ઈરાન સાથે વેપાર સોદો કરવા બદલ પાકિસ્તાન પર પ્રતિબંધો લાગી શકે છે, અમેરિકાની ચેતવણી

વોશિંગ્ટન: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી(President of Iran Ebrahim Raisi) હાલ પાકિસ્તાનના પ્રવાસે છે. પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ(Shehbaz Sharif) અને રાયસીની આગેવાનીમાં વિવિધ ક્ષેત્રમાં સહયોગ અંગે ચર્ચા થઇ હતી. આ બેઠકો પર અમેરિકા નજીકથી નજર રાખી રહ્યું છે. એવામાં યુ.એસ. સરકાર પાકિસ્તાન પર પ્રતિબંધોના લગાવી શકે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ચેતવણી આપી કે પાકિસ્તાન ઈરાન સાથેના વેપાર સોદાને આગળ વધારશે પ્રતિબંધ લગાવવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્તાએ પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામના સપ્લાયર્સ પર પ્રતિબંધ લાદવાના સંકેત પણ આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, “અમે આ નેટવર્ક અને તેના શસ્ત્રોની ખરીદીની પ્રવૃત્તિઓને માર્યાદિત કરવા અને તેમની સામે કાર્યવાહી ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. અત્યારે અમે એટલુ જ કહેશું કે ઈરાન સાથેના વેપાર સોદા કરતા પહેલા કોઈ પણ વ્યક્તિએ પ્રતિબંધોના સંભવિત જોખમોથી વાકેફ રહેવું જોઈએ.”
અહેવાલ મુજબ, પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ અને ઈરાનના રાષ્ટ્રપતિ રાયસી વચ્ચે રાજકીય, આર્થિક, વેપાર અને સાંસ્કૃતિક સંબંધોને આગળ વધારવાના સહિયારા પ્રયાસો અંગે ચર્ચા થઈ હતી. ઈરાન અને પાકિસ્તાને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ માટે આઠ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કરારમાં વેટરનરી અને એનિમલ હેલ્થમાં સહકાર, નાગરિક બાબતોમાં ન્યાયિક સહાય અને સુરક્ષા બાબતોનો સમાવેશ થાય છે.