લાડકી
પગલી
ટૂંકી વાર્તા -સુમંત રાવલ
તે હજુ સ્કૂટરને કીક મારવા જતો હતો, ત્યાં રઘુકાકાએ તેના નામની બૂમ મારી…
‘રવિ… એક મિનિટ’ એમ કહેતા રઘુકાકા હાંફળા ફાંફળા તેની પાસે દોડી આવ્યા.
‘મારે તારું ખાસ કામ છે.’
‘બોલો કાકા શું કામ છે?’ રઘુએ વિવેકથી પૂછ્યું.
‘તારે રેખાને બસમાં રાજપર સુધી લઈ જવાની છે…’
‘રેખાને?’ રઘુ ભડકી ગયો… અને રઘુકાકાના મોં સામે તાકી રહ્યો.
- રઘુકાકાને ત્રણ દીકરીઓ હતી. ત્રણેય જવાન હતી. ગયા વરસે પત્નીના અવસાન પછી રઘુકાકા પર ઘરની સઘળી જવાબદારી આવી પડી હતી. ત્રણ દીકરીઓમાં રેખા સૌથી નાની હતી, પંદર- સોળ વરસની હતી, પણ તે અડધી ગાંડી હતી. સંસ્કાર સોસાયટીમાં બધાં તેને ‘રેખાગાંડી’ તરીકે ઓળખતા હતાં, ગાંડપણના કારણે તે અલમસ્ત બની ગઈ હતી, ફ્રોક પહેરીને સોસાયટીમાં ભટકતી રહેતી હતી, ફ્રોકમાં ઊપસેલી છાતી બહાર દેખાતી હતી, એટલે બધાં તેની સામે ધારીધારીને જોઈ રહેતા, પણ રેખાને તેની લગીરે ચિંતા નહોતી. મોટા ભાગે તે સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં બાકડે બેસી રહેતી હતી, ક્યારેક જવાનિયા સાથે પક્ક્ડ દાવની રમત રમતી હતી, મોટેથી ખડખડાટ હસતી હતી. એકલી એકલી હવા સાથે વાતો કરતી હતી! આવી ગાંડીને બે કલાક બસની મુસાફરીમાં સાથે રાખીને છેક રાજપર સુધી પહોંચાડવામાં મોટું જોખમ હતું. એટલે રવિ વિચારમાં પડી ગયો. ‘જો રવિ- તું મારા દીકરા જેવો છે. મને તારા પર ભરોસો છે, નહીંતર સોસાયટીમાં બીજા ઘણા છે. પણ તારી સાથે મારી જવાન દીકરી વધુ સલામત રહેશે એની મને ખાતરી છે…’ બોલતા બોલતા તે ફરીથી હાંફવા લાગ્યા, મોં દયામણું થઈ ગયું, ‘આ પહેલા પણ તું રાજપર અનેકવાર રેખાને લેવા મૂકવા ગયો છે…’ રવિને કહેવાનું મન થયું કે ત્યારે વાત જુદી હતી, હવે રેખા જવાન હતી. અને ગાંડપણને લીધે બેશરમ પણ હતી. આગ સાથે ખેલવાની વાત હતી! રઘુકાકા તરસી આંખે રવિને તાકી રહ્યા હતા. ‘જો ભાઈ… મારે ઘરમાં બે જવાન દીકરી છે, એ બન્નેને જોવા માટે એક પાર્ટી આવવાની છે. પાર્ટી જોવા આવે અને રેખા કૈક બખેડો કરે તો પ્રસંગ બગડી જાય…’ રઘુકાકાએ પોતાની ચિંતાની જાણ કરી.
‘એ લોકો આવીને જતા રહે ત્યાં સુધી રેખાને હું સાચવીશ. તેને મારી પત્ની સાથે સારું બને છે.’ રવિએ વચળાગાળાનો રસ્તો કાઢ્યો, ત્યાં રઘુકાકા એકદમ આક્રોશમાં બોલી ઊઠ્યા…‘ના…ના હવે મારે રેખાને અહીં રાખવી નથી.’ ‘કેમ એમ?’ ‘તને ખબર નથી રવિ! તું ભોળો છે અને તારી ઓફિસના કામમાંથી નવરો પડતો નથી, એટલે તને ખબર પણ ન હોય. આપણી સોસાયટીના છોકરા સારા નથી. એ કોઈને કોઈ બહાને રેખાના શરીર સાથે અડપલા કરી લે છે. ન કરે નારાયણ અને ગાંડીનો ગેરલાભ લઈ લે તો મારે તો મરવાનું થાય’ વાત કરતા થોડીવાર અટકી ગયા, શ્ર્વાસ ધીમો પડ્યો એટલે ફરી શરૂ થઈ ગયા. ‘શાંતા હતી ત્યારે તેની ચોકી કરતી, પણ હવે શાંતા નથી રહી, હું ક્યાંક કામે બહાર ગયો હોઉં અને વિધુર બાપનું ધ્યાન પણ કેટલું રહે!’ રઘુકાકાના મોં પર લાચારીના ભાવ આવી ગયા. ‘તમે જ મૂકી આવોને? એ રીતે તમે તમારા માબાપને મળી પણ આવો’ રવિએ છટકવા માટે કહ્યું. ‘ મારે અઠવાડિયા સુધી દોડધામ છે, મારી બેય દીકરીઓનું ગોઠવવાનું છે.’ લગભગ કરગરતી આંખે તે રવિ સામે જોઈ રહ્યા હતા, જાણે રવિ સિવાય બીજો કોઈ ભરોસાપાત્ર માણસ જ ન હોય!
છેવટે રવિએ નમતું જોખ્યું. ‘ભલે કાકા, કાલે રવિવારની રજા છે, કાલે દાસની બસમાં મૂકી આવીશ, તમે રેખાને તૈયાર કરીને તેના સામાન સાથે બસસ્ટેશને લઈ આવજો, હું એ જ બસમાં રેખાને રાજપર મૂકીને પાછો ફરીશ.’ ‘તારો મોટો ઉપકાર ભૈલા.’ બે હાથ જોડી, ટોપીવાળું માથું નમાવતા રઘુકાકાએ કહ્યું. ‘માત્ર એક દિવસનું કામ છે. ભૈલા!’ ‘એમાં હાથ જોડવાના ન હોય, કાકા તમે મારા વડીલ છો. અને છોકરાની ફરજ છે કે વડીલનું કામ કરે.’ ‘કોણે એવું માને છે! ભલે તો કાલે દસ વાગે હું રેખાને લઈને બસસ્ટેશન પહોંચી જઈશ..’ ‘ફાઈનલ!’ મેં કહ્યું અને સ્કૂટરને ફરીથી કીક મારી, ઘરઘરાટી સાથે તે ચાલુ થઈ ગયું. ઓફિસના રસ્તે સ્કૂટર દોડાવતા હું વિચારી રહ્યો હતો. રાજપર ખાસ દૂર નહોતું, બે કલાકનો માર્ગ હતો. બસ રાજપર થઈને આગળ જતી અને એક કલાકમાં જ પાછી ફરતી હતી. એ ઘણી વાર રેખાને લઈને જતો ત્યારે રેખાનાં દાદા-દાદી સાથે ગપ્પા મારવામાં સરળતાથી કલાક પસાર થઈ જતો હતો. ચા- નાસ્તો થતાં, વાતો થતી અને કલાક પસાર થઈ જતો, વળી બસસ્ટેશન તેમના ઘરની સામે જ હતું, એટલે બહુ દોડધામ પણ થતી નહોતીં. વળતી બસે એ પાછો પોતાના ગામ આવી જતો!
-બીજે દિવસ રવિવારે તૈયાર થઈને નીકળતી વખતે તેણે શીલાને કહ્યું, ‘સાંજે પાછો આવી જઈશ.’ ‘જો…જો હોં એ ગાંડીથી ચેતજો. ઉંમરની સાથે તેનું ગાંડપણ વધતું જાય છે.’ ‘તારા કરતાં ઓછું.’ તેણે મજાક કરી એટલે પત્ની ગંભીર થઈ ગઈ. તે બસસ્ટેશને પહોંચ્યો ત્યાં રઘુકાકા રેખાની સાથે ઊભા હતા, રઘુકાકાના હાથમાં બેગ હતી, જે રવિએ પોતાના હાથમાં લેતા કહ્યું, ‘લાવો કાકા, તમારો ભાર ઓછો કરો…’ ‘ભાર ક્યારેય ઓછો ના થાય દીકરા…’ તેમણે કહ્યું તે વખતે રવિએ રેખા સામે જોયું તો જોતો જ રહી ગયો ફ્રોકને બદલે તેણે સાડી ધારણ કરી હતી, ગંભીર મોં કરીને સન્નારી જેમ તે ઊભી હતી, જોનારને ડાહીડમરી લાગે તે રીતે બન્ને હાથની અદબ બીડી ઊભી હતી, ગ્રીન કલરની સાડીમાં તેની લાંબી કાયા વધુ આકર્ષક લાગતી હતી. કપાળમાં બિંદી, કાનમાં ચમકતી બૂટી, અને અંબોડામાં ઘુંસાડેલું નકલી ફૂલ, કદાચ તેની મોટી બહેને તૈયાર કરી હતી. કાજળ ઘેરી આંખે તેણે રવિ સામે જોયું. કેવી ધારદાર ઈષ્ટ! રવિ નીચું જોઈ ગયો, ત્યાં બસ સ્ટેન્ડ પર આવી. બે જણની ખાલી સીટ શોધીને રેખા બારી પાસે બેસી ગઈ, તે બાજુમાં લગોલગ બેસી ગયો, બેગ તેણે બર્થ પર ગોઠવી દીધી. રઘુકાકાએ એક પરબીડિયું રવિને સોંપતા કહ્યું:
‘આ કાગળ મારા બાપાને હાથોહાથ આપજે. ‘જરૂર કાકા હવે. તમે ચિંતા ન કરો.’ ‘નિરાંતે ઘેર સીધાવો!’ રવિએ સાંત્વના આપતા કહ્યું. બસ ઊપડી. રઘુકાકા હાથ હલાવતા હતા, જવાબમાં રેખા બારીમાંથી હાથ બહાર કાઢી જોરજોરથી હલાવવા લાગી અને મોટેથી કહેવા લાગી. ‘ આવજો બાપુ. આવજો બાપુ.’ બસમાં બેઠેલા મુસાફરો જોઈ રહ્યા. પોતાના ગાંડપણનો પહેલો પુરાવો તેણે આપી દીધો હતો – રવિ સાવધ થઈ ગયો. બારી ખુલ્લી હતી, પવનની લહેર આવતી અને રેખાના ચહેરા પર છાંટેલા પાવડરની સરસ સુગંધ આવતી હતી. એક ગામડાના પાટીયે બસ અટકી, ગામ દૂર હતું, નાનકડા શેડ નીચે મુસાફરો ઊભા હતા, એક બાઈ કાખમાં છોકરું તેડીને ઊભી હતી. રેખા તેના તરફ જોઈ રહી અને બારીમાંથી એ બાળક સામે બાલીશ હરકતો કરવા લાગી. બન્ને હાથ લાંબા કરીને કાલીભાષામાં બકવા લાગી. આવ મારી બીટુ… આવ… આવ તને તારા ખોળામાં બેસાડી રાઉકલી કરું! હોઠ ઉઘાડબંધ કરી હવામાં બુચકારી કરવા લાગી, રવિને અણગમો થવા લાગ્યો, છતાં ખામોશ રહ્યો, રેખાને નીચે ન ઊતરવા માટેની કડક ચેતવણી આપી, પોતે બસમાંથી નીચે ઊતર્યો, નીચે ચા પાણીનો ગલ્લો હતો, જ્યાં ફૂડપેકેટ મળતાં હતાં, સીંગચણાનું પેકેટ લઈ તરત બસમાં ચડી ગયો. પેકેટ તેણે રેખાને આપ્યું, રેખાએ તે દાંત વડે તોડ્યું અને કચ કચ અવાજ કરતી સીંગચણા ચાવવા લાગી. બસ ઊપડી એટલે ખુલ્લી બારીમાંથી પવન અંદર ધસી આવ્યો, પવનમાં તેની સાડીનો પાલવ ઊડી જતો હતો અને છાતીનો ઉભાર બહાર દેખાઈ જતો હતો, રવિથી જાણ્યે- અજાણ્યે એ તરફ જોવાઈ જતું હતું. તેને પોતાની જાત પર શરમ થતી હતી, પરિણીત હતો- બે દીકરાનો બાપ હતો, ઉંમરમાં પણ મોટો હતો. છતાં પોતાની જાત પર કાબૂ રાખી શકતો નહોતો અને પૂરઝડપે દોડતી હતી.
‘રવિભાઈ. તમને હું ગાંડી લાગું છું?’ એકાએક રેખાએ પૂછ્યું. ‘તું તો ડાહીડમરી છો, કેવી શાંત બેઠી છો. તને ગાંડી કહેનારા જ ગાંડા છે.’ રવિએ કહ્યું, એટલે રેખા રાજી થઈ ગઈ, સીંગચણાનું ખાલી પેકેટ બહાર ફેંક્યું પણ પવનમાં ઊડીને અંદર આવી તેની છાતી સાથે ચીટકી ગયું એટલે તે ખડખડાટ હસવાનો અવાજ સાંભળી આગળની સીટ પર બેઠેલા મુસાફરો ડોક ઘુમાવીને તેની સામે જોવા લાગ્યા. રવિ ગભરાઈ ગયો. રેખાએ પોતાનું પોત પ્રકાશવાનું શરૂ કરી દીધું હતું! ‘રવિભાઈ. મારા ‘લગન’ ક્યારે થશે?’ તેણે બીજો પ્રશ્ર્ન કર્યો જે રવિના લમણામાં પથરાની જેમ વાગ્યો, માથું તમતમી ગયું. આ બલા જાતજાતના પ્રશ્ર્નો કરી રાજપર આવતા સુધીમાં તેને ગાંડો કરી મૂકશે! ‘ તું મોટી થઈશ ત્યારે…’
‘હું મોટી ક્યારે થઈશ…’
‘તારા દાદાને ત્યાં એક વરસ રહીશ ને. પછી તું મોટી થઈ જઈશ…’ તે ખીખી કરતી હસી પડી. બપોર ચડી ગઈ હતી, બહાર તડકો તીખો થયો હતો, બારીમાંથી ગરમ પવન અંદર આવતો હતો, રવિએ બારી બંધ કરી દીધી. લૂ લાગી જશે! રેખાને પણ ઘેન ચડતું હતું ઝોલા ખાતી હતી, એકાએક તેણે રવિના ખોળામાં માથું મૂકી દીધું. રવિ ગભરાઈ ગયો. પણ પછી સમજી ગયો. જાગતા કરતા સૂતી ભલી! રસ્તા પર ઘેટાબકરાંનું ટોળું આવી ગયું, એટલે બસ ધીમી પડી ગઈ, ડ્રાઈવર જોરજોરથી હોર્ન વગાડવા લાગ્યો. ભરવાડનો છોકરો હાથમાં લાકડી લઈને દોડાદોડી કરતો હતો અને મોં વડે હુસસસ…હુસસસસ જેવો સાંકેતિક અવાજ કાઢી ઘેટા બકરા હટાવતો હતો. રસ્તો ખાડા ખડિયા વાળો હતો, બસ હાલક ડોલક થતી હતી. રવિના શરીર સાથે જાણે અડપલાં કરતું હતું, રવિ બહેંકી ગયો, તેણે આસ્તેથી પોતાના એક હાથની હથેળી રેખાની છાતી નીચે સરકાવી, ત્યાં સડક કરતી રેખા બેઠી થઈ ગઈ, ક્ષણવારમાં તેની ઊંઘ ઊડી ગઈ. તે શંકાભરી નજરે રવિ સામે જોઈ રહી, રવિ પણ છોભીલો પડી ગયો, બસ સડસડાટ દોડતી રહી. રેખા આંખો ચાંપતી હતી, તેની આંખોનું કાજલ પાંપણો પરે રેળાઈ ગયું. આંખો ફરતી કાળાશ વધી ગઈ. વાળ વીખરાઈ ગયા. અસલ ગાંડી લાગતી હતી. છેવટે રાજપર આવી ગયું. એક હાથે રેખાનું કાંડુ અને બીજા હાથમાં રેખાની બેગ લઈ તે ધીમે ધીમે બસમાંથી નીચે ઊતરી ગયો, બસસ્ટેશનની સામે જ રેખાના દાદાનું ઘર હતું, બંધ બારણાની સાંકળ ખખડાવી, ખુદ દાદાજીએ જ બારણું ખોલ્યું, રવિ સામે જોતા મોં મલકાવ્યું, ‘ઓ રવિ..’ ત્યાં રેખા તરફ નજર પડી…‘બાકી દીકરી…’ હજુ વાક્ય પૂરું થાય તે પહેલા તો રેખા દાદાને બાજી પડી. અને બરાડવા લાગી. મારા દાદા! મારા દાદા! દાદી પણ ઓરડામાંથી બહાર આવી ગયાં. એટલે તે દાદાને છોડીને દાદીને બાજી પડી. મારી દાદી! રવિએ ચિઠ્ઠી આપી. દાદાએ તે ચશ્મા ચડાવીને વાંચી, પછી જવાબ લખી આપ્યો અને કવર સોંપતા કહ્યું, ‘રઘુને કે’ જે કે રેખાની ચિંતા ના કરે.’ ચા- નાસ્તો પતાવી, થોડી ઈધરઉધરની વાતો કરી, ત્યાં બસનો ટાઈમ થઈ ગયો. દાદા વળાવવા બસ સ્ટેશન સુધી આવ્યા, બસ આવી , રવિને બારી પાસે જગ્યા મળી ગઈ. તે બેઠો, બારી બહાર જોયું પણ રેખા દેખાતી નહોતી, કદાચ દાદી સાથે મોજમજા કરતી હશે! ત્યાં એકાએક બારણામાંથી રેખા દોડતી આવતી હતી. રવિએ હાથ બહાર કાઢી હાથ હલાવતા મોટેથી કહ્યું. રેખા! સાચવીને રહેજે- આવજે. બસ ઊપડી અને રેખાએ એક પળ રવિ સામે જોયું, બીજી પળે નીચે પડેલો પથરો ઉપાડ્યો રવિ હેબતાઈ ગયો. તે કંઈ સમજે વિચારે તે પહેલા તો રેખાએ જોરથી રવિ સામે પથરો ફેંક્યો, પથરો બસની બારીના કાચ પર અથડાયો. ‘ખડીંગ્’ અવાજ સાંભાળી ડ્રાઈવરે બસ રોકતા, પીઠ ઘુમાવીને પૂછ્યું ‘શું થયું?’ કંડકટર પણ બારણું ખોલી રહ્યો હતો, પણ રવિએ પરિસ્થિતિ સંભાળી લીધી, તેણે સીટ પરથી ઊભા થતા એકી શ્ર્વાસે કહ્યું: બસ રોકશો નહીં, એ છોકરી ગાંડી છે એટલે પથરાં ફેકે છે. ડ્રાઈવરે ઝડપથી બસ દોડાવી મૂકી એટલે રવિએ રાહતનો લાંબો શ્ર્વાસ ખેંચ્યો!