ઈન્ટરવલ

સ્વાર્થ હોય તો જ મલકે આવા લોકોથી દૂર રહેવાનો માર્ગ

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

જાપાનના જાણીતા વાર્તાકાર રયોનોસુકે અકુતાગાવા કે અકુતામાવાએ માનવજાતને સમજાવતી ‘ધ સ્પાઇડર્સ થ્રેડ’ નામની મસ્તમજાની વાર્તા લખી છે.

ભગવાન બુદ્ધ સ્વર્ગમાં સરોવરના કિનારા પર ફરી રહ્યા હતા. સ્વર્ગના સરોવરનું પાણી અત્યંત સ્વચ્છ અને પારદર્શી હતું. સરોવરના કિનારા પરથી બુદ્ધ પાણીના સૌંદર્યને માણી રહ્યા હતા ત્યારે એમની નજર સરોવરના તળિયે આવેલા અંધકારમય નર્ક પર પડી.

એ નર્કમાં કરેલાં ખરાબ કર્મની સજા ભોગવતા લોકોની હાલત અત્યંત દયાજનક હતી. ભગવાન બુદ્ધની નજર એક ડાકુ પર પડી, જેણે એના જીવનકાળ દરમિયાન અસંખ્ય લોકોને પરેશાન કર્યા હતા. અસંખ્ય લોકોના માલમત્તા લૂંટી હતી. કોઈ વ્યક્તિ ધન આપવાની ના પાડે તો એનાં ઘર પણ સળગાવ્યા હતાં.

ભગવાન બુદ્ધને આ ડાકુની એક ઘટના યાદ આવી. આ ડાકુએ એક કરોળિયાને પગ નીચે કચડવાનું નક્કી કર્યું, પણ અચાનક એના મનમાં કરુણા જાગી. કરોળિયાને જીવતો છોડી દીધો હતો. આ ઘટનાને લીધે બુદ્ધને લાગ્યું કે ડાકુને નર્કના ત્રાસમાંથી મુક્તિ મળવી જોઈએ. ભગવાન બુદ્ધની નજરમાં સરોવરનાં કમળો આસપાસ કરોળિયો જાળાં બનાવતો હતો એ જાળાંનો ધાગો બનાવીને નર્કમાં રહેલા ડાકુ સુધી મોકલીને ઉપર સ્વર્ગમાં બોલાવી લેવો જોઈએ. બુદ્ધે ધાગો બનાવીને ડાકુની નજર પડે એ રીતે લટકાવ્યો. ડાકુ એ પકડીને ધાગો ઉપર તરફ ચડવા લાગ્યો. સ્વર્ગ દૂરને દૂર લાગતું હતું, એક તબક્કે ડાકુ થાકી ગયો. થોડી વાર આરામ કરવાનો વિચાર કરીને ડાકુ રોકાયો. એણે જોયું કે સ્વર્ગ નજીક છે. અચાનક એની નજર નીચે પડી તો નર્કનું અંધારું હતું, પણ અસંખ્ય લોકો ધાગો પકડીને સ્વર્ગ તરફ આવી રહ્યા હતા. ડાકુને લાગ્યું કે આટલા બધા લોકોનું વજન આ ધાગો વેઠી શક્શે નહીં ને ગમે ત્યારે તૂટી જશે. ધાગો તૂટી જાય તો તેને સ્વર્ગમાં જવાની તક ગુમાવવી પડે એટલે એણે લોકોને બૂમ પાડીને ધમકાવ્યા : કોઇએ ઉપર આવવાની કોશિશ કરવી નહીં. જે ક્ષણે ડાકુએ બીજાઓને પોતાના માર્ગ થકી સ્વર્ગમાં આવતા રોકવાનો પ્રયત્ન કર્યો એ જ ક્ષણે જેની તૂટવાની શક્યતા હતી નહીં એ ધાગો એના હાથ પાસેથી તૂટી ગયો. એક મોકો બધાને સ્વર્ગમાં જવાનો મળે તેમ હતો એ ડાકુની એકલા જવાની જીદ થકી ગુમાવવી પડી. ભગવાન બુદ્ધે આ દ્રશ્ય જોયું. એમના ચહેરા પર ગ્લાનિ છવાઈ ગઇ.

આ જપાની લઘુકથામાં કહેવામાં આવ્યું છે કે પોતાની સાથે અન્ય પ્રગતિ કરે એ મહદઅંશે માણસ પચાવી શક્તો નથી. નાનું – મોટું સ્વાર્થી જગત તો બધે જ છે. સ્વાર્થ આપણામાં પણ વસેલો છે. સ્વાર્થી માણસની સૌથી મોટી ઓળખ હોય તો એ છે કે આત્મગાથા સિવાય એને કોઈ રસ હોતો નથી. તમે તમારા જીવનની કોઈ ફરિયાદ કરો તો એ સાંભળવાને બદલે પોતાની ગાથા શરૂ કરી દેશે. સવાલ એ છે કે વધારે પડતા સ્વાર્થી લાગતા લોકો સાથે કેવી રીતે વર્તવું જોઈએ, જેથી આપણી લાગણીઓને ઇજા ન પહોંચે.

જ્યારે આપણા સુખ-દુ:ખ વચ્ચે સ્વાર્થી વ્યક્તિ એની જ ખરી-ખોટી ગાથાઓ કરે ત્યારે સૌથી સરળ રસ્તો એ છે કે એવા વ્યક્તિથી દૂર થઈ જવું. મનમાં એક ગાંઠ બાંધી દેવી કે એના વગર પણ દુનિયા છે. જગતમાં અસંખ્ય લોકો મળી આવશે જે તમારી ભાવનાઓને સન્માન આપશે. કદાચ આપણા સુખ-દુ:ખ અન્ય સમક્ષ ચર્ચવા ન ગમે તો અસંખ્ય અવનવા વિષયોમાં દિલચસ્પી લો જ્યાં તમને નવા લોકો સાથે મળવાનો મોકો મળશે. સ્વાર્થની દુનિયામાં એકબીજાને મહાત કરવાનો સમય વેડફવા કરતાં પ્રકૃતિથી માંડી વાયા મનોરંજન થઈ સેવાકાર્ય સુધી વિશાળ દુનિયા છે, જ્યાં તમને ધાગો પકડીને ચડતા કોઈ રોકવાનું નથી.

સ્વાર્થની દુનિયામાંથી બહાર નીકળવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તમને જે સ્વાર્થી લાગે છે એમની મદદ લેવાનું બંધ કરો. જે વ્યક્તિ કે એના વિચારો થકી તમારી ઊર્જાનો વ્યય થતો હોય તો એ વ્યક્તિનું તમારા જીવનમાં કશું કામ નથી.

લેખક – દિગ્દર્શક સુમિત અરોડાએ કુણાલ કપૂર અને ક્રિતિકા કામરા સાથે સત્તર મિનિટની ‘વ્હાઇટ શર્ટ’ નામની શોર્ટ ફિલ્મ બનાવી હતી. બંને પ્રેમી કોઈ વાતે વિવાદ થતાં અલગ પડી જાય છે, પણ કુણાલ કપૂરનો વ્હાઇટ શર્ટ ક્રિતિકા પાસે રહી જાય છે જે એને સંબંધ યાદ રાખવા મજબૂર કરે છે. સ્વાર્થના સંબંધ પર પૂર્ણવિરામ મૂકીને નવી જિંદગી જીવવા ક્રિતિકા એક દિવસ વ્હાઇટ શર્ટ કુણાલ કપૂરને પકડાવી દે છે..

આ એકમાત્ર માર્ગ છે કે તમને સ્વાર્થી લાગતા લોકોની યાદ ભૂલી જાવ. શક્ય એટલી યાદોને ખતમ કરશો તો જ મન શાંત થશે. આપણે એવું માનતા હોઇએ કે આપણું સારું વર્તન સામી વ્યક્તિના સ્વાર્થીપણાને સુધારી શક્શે તો નિષ્ફળ જવાની સંભાવના ઘણી વધારે છે. સ્વાર્થી વ્યક્તિને એ ખબર હોતી જ નથી કે એની વર્તણૂક સામી વ્યક્તિને દુ:ખ આપી રહી છે. એ તો એવું જ માને છે કે એ એની મસ્તીમાં વ્યસ્ત છે. એ એવું વિચારે છે કોઈ સુખી થાય કે દુ:ખી થાય એ એની સમસ્યા છે અને એના માટે મારો આનંદ ગુમાવવો જરૂરી નથી. હકીકત અલગ હોય છે, સ્વાર્થી વ્યક્તિ પોતાના આનંદ માટે જીવે એ સામે કોઈ સમસ્યા નથી, પણ એ હોશિયારી સાથે ઇરાદાપૂર્વક તમને હર્ટ કરે -દુ:ખ પહોંચાડતી જાય છે. નોકરીથી માંડી સાવ અંગત કહી શકાય એવા લગ્નજીવન સુધી માણસ પોતે સુખી થવા કરતાં દેખાડાના સુખથી બીજાને દુ:ખી કરવામાં વિકૃત આનંદ મેળવતો હોય છે, જે સ્વાર્થનું સૌથી વરવું સ્વરૂપ છે.

તમારા ઓર્ગેનાઇઝેશન-સંસ્થા કે કંપનીમાં કશું નવું કરવાનો પ્રયાસ કરો તો તમને સ્વાર્થી દુનિયા જોવા મળશે. એ તમને કહેશે કે આ બધું વર્ષો પહેલા કરી ચૂક્યા છીએ. સ્વાર્થની દુનિયાની સૌથી મોટી નબળાઈ એક જ છે કે સામાનું મોરલ તોડી નાખો. સ્વાર્થી માનસિકતાનું લક્ષણ છે કે એને પોતાની પ્રગતિ કરવા કરતાં બીજાની પ્રગતિ રોકવામાં વધારે રસ હોય છે. આ તબક્કે એ વ્યક્તિને હકારાત્મક રીતે સમજાવવાની કોશિશ ક્યારેય સફળ થતી નથી એટલે વ્હાઇટ શર્ટની જેમ પડતા મુકવા એ એક માત્ર સોલ્યુશન છે-ઉપાય છે.. સ્વાર્થ માણસને સારા-નરસાનું ભાન કરવા દેતો નથી. જે માણસને પોતાની આત્મશ્ર્લાઘા સિવાય કોઈ વાતમાં રસ જ ના હોય એ વ્યક્તિને સમજાવવાનો કોઈ અર્થ નથી.

આપણાં બાળકો વિદેશ ભણવા કે જોબ માટે જાય છે ત્યારે એમને એક કોમન સવાલ પૂછવામાં આવે છે કે ‘ત્યાં કઇ ક્વોલિટી સૌથી વધારે પસંદ પડી?’ ત્યારે કોમન જવાબ એ જ હોય છે કે ‘તમારા કામની કદર અહીં કોઈ પણ રાજનીતિ કે પૂર્વગ્રહ વિના થાય છે’

આપણને જ્યારે પણ અહેસાસ થાય કે સ્વાર્થી વ્યક્તિઓની દુનિયામાં ફસાયા છીએ ત્યારે મનમાં કેટલીક બાબતોને ક્લિયર કરી દો. એક તો તમારા અધિકાર મળવાના નથી કે તમારા વિચારોનું મૂલ્ય નથી. બીજું કે એ વ્યક્તિઓને એમના સ્વાર્થ સિવાય કશામાં રસ નથી. આત્મશ્ર્લાઘા ધરાવતી સ્વાર્થી વ્યક્તિઓની ક્વોલિટી જાણવા છતાં જો તમે દુ:ખી થાવ તો એ તમારી મૂર્ખામી છે. ક્યાંકથી સારી શરૂઆત કરવી તો તમારી આસપાસ શ્રેષ્ઠ વાતાવરણ ઊભું કરશો તો અસંખ્ય લોકો આપની પાસે આપોઆપ આવશે : ચાલો, આપણે જ એક નવી શરૂઆત કરીએ અને સહુને તક અને સન્માન મળે એવી દુનિયાનું સર્જન કરીએ.

ધ એન્ડ :
માનવતાની મહાનતા માણસ થવામાં નથી, પણ માનવીય ગુણોને જાગ્રત કરવામાં છે. (મહાત્મા ગાંધી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button