લાડકી

મોટરસાઈકલ પર હિમાલયના સૌથી ઊંચા ઘાટ ફતેહ કરનાર પ્રથમ મહિલા પલ્લવી ફોજદાર

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

પાસનો અર્થ આમ તો પરીક્ષામાં ઉત્તીર્ણ થવું એવો થાય, પણ અહીં જે પાસની વાત છે એનો અર્થ પહાડો વચ્ચેની જગ્યા અથવા પહાડો વચ્ચેથી અવરજવર કરવા માટેના સાંકડા પ્રાકૃતિક માર્ગ થાય. પાસને પર્વતીય રસ્તો કે ઘાટ પણ કહેવાય… ઊંચાઈ પર આ ઘાટ અત્યંત ખતરનાક હોય છે. જેમ ઊંચાઈ વધે એમ જોખમ વધે. પર્વત જો હિમાલય હોય તો સૌથી જોખમી ઘાટ જોવા મળે. એક ભૂલ અને જીવન પર મૃત્યુનું પૂર્ણવિરામ મુકાઈ જાય…

પરાક્રમી પલ્લવી ફોજદાર આ પ્રકારના અનેક જોખમી પર્વતીય રસ્તાઓ પસાર કરીને હિમાલયના સૌથી ઊંચા ઘાટ પર બાઈકસવારી કરીને પહોંચી છે. જાન હથેળી પર લઈને મોટરસાઈકલ પર હિમાલયના સૌથી ઊંચા ઘાટ ફતેહ કરનાર પ્રથમ ભારતીય મહિલા છે પલ્લવી ફોજદાર… પરાક્રમનો પર્યાય છે પલ્લવી. સાહસ એની નસનસમાં લોહી બનીને વહે છે !

સાહસિક પલ્લવી સાથે કેટલાંયે ‘પ્રથમ’ જોડાયેલાં છે. એની સિદ્ધિઓ પર એક નજર : ૧૮ જુલાઈ ૨૦૧૫ના રોજ લદાખ ખાતે પાંચ હજાર મીટરથી ઉપરની ઊંચાઈએ આઠ પર્વતીય માર્ગ-ઘાટ પર મોટરસાઈકલથી સવારી, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ના ઉત્તરાખંડ ખાતે ૫૪૭૧ મીટર કે ૧૭૯૫૦ ફૂટ પર આવેલા સૌથી ઊંચા મીઠા પાણીનાં ઝરણાં, દેવતાલ ઝીલની સવારી કરનાર પહેલી મોટરસાઈકલ સવાર, ૨૪ ડિસેમ્બર ૨૦૧૫ના ૫૬૩૮ મીટર કે ૧૮૭૭૪ ફૂટની ઊંચાઈ પર સ્થિત માના ઘાટ સુધી યાત્રા કરનારી પ્રથમ મહિલા બાઈકર, ૪ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ ૫૮૦૩ મીટર કે ૧૯૩૦૩ ફૂટ પર આવેલા દુનિયાના નવા ખૂલેલા સૌથી ઊંચા મોટર યોગ્ય પર્વતીય માર્ગ ઉમલિંગ લા ઘાટની સવારી કરનાર પ્રથમ મોટરસાઈકલ સવાર… અસીમ સાહસને પગલે પલ્લવીનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં ચાર વાર નોંધાયું છે.

સરકારે પણ પલ્લવીની સિદ્ધિની નોંધ લઈને એને બિરદાવી છે. ૩૦ એપ્રિલ ૨૦૧૬ના રોજ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ઉત્કૃષ્ટ વૈશ્ર્વિક મહિલા સન્માન, ૮ માર્ચ ૨૦૧૭ના રોજ ભારત સરકાર દ્વારા નારી શક્તિ પુરસ્કાર અને ૨૬ માર્ચ ૨૦૧૮ના રોજ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રાણી લક્ષ્મીબાઈ વીરતા પુરસ્કારથી એને નવાજવામાં આવી છે.

આ પલ્લવી ફોજદારનો જન્મ ઉત્તર પ્રદેશના આગ્રામાં ૨૦ ડિસેમ્બર ૧૯૭૯ના થયેલો. પિતા અશોક ફોજદાર સેવાનિવૃત્ત ઈલેક્ટ્રિકલ એન્જિનિયર. એમની પાસે મોટરસાઈકલ હતી. પલ્લવી પિતાને મોટરસાઈકલ ચલાવતાં જોતી. ૧૪ વર્ષની ઉંમરે મોટરસાઈકલ ચલાવવામાં રસ પડ્યો.. પિતા અશોકે ત્યારે એના શોખને પ્રોત્સાહન આપ્યું.

પિયરમાં પિતાએ પ્રોત્સાહિત કરી અને સાસરિયે પતિએ પીઠબળ પૂરું પાડ્યું. લખનઊના આર્મી ઓફિસર પરીક્ષિત સાથે પલ્લવીનાં લગ્ન થયેલાં. પરીક્ષિતે પલ્લવીને પલ્લવિત થવાની મોકળાશ આપી. પલ્લવી પરીક્ષિતની બુલેટ ચલાવતી થઈ. પારંગતતા પ્રાપ્ત કર્યા પછી પહાડો પર પણ બાઈક ચલાવતી થઈ.

૨૦૧૫માં પલ્લવીએ બે વિશ્ર્વ વિક્રમ સર્જ્યા. પહેલી સોલો રાઈડ લેહ લદાખની હતી. ૧૮ જુલાઈ ૨૦૧૫ના રોજ પલ્લવી સોળ પર્વતીય રસ્તા કે ઘાટમાંથી પસાર થયેલી, જેમાં આઠ ઘાટ પાંચ હજાર મીટરથી ઊંચા હતા. ત્યાર બાદ ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ના પલ્લવી ઉત્તરાખંડમાં ૫૪૭૧ મીટર કે ૧૭૯૫૦ ફૂટની ઊંચાઈએ આવેલા દેવતાલ સુધી બાઈક પર પહોંચીને વિક્રમ સર્જ્યો.

બન્ને વિક્રમ બદલ પલ્લવીએ લિમ્કા બુકમાં નામ અંકિત કર્યું.

પલ્લવી મોટરસાઈકલની મહારથી બની ગઈ, પણ મિત્રોએ મોટરમાર્ગે જઈ શકાય એવા વિશ્ર્વના સૌથી ઊંચાઈએ આવેલા ઘાટ પર બાઇકથી પહોંચવાની શરત લગાવી. પલ્લવીએ પડકાર ઝીલી લીધો. પરિણામે ૨૪ ડિસેમ્બર ૨૦૧૫ના ૫૬૩૮ મીટર કે ૧૮૭૭૪ ફૂટની ઊંચાઈ પર સ્થિત એ સમયના સૌથી ઊંચા માના ઘાટ સુધી યાત્રા કરનારી પ્રથમ મહિલા મોટરસાઈકલ
સવાર બની. એક મુલાકાતમાં પલ્લવીએ જણાવેલું કે, એ વિસ્તારમાં જવું અત્યંત ખર્ચાળ હતું.

લેહથી આગળ પેટ્રોલની કિંમત પાંચસો રૂપિયે લિટર સુધી પહોંચી જાય છે. કારણ કે ત્યાં પેટ્રોલપંપ મળવા જ મુશ્કેલ હોય છે. અમુક અંતર કાપ્યા પછી મોબાઈલ અને ઈન્ટરનેટ પણ બંધ થઈ જાય છે. આ બાબતોને ધ્યાને લઈને હું હાથે બનાવેલો નકશો લઇ ગયેલી. એક હાઈ ટેક કેમેરા પણ સાથે લઇ ગયેલી. સુરક્ષા માટે પેપર સ્પ્રે પણ લઇ ગયેલી.’

સંપૂર્ણ સજ્જતા સાથે પલ્લવીએ માના ઘાટ પહોંચવા માટેનો પ્રવાસ શરૂ કર્યો. રસ્તામાં ભૂસ્ખલન, મૂશળધાર વરસાદ અને પથરાળ રસ્તાઓને કારણે ખાસ્સી મુશ્કેલીઓ વેઠવી પડી.

ઓક્સિજનની ઊણપને કારણે ગૂંગળામણ થતી. બરફને કારણે બાઈકનું સંતુલન જાળવવામાં તકલીફ પડતી. એક વાર તો બાઈક લપસીય ખરી, પણ પલ્લવીએ પોતાને બચાવી લીધી. રસ્તો એટલો ખતરનાક હતો કે જરાક ચૂકે તો હજારો ફૂટ ઊંડી ખીણમાં ગબડી પડે એમ હતી. પણ તમામ અવરોધ પાર કરીને છ કલાકમાં છેલ્લા પંચાવન કિલોમીટર કાપીને પલ્લવી માના ઘાટ પહોંચી. વિશ્ર્વના સૌથી ઊંચા ઘાટ પર ત્રિરંગો ફરકાવનારી પહેલી ભારતીય મહિલા તરીકે લિમ્કા બુકે ફરી પલ્લવીની સિદ્ધિની નોંધ લીધી. પલ્લવી ત્યાં પહોંચી તો ખરી, પણ અઢાર હજાર ફૂટની ઊંચાઈએ પહોંચ્યા પછી એને થયેલું કે પોતે ત્યાં જ મરી જશે.

મરી નહીં, જીવી પલ્લવી. કારણ કે એણે પોતે પોતાના જ વિક્રમ તોડવાનો હતો. તોડ્યો પણ ખરો. ૪ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ પલ્લવી દુનિયાના નવા ખૂલેલા સૌથી ઊંચા ૫૮૦૩ મીટર કે ૧૯૩૦૩ ફૂટ પર આવેલા મોટરયોગ્ય પર્વતીય માર્ગ ઉમલિંગ લા ઘાટની સવારી કરનાર પ્રથમ મોટરસાઈકલ સવાર બની.

૨૬ જુલાઈ ૨૦૧૭ના પલ્લવીએ પોતાની પ્યારી બોનવિલા બાઇક પર સફર શરૂ કરેલી. પંદર દિવસમાં પ૧૧૪ મીટર ઊંચા થિટ જારબો લા, ૫૦૦૮ મીટર ઊંચા બોનિ લા, ૫૨૧૫ મીટર ઊંચા સાલસાલ લા અને ૫૫૨૬ મીટર ઊંચા ફોટો લા ઘાટથી પસાર થઈ. યાત્રા દરમિયાન જંગલી જાનવરો, સડકો પરના ખાડાટેકરા, ઊબડખાબડ રસ્તાઓ, ભૂસ્ખલન અને બર્ફીલી હવાઓએ માર્ગ રોકવાનો પ્રયાસ કર્યો, પણ તમામ મુશ્કેલીઓને હાથતાળી આપીને પલ્લવી ચાર હજાર કિલોમીટરનું અંતર કાપીને ઉમલિંગ લા પહોંચી ગઈ. દુર્ગમ પહાડો વીંધીને પલ્લવી મંઝિલ સુધી પહોંચી, એટલું જ નહીં, એણે ૫૦૦૮ મીટરની ઊંચાઈ પર એક અનામી ઘાટ પણ શોધી કાઢ્યો. પલ્લવીના પ્રવાસ પછી એ ઘાટ અનામી ન રહ્યો. પલ્લવીએ પોતાની બાઈકના નામે એ ઘાટનું બોનવિલા એવું નામકરણ કર્યું છે.

પર્વતીય માર્ગો ફતેહ કરનાર પલ્લવી પોતે એક પ્રેરણામૂર્તિ બની ગઈ છે, પણ પોતાની પ્રેરણા કોણ છે એ અંગે એણે જણાવેલું કે, ‘કોઈ પણ વ્યક્તિની પ્રેરણા એની અંદર જ રહેલી હોય છે. કારણ કે પોતાના રસ્તા પોતે જ કંડારવાના હોય છે. છતાં મારા માતાપિતાને હું જરૂર શ્રેય આપીશ. હું જે કાંઈ છું, એ એમને કારણે જ છું.’ પલ્લવી સમાજમાં હંમેશાંથી સમાજમાં પરિવર્તન લાવવા ઈચ્છુક હતી. એ એવું વિચારતી કે પોતે કાંઈક એવું જરૂર કરશે જે દુનિયા માટે મિસાલ બનશે.

મિસાલ બની ગયેલી પલ્લવી ઉમેરે છે કે, મિસાલ બનવું જેટલું મહત્ત્વનું છે એટલું જ મહત્ત્વ ખુશ રહેવાનું પણ છે. આપણે કાયમ ખુશ રહેવા માગીએ છીએ અને એ માટે પ્રયત્નશીલ રહીએ છીએ. હું કહું છું કે જે હાંસલ કરો એમાં ખુશ રહો અથવા જે એ હાંસલ કરો જેમાં તમને ખુશી મળે !

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…