સીસીટીવી ફૂટેજમાં નજરે પડેલા શ્વાનને શોધી કાઢી પોલીસે હત્યા કેસ ઉકેલ્યો
મુંબઈ: સીસીટીવી કૅમેરાનાં ફૂટેજમાં નજરે પડેલા શ્વાનને શોધી કાઢી નવી મુંબઈ પોલીસે કચરો વીણનારા શખસની હત્યાનો કેસ ઉકેલ્યો હતો.
નેરુળ પોલીસ સ્ટેશનના એપીઆઈ સચિન ધાગેએ જણાવ્યું હતું કે 13 એપ્રિલની વહેલી સવારે નેરુળ પરિસરમાંથી લોહીના ખાબોચિયામાં પડેલા 45 વર્ષના શખસનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પ્રકરણે અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. બે દિવસમાં જ 15 એપ્રિલે આરોપી પોલીસની પકડમાં આવી ગયો હતો.
આ પણ વાંચો: 76 બિલાડીની હત્યા કરનારા શખસને કોર્ટે શું ફટકારી સજા?
પોલીસના જણાવ્યા મુજબ ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસવામાં આવ્યાં હતાં. મૃતકના માથા પર આરોપીએ ભારે વસ્તુ ફટકારી હતી. બેભાન થઈ મૃતક રસ્તા પર ઢળી પડ્યા પછી આરોપી ત્યાંથી પસાર થઈ ગયો હોવાનું ફૂટેજમાં નજરે પડ્યું હતું.
જોકે ફૂટેજમાં આરોપીનો ચહેરો આંશિક રીતે નજરે પડતો હતો અને આસપાસ કોઈ હાજર નહોતું. બીજા કૅમેરાનાં ફૂટેજમાં ઘટનાસ્થળે કાળો શ્વાન નજરે પડતો હતો. શ્વાનના પેટ પર સફેદ પટ્ટો હોવાનું દેખાતું હતું. વળી, હુમલો થયા છતાં શ્વાન ભસ્યો ન હોવાનું એપીઆઈ ધાગેએ નોંધ્યું હતું.
આ પણ વાંચો: વડોદરામાં સાવ નજીવી બાબતે સગીરની હત્યા, મિત્રએ જ ચાકુના ઘા ઝીંકી ઢીમ ઢાળ્યું
પોલીસને શંકા હતી કે શ્વાન આરોપીને ઓળખતો હશે એટલે તે આરોપીને જોઈ ભસતો નહોતો. પરિણામે પોલીસે શ્વાનને શોધવાની કવાયત હાથ ધરી હતી. આખરે પોલીસને નેરુળ ફ્લાયઓવર નીચેથી ફૂટેજમાં નજરે પડેલો રખડતો શ્વાન મળી આવ્યો હતો. બ્રિજ પાસે હાજર એક વ્યક્તિએ પોલીસને માહિતી આપી હતી કે એ શ્વાન હંમેશાં ‘ભુર્યા’ નામના શખસ સાથે ફરતો હોય છે. પોલીસે બ્રિજથી થોડે જ અંતરે સૂતેલા ભુર્યા ઉર્ફે મનોજ પ્રજાપતિને તાબામાં લીધો હતો.
પૂછપરછમાં ભુર્યાએ કબૂલાત કરી હતી કે તે મૃતકની સાથે જ બ્રિજ નીચે રહેતો હતો. ઘણી વાર મૃતક ભુર્યાની સાથે મારપીટ કરી તેના રૂપિયા ઝૂંટવી લેતો હતો. આ વાતે રોષે ભરાઈ તેણે જ હત્યા કરી હતી. પોલીસે મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. (પીટીઆઈ)