નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

વિરાસત ટેક્સઃ સામ પિત્રોડાની વ્હારે આવી કૉંગ્રેસ, પિત્રોડાએ પણ કરી ટ્વીટ

નવી દિલ્હીઃ સામ પિત્રોડાએ આપેલા એક ઈન્ટરવ્યુ બાદ તેમના ગણા નિવેદનો મામલે ભાજપ ટીકા કરી રહ્યું છે. સામ પિત્રોડાએ વિરાસત ટેક્સની વાત કરી છે ત્યારે ભાજપ તેની પણ ટીકા કરી રહ્યુંછે, પણ કૉંગ્રેસ પોતાના ઓવરસીઝ પ્રેસિડેન્ટની વ્હારે આવી છે.

વારસાગત ટેક્સ અંગે સામ પિત્રોડાના નિવેદન બાદ કોંગ્રેસ નેતા જયરામ રમેશે સ્પષ્ટતા આપી છે. જયરામ રમેશે કહ્યું કે સામ પિત્રોડા વિશ્વભરના ઘણા લોકોના માર્ગદર્શક, મિત્ર રહ્યા છે. આમાં મારો પણ સમાવેશ થાય છે. તેમણે દેશના વિકાસમાં ઘણું મહત્વનું યોગદાન આપ્યું છે. તેઓ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ છે. તે ખુલ્લેઆમ મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે.

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાના વારસાગત ટેક્સ અંગેના નિવેદને નવી ચર્ચા જગાવી છે. તેમણે કહ્યું હતું કે અમેરિકામાં વારસાગત ટેક્સ છે જે ખૂબ જ રસપ્રદ કાયદો છે. ભારતમાં એવો કોઈ કાયદો નથી. પરંતુ મને લાગે છે કે આની ચર્ચા થવી જોઈએ. આ નિવેદન બાદ ભાજપે ટીકાબાણ ચલાવ્યા છે, પરંતુ કોંગ્રેસ ખુલ્લેઆમ પિત્રોડાના બચાવમાં આવી છે.

સામ પિત્રોડાના નિવેદન પર ભાજપના હોબાળા પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આપણા દેશમાં બંધારણ છે. અમારો એવો કોઈ ઈરાદો નથી. ભાજપ આ માત્ર મત માટે કરી રહી છે.

જયરામ રમેશે કહ્યું કે લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાના અંગત વિચારોની ચર્ચા કરવાની અને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે. પરંતુ આનો અર્થ એ નથી કે પિત્રોડાના વિચારો હંમેશા કોંગ્રેસના વિચારો સાથે મેળ ખાય છે. ઘણી વખત આવું થતું નથી. વડાપ્રધાન મોદીના ચૂંટણી પ્રચાર પરથી ધ્યાન હટાવવા માટે પિત્રોડાના નિવેદનને જાણી જોઈને ખોટા સંદર્ભમાં રજૂ કરવામાં આવી રહ્યા છે.

ભાજપે એવો દાવો પણ કર્યો છે કે આ કાયદો આટલો સારો હોય તો કૉંગ્રેસે પોતાના શાસન દરમિયાન શા માટે લાગુ પાડયો નથી. દરમિયાન પિત્રોડાએ પણ ટ્વીટ કરી જણાવ્યું હતું કે તેમણે એક મત વ્યક્ત કર્યો હતો, પરંતુ તેમના નિવેદન મામલે ખોટો વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button