લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં હવામાન પાડશે વિક્ષેપ !
નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં તાપમાનમાં થઈ રહેલા સતત વધારાને પગલે આગામી દિવસોમાં આકરી ગરમી જોવા મળી શકે છે. તેની સ્પષ્ટ અસર લોકસભાની ચૂંટણીમાં પણ જોવા મળી રહી છે. તાપમાનમા થઈ રહેલા વધારાના પગલે ભારતીય હવામાન વિભાગ (IMD)એ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના ઘણા ભાગોમાં શુક્રવારે હીટ વેવની અસર જોવા મળશે.
લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આગામી 26 એપ્રિલે છે. 19 એપ્રિલે થયેલા પ્રથમ તબક્કાનું મતદાનમાં મતદાનની ટકાવારી ઓછી રહી હતી. ગરમીના કારણે મતદારો મતદાન મથક સુધી ગયા ન હતા. શુક્રવારે બીજા તબક્કામાં 13 રાજ્યોની 89 લોકસભા સીટો પર મતદાન થવાનું છે. ત્યારે હવામાન વિભાગે આ દિવસે બપોરે ઘણા રાજ્યોમાં હીટવેવ એલર્ટ જાહેર કર્યું.
બીજા તબક્કામાં 6 રાજ્યોની 58 લોકસભા સીટો પર મતદાન દરમિયાન વધારે ગરમીની સંભાવના છે. જેમાં યુપીની 8, બિહારની 5, પશ્ચિમ બંગાળની 3, મહારાષ્ટ્રની 8, કર્ણાટકની 14, મધ્યપ્રદેશની 7, રાજસ્થાનની 13, છત્તીસગઢની 3 અને આસામની 5 સીટો અને કેરળની તમામ 20 લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં તાપમાન ગરમ રહેશે તેવી હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે.
આ દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમીની અસર દેખાઈ રહી છે. ઘણી જગ્યાએ હવામાન બગડ્યું છે તો કેટલીક જગ્યાએ લોકો તોફાન અને વરસાદનો સામનો કરી રહ્યા છે. ખરાબ થઈ રહેલા હવામાનની અસર લોકસભાની ચૂંટણીમાં પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. મતદાન પ્રક્રિયા હોય કે ચૂંટણી સભાઓ, લોકો ગરમીથી બચતા જોવા મળે છે. શુક્રવારે બીજા તબક્કાનું મતદાન છે અને આ દિવસોમા IMD એ હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે બિહાર અને બંગાળમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બિહારના ભાગલપુર, બાંકા, પૂર્ણિયા, કિશનગંજ કટિહાર અને બંગાળની દાર્જિલિંગ, રાયગંજ, બાલુઘાટ લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ દિવસે મતદાન દરમિયાન જોરદાર ગરમ પવન ફૂંકાવાની શક્યતા છે. આ સિવાય ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં યલો એલર્ટ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને આસામમાં બપોરનું તાપમાન 40 થી 43 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ દિવસે વાવાઝોડાની સાથે જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે.