IPL 2024આપણું ગુજરાતસ્પોર્ટસ

પંતની કૅપ્ટન્સી પર ખાસ નજર, ગિલ ઍન્ડ કંપની માટે પણ જીતવું અત્યંત જરૂરી

નવી દિલ્હી: દિલ્હી કૅપિટલ્સ બુધવારે (સાંજે 7.30 વાગ્યાથી) બીજી નબળી ટીમ ગુજરાત ટાઇટન્સ સામે રમવા મેદાન પર ઊતરશે ત્યારે બન્ને ટીમના કૅપ્ટન (રિષભ પંત અને શુભમન ગિલ)ના પર્ફોર્મન્સ ઉપરાંત તેમની કૅપ્ટન્સીની પણ કસોટી થશે. પંતની ટીમ સતત બે મૅચ જીતીને જોરદાર કમબૅક બાદ શનિવારે હોમ-ગ્રાઉન્ડ પર સનરાઇઝર્સ હૈદરાબાદ જેવી જાયન્ટ ટીમ સામે રમવા ઊતરી હતી અને એમાં પંતની ટીમનો 67 રનથી પરાજય થતાં એ ટીમને આંચકો તો લાગ્યો જ છે, ખાસ કરીને પંતની કૅપ્ટન્સી ચર્ચામાં આવી ગઈ છે.

આ પણ વાંચો:
વર્લ્ડ કપની મૅચો હાઈ-સ્કોરિંગ નહીં થાય, એવું ડેવિડ મિલર શા માટે કહે છે?

પહેલા તો પંતે ટૉસ જીતીને ભેજને લગતી સ્થિતિનું ખોટું અવલોકન કરીને ફીલ્ડિંગ લેવાની ભૂલ કરી હતી. બીજી રીતે કહીએ તો આ સીઝનમાં ટીમ-સ્કોરના બે નવા રેકાર્ડ બનાવી ચૂકેલી હૈદરાબાદની ટીમને બૅટિંગ માટે આમંત્રણ આપવાની તેણે ભૂલ કરી અને હૈદરાબાદના બૅટર્સે પહેલા બૉલથી હિટિંગ શરૂ કરી દીધું હતું. પૅટ કમિન્સની ટીમે સાત વિકેટે 266 રન બનાવ્યા હતા અને બાવીસ રન માટે પોતાનો જ (287 રનનો) રેકૉર્ડ તૂટતા રહી ગયો હતો.

પંતે એ મૅચમાં બીજી જ ઓવર લલિત યાદવને આપી હતી અને હૈદરાબાદે ધમાકેદાર શરૂઆત કરી હતી. હૈદરાબાદે પાવરપ્લેની છ ઓવરમાં વિના વિકેટે 125 રનનો વિક્રમ નોંધાવ્યો હતો.


આ પણ વાંચો:
આઇપીએલમાં કઈ ચાર ટીમ પ્લે-ઑફ માટે સૌથી વધુ દાવેદાર? કોણે કેટલી મૅચ જીતવી પડે?

17મી એપ્રિલે અમદાવાદમાં દિલ્હીએ ગુજરાતને 67 બૉલ બાકી રાખીને છ વિકેટે હરાવ્યું હોવાથી બુધવારે દિલ્હીના મેદાન પર ગુજરાતની ટીમ દિલ્હી સામે જીતીને હિસાબ ચૂકતે કરવા માગશે.

ફિરોજશા કોટલા (નવું નામ અરુણ જેટલી સ્ટેડિયમ) ગ્રાઉન્ડ પર બાઉન્ડરી લાઇન થોડી ટૂંકી છે અને એના પર ગુજરાતના બૅટર્સ પણ મોટો સ્કોર ન કરી જાય એનું દિલ્હી ખાસ ધ્યાન રાખશે. જોકે ટીમનો બેસ્ટ બોલર કુલદીપ યાદવ અને ખલીલ અહમદ આ સીઝનમાં કુલ 10-10 વિકેટ લઈ ચૂક્યા છે. ઍન્રિક નોર્કિયા ફૉર્મમાં નથી, પરંતુ તે શુભમન ગિલને છમાંથી ત્રણ મુલાકાતમાં આઉટ કરી ચૂક્યો છે એટલે હવે ગિલે તેની સામે ખાસ સંભાળવું પડશે.


આ પણ વાંચો:
ઇનિંગ્સમાં કોઈ એક બોલરને ચારને બદલે પાંચ ઓવર અપાશે?: આઇપીએલની માર્કેટમાં જોરદાર ચર્ચા છે

આઠમા સ્થાને ધકેલાઈ જનારી દિલ્હીની ટીમના સુકાની પંત માટે અંગત રીતે પણ આ સીઝન ખાસ કંઈ ફાયદારૂપ નથી, કારણકે તેણે રન બનાવવા ખૂબ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તે ત્રણ વખત લેગ-સ્પિન બોલિંગ સામે વિકેટ ગુમાવી બેઠો છે.
હૈદરાબાદ સામે પંતની નજર 267 રનના તોતિંગ લક્ષ્યાંક પર હતી અને માનસિક દબાણની એ સ્થિતિમાં તે 35 બૉલમાં 44 રન બનાવી શક્યો હતો.

દિલ્હીને બન્ને ઓપનર્સ પૃથ્વી શો અને ડેવિડ વૉર્નરની નિષ્ફળતા પણ નડી રહી છે.
ગુજરાતને કૅપ્ટન શુભમન ગિલની વધુ એક લાંબી ઇનિંગ્સની ખાસ જરૂર છે. સાંઇ સુદર્શન, ઓમરઝાઈ અને ડેવિડ મિલરના બૅટ પણ બોલશે તો જ ગુજરાતની ટીમને જીતવાની આશા જાગશે. બોલિંગમાં મોહિત શર્મા, નૂર અહમદ અને રાશીદ ખાન પાસે પણ ગુજરાતનું ફ્રૅન્ચાઇઝી ઘણી અપેક્ષા રાખીને બેઠું હશે.

બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-ઇલેવન

ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (કૅપ્ટન), વૃદ્ધિમાન સાહા (વિકેટકીપર), બી. સાંઇ સુદર્શન, અઝમતુલ્લા ઓમરઝાઈ, ડેવિડ મિલર, એમ. શાહરુખ ખાન, રાહુલ તેવટિયા, રાશીદ ખાન, સાંઇ કિશોર, ઉમેશ યાદવ અને નૂર અહમદ. 12મો પ્લેયર: મોહિત શર્મા

દિલ્હી કૅપિટલ્સ: રિષભ પંત (કૅપ્ટન, વિકેટકીપર), ડેવિડ વૉર્નર, પૃથ્વી શો, જેક ફ્રેઝર-મૅકગર્ક, ટ્રિસ્ટેન સ્ટબ્સ, અભિષેક પોરેલ, અક્ષર પટેલ, સુમીત કુમાર, કુલદીપ યાદવ, ઍન્રિક નોર્કિયા અને મુકેશ કુમાર. 12મો પ્લેયર: ખલીલ અહમદ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button