આમચી મુંબઈમહારાષ્ટ્ર

પત્રા ચાલ કૌભાંડઃ મહારાષ્ટ્રમાં ઈડીની મોટી કાર્યવાહી

મુંબઈ: પત્રા ચાલ રિડેવલપમેન્ટ કેસમાં ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા મોટી કાર્યવાહી કરી અને આશરે રૂપિયા 73.62 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતોને ટાંચમાં લેવામાં આવી છે. આ મિલકતો આ કેસના મુખ્ય આરોપી પ્રવીણ રાઉત અને તેના સાથીદારોની હોવાનું જાણવા મળ્યું છે. પ્રવીણ રાઉત તે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સાંસદ સંજય રાઉતના નજીકના સાથી માનવામાં આવે છે.

ઇડી દ્વારા પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ),2002 આ કાયદા અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. એમ/એસ ગુરુ આશિષ ક્ન્સ્ટ્રક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ (જીએસીપીએલ) કંપની દ્વારા ગોરેગાંવમાં આવેલી પત્રા ચાલના રિડેવલપમેન્ટ એટલે કે પુનર્વિકાસમાં ગેરરીતિ આચરવા સંબંધિત આ કેસ છે.

મ્હાડા (મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ)ના એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે મુંબઈની આર્થિક ગુના શાખા (ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ-ઇઓડબલ્યુ)એ નોંધેલા ગુનાના આધારે ઇડીએ પોતાની તપાસ આ કેસમાં શરૂ કરી હતી. આઇપીસી(ભારતીય દંડ સંહિતા)ની કલમ 1860 અંર્તગત ઉક્ત કંપનીના સારંગ કુમાર વાધવાન, રાકેશ કુમાર વાધવાન અને અન્યો વિરુદ્ધ આ સૌપ્રથમ ઇઓડબલ્યુ દ્વારા એફઆઇઆર નોંધવામાં આવી હતી.


આ પણ વાંચો:
પત્રા ચાલ પ્રોજેકટમાં મ્હાડાના 4,711 ઘર, રૂ. 1700 કરોડનો ફાયદો

ઇડીએ કરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે 672 રહેવાસીના પુનર્વસનના આ પ્રોજેક્ટમાં મોટે પાયે આર્થિક ગેરરીતિ આચરવામાં આવી હતી. ઉક્ત ડેવલપર દ્વારા 672 રહેવાસીઓ માટે મકાન ઉપલબ્ધ કરાવ્યા અને મ્હાડા માટે ફ્લેટ તૈયાર કર્યા બાદ બાકીના એરિયામાં વેચાણ માટે ફ્લેટ તૈયાર કરવાના કરાર કરવામાં આવ્યા હતા.

જોકે જીએસીપીએલ દ્વારા મ્હાડાને ગેરમાર્ગે દોરીને 9 ડેવલપર્સને એફએસઆઇ (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) 901.79 કરોડ રૂપિયામાં વેંચીને ગેરરીતિ આચરવામાં આવી હોવાનું તપાસમાં જણાયું હતું, તેમાં પણ 672 રહેવાસી માટે ફ્લેટ ઉપરાંત મ્હાડાના માટે ફ્લેટ બાંધવાનો કરાર તો પૂરો કરવામાં આવ્યો હતો જ નહીં.

આ કેસમાં પહેલા પણ ઇડીએ સંજય રાઉત, પ્રવીણ રાઉત તેમ જ ડેવલપરોની મિલકતો ટાંચમાં લીધેલી છે. જોકે ઇડી ઊંડાણપૂર્વક તપાસ કરી રહી હોવાના કારણે હવે આ કેસના આરોપીઓ સામે ગાળિયો વધુને વધુ કસાતો જતો હોવાનું અને તેમની મુશ્કેલી વધી રહી હોવાનું જણાઇ રહ્યું છે.

આ કેસમાં ઇડી દ્વારા આ પૂર્વે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદ સંજય રાઉત અને તેના ખૂબ જ નજીકના મનાતા પ્રવીણ રાઉતની 115 કરોડ રૂપિયાની મિલકત પણ ટાંચમાં લીધી હતી. ગોવા ખાતેની સારંગ વાધવાન અને રાકેશ વાધવાનની 31.50 કરોડ રૂપિયાની મિલકતો પણ ઇડી દ્વારા આ પહેલા ટાંચમાં લેવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button