ભારતે મોસ્ટ વોન્ટેડ જાહેર કરેલો આ આતંકવાદી PoKમાં દેખાયો, સુરક્ષા એજન્સીઓ સતર્ક
નવી દિલ્હી: ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓને અંજામ આપવા માટે સક્રિય આતંકવાદીઓને પાકિસ્તાન સતત છાવરી રહ્યું છે. એવામાં આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો વડો સૈયદ સલાઉદ્દીન(Syed Salahuddin) ફરી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK)ના મુઝફ્ફરાબાદમાં જોવા મળ્યો છે, તેને ગ્લોબલ ટેરરિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે.
તે 20 એપ્રિલ 2024 ના રોજ મુઝફ્ફરાબાદમાં એક મેળાવડામાં હાજરી આપવા પહોંચ્યો હતો. જેને કારણે ભારતની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઈ છે.
અગાઉ પણ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સૈયદ સલાઉદ્દીન પાકિસ્તાનમાં જોવા મળ્યો હતો. સૈયદ સલાઉદ્દીન ગયા વર્ષે ફેબ્રુઆરીમાં હિઝબુલ આતંકવાદી બશીર અહેમદ પીરના જનાજામાં જોવા મળ્યો હતો, તે સમયે પાકિસ્તાન સરકારે તેને સુરક્ષા પણ આપી હતી.
સૈયદ સલાઉદ્દીન યુનાઈટેડ જેહાદ કાઉન્સિલનો ચીફ છે. યુનાઈટેડ જેહાદ કાઉન્સિલ પાકિસ્તાનની જાસુસી એજન્સી ISI સમર્થિત જેહાદી આતંકવાદી જૂથોમાંથી એક છે. આ આતંકી સંગઠનનો ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવી દેવાનો છે. સલાઉદ્દીન ભારતની નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી(NIA)ની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ છે અને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ તેને ગ્લોબલ ટેરરિસ્ટની યાદીમાં સામેલ કર્યો છે.
સૈયદ સલાઉદ્દીન 1990 પહેલા કાશ્મીરમાં યુસુફ શાહ તરીકે ઓળખાતો હતો અને તેમણે 1987માં તેણે મુસ્લિમ યુનાઈટેડ ફ્રન્ટની ટિકિટ પર જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી. 1990 બાદ યુસુફ શાહ સૈયદ સલાઉદ્દીન બન્યો. સરહદ પાર કરીને તે PoKના મુઝફ્ફરાબાદ પહોંચ્યો અને પછી હિઝબુલ મુજાહિદ્દીન નામનું સંગઠન બનાવીને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ કરવા લાગ્યો.
સૈયદ સલાઉદ્દીન ભારતમાં અનેક આતંકવાદી હુમલાઓમાં સંડોવાયેલો છે, પઠાણકોટ એરબેઝ પર હુમલા પાછળ તેમના સંગઠન યુનાઈટેડ જેહાદ કાઉન્સિલનો હાથ હતો. જૈશ-એ-મોહમ્મદ પણ સૈયદ સલાઉદ્દીનના સંગઠનનો એક ભાગ છે. કાશ્મીરમાં થતી હિંસા પાછળ પણ આ સંગઠનનો હાથ રહ્યો છે.