યવાહી શરુ કરી શકે છે, આ બેઠકો પર ઉમેદવારીની જાહેરાત પહેલા પ્રિયંકા અને રાહુલ અયોધ્યા જઈને રામ લલ્લાના દર્શન કરી શકે છે. આ બંને લોકસભા બેઠકો પર રોજ 5માં તબક્કા હેઠળ 20 મેના રોજ મતદાન થશે.

રિપોર્ટ અનુસાર, 30 એપ્રિલ પહેલા આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે નહીં. કોંગ્રેસ હાઈકમાન્ડ સહિત પાર્ટીના ઘણા નેતાઓ રાયબરેલી અને અમેઠીમાં ઉમેદવારોના મુદ્દે મૌન છે. અમેઠીથી ચૂંટણી લડવાના સવાલ પર રાહુલ ગાંધીએ પોતે કહી ચુક્યા છે કે આ નિર્ણય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ લેશે. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે હું કોંગ્રેસનો સૈનિક છું અને મને જે આદેશ આપવામાં આવશે તેનું પાલન કરીશ.

આગાઉ, કોંગ્રેસના કોમ્યુનિકેશન સેલના પ્રભારી જયરામ રમેશ સહિત અન્ય ઘણા નેતાઓએ સંકેત આપ્યા હતા કે રાહુલ અને પ્રિયંકા ઉત્તર પ્રદેશથી લોકસભા ચૂંટણી લડશે. તાજેતરમાં, અમેઠીમાં જ્યાં રાહુલ રહે છે તે ઘરની સફાઈ અને પેઇન્ટિંગ કરવામાં આવ્યું હોય એવી તસવીરો પણ વાયરલ થઇ હતી. રાહુલ ગાંધીની ટીમે પણ અમેઠીમાં પડાવ નાંખવાનું શરૂ કરી દીધું છે.

નોંધનીય છે કે અમેઠી અને રાયબરેલી કોંગ્રેસની પરંપરાગત બેઠકો રહી છે. રાહુલ ગાંધી બે વખત અમેઠીથી લોકસભા સાંસદ રહી ચૂક્યા છે, જ્યારે વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી રાયબરેલીથી સતત ચૂંટણી જીતતા રહ્યા છે.

2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને અમેઠી બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપના સ્મૃતિ ઈરાની સામે તેમની હાર થઇ હતી. જોકે, તેઓ વાયનાડ બેઠક પરથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. સોનિયા ગાંધીએ 2019માં જાહેરાત કરી હતી કે આ તેમની છેલ્લી લોકસભા ચૂંટણી હશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button