ગુનાઓની ક્ષમા યાચો છો? માત્ર આ ચાર શરતોનું પાલન કરો
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી
ઈન્સાન માત્ર ભૂલને પાત્ર કહેવતથી ભાગ્યે જ વાચક મિત્રો અજાણ હશે. ઘણીવાર આપણાથી જાણતા – અજાણતામાં ગુના થઈ જતા હોય છે પરંતુ ઈસ્લામ ધર્મની હિદાયત (ધર્મજ્ઞાન)માં મનુષ્યએ કરેલા ગુનાના પ્રાયશ્ર્ચિત માટે તૌબા માગવાના કાર્યથી મોમિને કદીય વિમૂખ થવું જોઈએ નહીં.
- મૌત એવા સમયે આવે કે ઈન્સાન ‘તાયબ’ એટલે કે તૌબા (પ્રાયશ્ર્ચિત) કરેલો જ હોય.
- આવો મુસલમાન જ એક સાચો મોમિન – અલ્લાહનો નેકદિલ બંદો કહેવાય.
- તૌબા તમામ નામે મુસલમાન માટે અલ્લાહે ફરજરૂપ ઠેરવી છે.
- જગતકર્તા પોતે જ ફરમાવે છે કે –
- હે ઈમાન (શ્રદ્ધા) વાળાઓ!
- તમે બધા જ અલ્લાહ સમક્ષ ખાલિસ તૌબા કરો.
- ‘ખાલિસ’ એટલે કેવી તૌબા?
- ખાલિસ તૌબા એટલે કરેલા ગુનાનો અહેસાસ – અનુભૂતિ થાય.
- પછી ગુનો કર્યો તેની શરમિંદગી થાય,
- પછી સંજોગો ગમે તેવા વિપરીત કેમ ન આવે, પરિસ્થિતિ ગમે તેવી કેમ ન સર્જાય.
- ભવિષ્યમાં-
- ગુનો નહીં કરવાનો દૃઢ સંકલ્પ થાય અને એ રીતે બારગાહે ઈલાહી (ઈશ્ર્વરના દરબાર)માં આંસુ વહાવતો વહાવતો ગુનાઓની માફી માટે તૌબા કરી લે તો તેવી તૌબા ‘ખાલિસ’ એટલે સાચી અથવા શુદ્ધ તૌબા કહેવાય.
રબની રહેમત અને મહેરબાની તો જુઓ કે તેણે કેવી રીતે બંદાઓને તૌબાની તરફ બોલાવ્યા, તૌબાનો હુકમ આપ્યો અને બંદાએ ગુનો કબુલ કર્યો હતો છતાં તેનું નામ મોમિન (એક સાચો ઈમાનદાર મુસલમાન) રાખ્યું. ઉપરાંત તૌબા કરનારની તૌબા કબૂલ કર્યા બાદ, બંદાને જે ઈજજત અને નેઅમત મળશે, તેનું વર્ણન રબતઆલાએ પોતે કુરાને કરીમમાં આ પ્રમાણે કર્યું છે * ‘અને તે લોકો જ્યારે કહે છે કોઈ બૂરું કામ અથવા પોતાના તરફથી બુરાઈ કરી બેસે છે, ત્યારે અલ્લાહને યાદ કરે છે અને પોતાના ગુનાઓની બક્ષિસ ચાહે છે અને કોણ બક્ષે છે રબ સિવાય? અને ઈરાદાપૂર્વક અડી રહેતા નથી, તે કાર્ય પર જે તેમણે કર્યું છે. તેમનો બદલો એ છે કે તેમના રબ તરફથી તેમની બક્ષિસ છે અને બાગ છે જેની નીચે નહેરો વહે છે અને તેમાં જ તે લોકો રહેશે. કામ કરનારાઓનું આ કેવું સરસ મહેનતાણું છે?’
…વળી, ખુદાવંદે કરીમે તો તૌબા કરનારા બંદાઓ માટે ત્યાં સુધી ફરમાવી દીધું છે કે – ‘બેશક! અલ્લાહતઆલા તૌબા કરનારા અને પાક-પવિત્ર, સાફ-સુથરા લોકોની સાથે મહોબ્બત રાખે છે.’ એવો પણ ઈર્શાદ થયો કે – ‘બંદાઓ માટે તૌબાનું કૃત્ય, એ ગુનાઓની નજાત (છુટકારા) પછી મેળવેલી પવિત્રતા છે.’ આ તમામ આયતે કરીમાથી સાબિત થયું કે, મોમિન માટે તૌબા કરવી જરૂરી છે.
- તૌબા માટે ચાર શરતો છે, તે પણ જાણી લેવી જરૂરી બની રહેવા પામે છે. જો તે ચાર પૈકી એક પણ શરત ઓછી હશે તો તૌબા બરાબર કબૂલ થશે નહીં. * પ્રથમ શરત એ છે કે, થઈ ગયેલા ગુનાઓ માટે દિલમાં શરમિંદા થવું, ગમગીન થવું, દર્દમન્દ થવું. * બીજી શરત એ છે કે, તાત્કાલિક ગુનાના કાર્યો છોડી દેવા. * ત્રીજી શરત એ છે કે, હવે એવો પાકો – મક્કમ ઈરાદો કરી લેવો કે ભવિષ્યમાં આવું કામ અથવા કાર્યો કદીય કરીશું નહીં અને * ચોથી શરત એ છે કે ઉપરોકત ત્રણે કૃત્યો રબના ખૌફ (ડર)ને લીધે હોવા જોઈએ. આ ચોથી શરત સમજાવવા માટે એક દાખલો તૌબાના પ્રાયશ્ર્ચિતને સમજવા સરળ થઈ પડશે:-
- એક શરાબી માણસ શરાબ પીવાનું એટલા માટે છોડી દીધું કે શરાબ પીવાથી તેનું માથું દુખ્યા કરતું હતું. અથવા તેનું સ્વાસ્થ્ય જળવાતું નહોતું અથવા સગાં સંબંધી, દોસ્ત – બિરાદર, સમાજમાં તે વગોવાય છે, તો આવો શખસ તૌબાની માફીનો અધિકારી કહેવાશે નહીં. એજ પ્રમાણે બીજો દાખલો છે. * એક શખસ જીભથી વારંવાર ‘અસ્તગફીરૂલ્લાહ’ એટલે કે ઈશ્ર્વર પાસે ક્ષમાની યાચના સંબંધી તસ્બીહ (તેના નામની માળા, રટણ) કરતો રહેતો હોવા છતાં તેનું દિલ તો ગુનાઓ કરવા તરફ ખેંચાતું રહે છે, તો તેની આ તૌબા સ્વીકારવાને પાત્ર રહેતી નથી. * રસૂલે કરીમ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમનું કથન છે કે * ‘જીભથી તૌબા કરનારો અને દિલથી ગુનાઓ પર અડી રહેનારો શખસ એવો છે, જાણે તે અલ્લાહતઆલા સાથે મજાક કરી રહ્યો છે.’
માટે સાચા દિલથી તૌબા કરવી, ભવિષ્યમાં ગુનાના રસ્તે નહીં જવાનો દૃઢ ઈરાદો કરવો અને જે કાંઈ થઈ ગયું, તે માટે બારગાહે ખુદાવંદીમાં માફી માંગવી આ સાચી રીત છે. * ખુદાવંદેકરીમ ઘણો જ મોટો બક્ષનાર અને મહેરબાન છે. માનવી જ્યારે ગુના કરે છે અને પછી સાચા મનથી તૌબા (અર્થાત્) માફી આપવા માટેની ક્ષમાયાચના કરે છે તો તેની બક્ષિસ – ક્ષમાની યાચના કબૂલ થઈ જવાની પૂરી ઉમ્મીદ – આશા હોય છે.
ધર્મસંદેશ:
- હે મારા બંદાઓ!
- તમો રાત્રે પણ ગુનાઓ કરો છો અને દિવસે પણ ગુનાઓને અંજામ આપતા ફરો છો અને હું
- તમારા દરેકે દરેક ગુના માફ કરી દઈશ (ફરી પાછા કોઈપણ, નાના કે મોટા ગુના ન કરવાની બાંહેધરી – શરત સાથે) માફ કરી દઈશ. (કુરાન કરીમ)
- હે મારા બંદાઓ! તમો દરેકે દરેક ગુમરાહ (માર્ગ ભૂલેલા – ભટકેલા) છો, સિવાય તેના જેને હું હિદાયત (બોધ-જ્ઞાન) આપું!
- આથી તમો મારાથી હિદાયત (માર્ગદર્શન) માગો. હું તમોને હિદાયત આપીશ. (કુરાન કરીમ)
- શમીમ એમ. પટેલ
સાપ્તાહિક સંદેશ:
- એકબીજાને આમંત્રણ આપતા રહો અને
- આપસમાં ભેટ સોગાતો આપતા રહો.
- સારી સલાહ આપવામાં પહેલ કરો.
- મિત્રતાને ખજાનાની માફક જાળવો.
- એકબીજાના એબ ખોલવાથી રહો.