નેશનલ

તાઈવાનમાં ફરી ભૂકંપ

એક જ રાતમાં ૮૦ આંચકાથી ધરતી ધણધણી ઊઠી

ભૂકંપ: તાઈવાનમાં મંગળવારે ધરતીકંપનાં શ્રેણીબદ્ધ આંચકા આવ્યા બાદ હૂઆલિન રોડના સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. ધરતીકંપ બાદ બે બહુમાળી ઈમારતોને નુકસાન થયું હતું. જોકે અગાઉ આ મહિને આવેલા ૭.૪ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછાં ૧૩ જણનાં મોત થયાં હોવા ઉપરાંત ૧૦૦૦ કરતાં પણ વધુ લોકો ઘાયલ થયા હતા. (એજન્સી)

તાઈપેઈ: સોમવારે મોડી રાત્રે ભૂકંપના શ્રેણીબદ્ધ આંચકાને કારણે તાઇવાનની ધરતી ધણધણી ઊઠી હતી, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (ગઈજ) અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૧ આંકવામાં આવી હતી. ગઈ કાલે રાતે ભૂકંપના ૮૦ આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે જાનહાનિના કોઈ અહેવાલ નથી. ૨૦ દિવસ પહેલા પણ તાઈવાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
મીડિયા અહેવાલો અનુસાર, તાઇવાનના પૂર્વ કિનારે સોમવારની રાતથી મંગળવારની વહેલી સવાર સુધી ૮૦ થી વધુ ભૂકંપ આવ્યા હતા, જેમાંથી સૌથી વધુ તીવ્રતાનો આંચકો ૬.૩નો હતો. ભૂકંપના કારણે કેટલીક ઈમારતોને નુકસાન પહોંચ્યું હતું.
અહેવાલો મુજબ રાત્રે આવેલા ભૂકંપનું કેન્દ્ર હુઆલીનના ગ્રામીણ વિસ્તાર ઈસ્ટર્ન કાઉન્ટિમાં હતું. ગઈ કાલે સાંજે પણ પૂર્વી તાઈવાનમાં હુઆલીન કાઉન્ટિના શોફેંગ ટાઉનશિપમાં નવ મિનિટની અંદર પાંચ ભૂકંપ અનુભવાયા હતા.
અહીં ત્રણ એપ્રિલે પણ ૭.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ બાદથી તાઈવાનમાં ભૂકંપના સેંકડો આંચકા આવી ચૂક્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button