વારસાઈ ટૅક્સની મોંકાણ, પિત્રોડાએ પેટ ચોળીને શૂળ ઊભું કર્યું
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
કૉંગ્રેસના નેતા પેટ ચોળીને શૂળ ઊભું કરવામાં માહિર છે ને તેનો તાજો દાખલો ઈન્ડિયન ઓવરસીઝ કૉંગ્રેસના અધ્યક્ષ સામે પિત્રોડાએ વારસાઈ ટૅક્સ અંગે કરેલું નિવેદન છે. સેમ પિત્રોડાએ ડહાપણ ડહોળેલું કે, અમેરિકામાં વારસામાં મળતી મિલકતો પર વારસાઈ ટૅક્સ લાગે છે અને આ ખૂબ જ રસપ્રદ કાયદો છે. ભારતમાં એવો કોઈ કાયદો નથી પણ મને લાગે છે કે આ મુદ્દે ચર્ચા થવી જોઈએ.
ભાજપે આ વાતને પકડી લીધી અને કૉંગ્રેસ હવે દેશમાં વારસાઈ ટૅક્સ લાવવા માગે છે એવું કોરસ શરૂ કરી દેતાં કૉંગ્રેસીઓ હાંફળાફાંફળા થઈને દોડતા થઈ ગયા છે. કૉંગ્રેસનો ઈરાદો વારસાઈ ટૅક્સ લાદવાનો છે જ નહીં એવા બચાવ કૉંગ્રેસીઓ કરી રહ્યા છે. ભાજપ રાજકીય ફાયદા માટે વાતનું વતેસર કરી રહ્યો છે ને પિત્રોડાની વાતને વિકૃત રીતે રજૂ કરી રહ્યો છે એવી ચોખવટો કૉંગ્રેસીઓ કરી રહ્યા છે.
કૉંગ્રેસની વાત સાચી છે કેમ કે પિત્રોડાએ કૉંગ્રેસ વારસાઈ ટૅક્સ લાવશે એવું કહ્યું નથી પણ ભાજપને તેની સાથે લેવાદેવા નથી. ભાજપને તો કૉંગ્રેસી નેતાના મોંમાંથી નીકળેલા શબ્દ સાથે લેવાદેવા છે કેમ કે એ શબ્દને આધારે લોકોને ભરમાવવામાં ભાજપ માહિર છે. ભાજપ એ જ કરી રહ્યો છે પણ તેનું કારણ સેમ પિત્રોડા છે. પિત્રોડા અત્યારે ચૂંટણીના સમયે ચૂપ રહ્યા હોત ને પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરવા ના બેઠા હોત તો આ મોંકાણ જ ના મંડાઈ હોત. ભાજપને આ મુદ્દો ઊભો કરવાનો મોકો જ ના મળ્યો હોત.
પિત્રોડાએ જે મોંકાણ માંડી તેના મૂળમાં પાછા રાહુલ ગાંધી છે. રાહુલ ગાંધીએ હમણાં જ એક નિવેદન આપેલું કે, લોકસભાની ચૂંટણીમાં જીતીને કૉંગ્રેસ સરકાર સત્તામાં આવશે તો કોની પાસે કેટલી સંપત્તિ છે તેનો સર્વે કરવામાં આવશે અને બધી માહિતી મેળવવામાં આવશે.
સેમ પિત્રોડાને રાહુલના નિવેદન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે અમેરિકાના વારસાઈ ટૅક્સનો ઉલ્લેખ કરીને જ્ઞાન પિરસ્યું કે, અમેરિકામાં વારસાઈ ટૅક્સ લાગે છે અને તેના કારણે સરકારને ફાયદો છે. આ કાયદા પ્રમાણે, કોઈ વ્યક્તિ પાસે ૧૦ કરોડ ડૉલરની સંપત્તિ હોય તો તેમના મૃત્યુ પછી ૪૫ ટકા મિલકત તેમના બાળકોને ટ્રાન્સફર કરવામાં આવે છે જ્યારે ૫૫ ટકા મિલકત સરકારની માલિકીની બની જાય છે.
પિત્રોડાએ એડિશનલ જ્ઞાન પિરસતાં કહ્યું કે, આ ખૂબ જ રસપ્રદ કાયદો છે. તમારા જીવનમાં ઘણી સંપત્તિ એકઠી કરી લીધી પણ મૃત્યુ પછી તમારે તમારી સંપત્તિ દેશનાં લોકો માટે છોડી દેવી જોઈએ એ આ કાયદાનો ઉદ્દેશ છે. જે સંપત્તિ દેશ માટે લેવાય છે એ પણ પૂરેપૂરી નહીં પણ અડધી હોય છે. આ કાયદો મને યોગ્ય લાગે છે પણ ભારતમાં એવો કોઈ કાયદો નથી. ભારતમાં કોઈની પાસે ૧૦ અબજ રૂપિયાની સંપત્તિ હોય તો તેના મૃત્યુ પછી તેનાં બાળકોને તેની બધી મિલકત મળી જાય છે અને જનતા માટે કંઈ જ બચતું નથી. મને લાગે છે કે લોકોએ આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ. મને ખબર નથી કે આ ચર્ચાનું પરિણામ શું આવશે. અમે એવી નવી નીતિઓ અને નવા કાર્યક્રમો વિશે વાત કરી રહ્યા છીએ કે જે માત્ર અમીરોના હિતમાં નહીં પણ સામાન્ય લોકોના હિતમાં પણ હોવાં જોઈએ.
ભાજપ રાહુલની સંપત્તિના સર્વેની વાત તો કરતો જ હતો પણ પછી પિત્રોડાની વાત પણ પકડી લીધી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દાને ચગાવીને કહ્યું કે, કૉંગ્રેસે માતા-પિતા પાસેથી મળેલી વારસાગત સંપત્તિ પર પણ ટૅક્સ લગાવશે એવું કહ્યું છે. તમે તમારી મહેનતથી જે સંપત્તિ ભેગી કરો છો તે તમારા બાળકોને નહીં મળે પણ કૉંગ્રેસના પંજા છીનવી લેશે.
મોદીના કહેવા પ્રમાણે તો, કૉંગ્રેસનો મંત્ર તમારી સંપત્તિ છિનવીને લૂંટવાનો છે. કૉંગ્રેસનો મંત્ર છે, જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી. જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી કૉંગ્રેસ તમને ભારે ટૅક્સ લાદીને મારશે ને મર્યા પછી તમારી સંપત્તિ લૂંટીને તમારાં સંતાનોને મારશે. આખી કૉંગ્રેસ પાર્ટીને પૈતૃક સંપત્તિ માનનારા અને પોતાના સંતાનોને કૉંગ્રેસ વારસામાં આપનારા નથી ઈચ્છતા કે સામાન્ય ભારતીયો તેમનાં બાળકોને પોતે એકઠી કરેલી સંપત્તિ પણ આપે. મોદીએ આ લોકોની લૂંટેલી સંપત્તિ ઘૂસણખોરોને આપી દેવાશે, કૉંગ્રેસ તમારાં મંગળસૂત્ર પણ છિનવી લેશે ને એવી બીજી પણ વાતો કરી છે કે જે વડા પ્રધાનના હોદ્દા પર બેસેલી વ્યક્તિને શોભે એવી નથી પણ તેનું કારણ કૉંગ્રેસે પૂરું પાડ્યું છે.
કૉંગ્રેસ પિત્રોડાનો બચાવ કરી રહી છે પણ એ બધું રાંડ્યા પછીનું ડહાપણ છે. કૉંગ્રેસ લોકશાહીની દુહાઈ આપી રહી છે. જયરામ રમેશે કહ્યું કે લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાના અંગત વિચારોની ચર્ચા કરવાની અને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે પણ તેનો અર્થ એ નથી કે પિત્રોડાના વિચારો હંમેશા કૉંગ્રેસના વિચારો સાથે મેળ ખાતા હોય. આ વાત જ વાહિયાત છે. પિત્રોડાને અંગત અભિપ્રાય વ્યક્ત કરવા હોય તો ઘરે બેસીને કરે, કૉંગ્રેસના મંચ પરથી શું કરવા કરે છે?
આ ઘટના પછી કૉંગ્રેસે એક વાત સમજવાની જરૂર છે કે, કૉંગ્રેસે ફરી બેઠા થવું હોય તો પોતાના નેતાઓ માટે શું બોલવું ને શું ના બોલવું તેનો એક કોર્સ રાખવો જોઈએ કેમ કે કૉંગ્રેસની મોટાભાગની સમસ્યાઓના મૂળમાં કૉંગ્રેસીઓનો બફાટ છે. અલબત્ત આ કોર્સ કૉંગ્રેસમાં રહેવાના હોય એવા નેતાઓને જ કરાવવો જોઈએ કે જેથી મહેનત માથે ના પડે.
રાહુલ ગાંધીથી માંડીને સેમ પિત્રોડા સુધીના નેતા લવરીને છૂટી મૂકીને જે જીભે ચડે એ ફેંકી દે છે એ ના ચાલે. ભાજપ તેનો જ ફાયદો ઉઠાવે છે. કૉંગ્રેસીઓનાં નિવેદનોને તોડીમરોડીને રજૂ કરીને ભાજપે કૉંગ્રેસની ઈમેજની વાટ લગાવી દીધી છે છતાં કૉંગ્રેસીઓની સાન ઠેકાણે આવતી નથી. કૉંગ્રેસીઓને ભાન જ નથી કે હજુ બીજો મોટો ખતરો તો ઊભો જ છે. અત્યારે ટેકનોલોજીના જમાનામાં એડિટિંગ કરીને કે ડીપફેકની મદદથી આ લવારાઓને ગમે તે રૂપે રજૂ કરી દેવાય તો શું થાય એ કૉંગ્રેસે વિચારવા જેવું છે.