ઈન્ટરવલ

વમન

ટૂંકી વાર્તા -ડૉ. હિતા મહેતા

‘ઓકે. કટ.’ શોટ ઓકે થઈ ગયો. સ્પોટબોય દોડતો દોડતો હીરો રોશનકુમાર માટે નેપકીન લાવ્યો. પરસેવો લૂછતો લૂછતો પિકચરનો હીરો રોશનલાલ તેની વેનિટી વેન તરફ ગયો.
‘સાલ્લો…’ જમીન પર થૂંકતાં શેરૂ બોલ્યો, ‘મહેનત હું કરું છું અને પરસેવો એને થાય છે.’ તેની નજરમાં નફરત હતી અને અવાજમાં આક્રોશ.

‘અલ્યા તું ગરમ જલદી થઈ જાય છે.’ દોસ્ત ફારૂખ બોલ્યો, ‘યાર, જરાક તો વિચાર કર, એ સુપરસ્ટાર અને આપણો તો વિલનનાય ચમચાઓ કે જેને ભાગે માર જ ખાવાનો આવે. એટલો ફેર તો પડવાનો ને? આ ફિલ્મી દુનિયા છે.’

‘એ જ તો ખીજ ચડે છે’ સાઈડમાં બેઠેલા જુનિયર આર્ટિસ્ટનાં ગ્રૂપ તરફ જતાં જતાં તે બોલ્યો.

ત્યાં જ વેનીટી વેનમાંથી બુમ સંભળાઈ,
‘હેઈ… યુ’ શેરૂ તરફ આંગળી ચીંધતા રોશનકુમાર બોલ્યો, ‘સુજિતને કહે મારા અને મેડમ માટે કોલ્ડ્રિંક્સ મોકલે.’
‘તારા બાપનો નોકર છું?’ બબડયો શેરૂ.

‘ચાલ શેરૂ, આપણે બંને જઈએ બસ, મોટા માણસો સાથે પંગા ન લેવાય.’ હાથ પકડીને શેરૂને ખેંચતા ફારૂખ બોલ્યો.

ફારૂખ અને શેરૂ છેલ્લાં દસ વર્ષથી સાથે જ કામ કરતા કરતા સારા મિત્રો બની ગયા હતા. વળી બંનેનું રહેવાનું પણ નજીક – નજીક હતું તેથી શુટિંગમાં આવવા જવાનું પણ સાથે જ રહેતું.
નિર્માતા સુજિતકુમારને મેસેજ આપી બંને પાછા ફર્યા.

‘તું આટલો ઉખડેલ – ઉખડેલ જ હંમેશાં કેમ રહે છે શેરૂ?’ ફારૂખ બોલ્યો.

‘યાર, કાયમ આ મગતરા જેવા હીરોના હાથનો માર ખાવાનો?’ વાતો કરતા ફરી તેમના ગ્રૂપ પાસે જઈ બંને બેઠા.

‘આવા તો ચાર હીરોને ક્યાંય ઉલાળી દઈ તેની ચટણી બનાવી નાખવાની તાકાત છે મારામાં, છતાં આપણે તેના હાથનો માર ખાવાનો. આવા ચોકલેટી હીરોનાં કાંડા તો હિરોઈન કરતા પણ નાજુક હોય છે. કીડી મકોડાની જેમ મસળાઈ જાય. પાછા શેખી તો એવી કરે કે જાણે પોતે દારાસિંગ હોય અને આપણે મગતરા, દવાઓ ખાઈ ખાઈ બાવડા બનાવવાથી કઈ હી-મેન નથી થઈ જવાતું. ખાલી હવા ભરેલા ફુગ્ગા જ.’

શેરૂની હાથની મુઠ્ઠીઓ વળી ગઈ. આંખમાં લાલ લકીર દેખાવા લાગી. બીજી બાજુ બેઠેલા સુલ્તાને શેરૂનો ખભો દાબ્યો.

‘યાર નસીબ. નસીબ, નહીં તો તું પણ ક્યા ઓછો હેન્ડસમ છે. અમારું તો સમજ્યા કે મોઢાના ઠેકાણા નથી, પરંતુ તું તો થોડો મેકઅપ થાય તો પેલા રોશન જેવો જ હેન્ડસમ લાગે. છતાં તું અહીં અને એ ત્યાં. નસીબ નહીં તો બીજું શું?
શેરૂ ચુપચાપ જમીન ખોતરતો હતો. વાત પણ સાચી હતી. પાંચ દસ હાઈટ અને પહેલવાની સ્નાયુબદ્ધ શરીર, સિક્સપેક્સ બાવડા અને નમણો નાક નકશો.

સમજણો ત્યારથી તેના બાપુને બધા કહેતા તે સાંભળતો કે, ‘દેવજીબાપુ, તમારો શેરૂ તો દેવનાં ચક્કર જેવો લાગે છે, ટીલુ લગાડો, નહીં તો નજરાઈ જશે.’
બા-બાપુ પોરસાતાં. રજપૂતનો દીકરો એટલે રાજપૂતી ખુમાર તો તેનાં લોહીમાં હતું.

યુવાનીના પ્રથમ પગથિયે તો તે ઓર નીખર્યો. મિત્રો સાથે ફિલ્મો જોતા જોતા તેને હીરો થવાનો ચસ્કો લાગ્યો. અખાડે જવા લાગ્યો. ગામડા ગામમાં ‘હેલ્થ ક્લબ’ તો હતી નહીં. અખાડો તેના માટે હેલ્થ કલ્બ. શરીરને સ્નાયુબદ્ધ બનાવ્યું. એકવાર જોનારની જલ્દીથી નજર ન હટે એટલો ફુટડો યુવાન તે લાગતો. ભણવામાં ખાસ મન નહીં, બસ એક જ ધૂન, પિકચરમાં કામ કરવું છે, હીરો થવું છે. સ્કૂલમાં અને ત્યારબાદ મિત્રમંડળ વચ્ચે કોઈ હીરોની આબેહૂબ એકટિંગ કરી બતાવે ત્યારે બધા મોંમાં આંગળા નાખી જાય. આ તેની એકટિંગ સ્કૂલ.

જોકે દેવજીબાપુને આ બધું ગમતું નહીં. તેણે ઘણી વાર દીકરાને સમજાવવા કોશિશ કરી.

‘દીકરા, આપણે રહ્યા રાજપૂત, નાટક-ચેટક આપણું કામ નહીં. રાજપૂત ધીંગણે જાય. દીકરા આ બધું બહુ થયું, હવે છોડ.’
દીકરો અડગ હતો.

બાપ લાચાર હતો. તેનાં હાથ હેઠ પડયા.

તેર ગામની રિયાસતના ભાવિ ધણીએ અંતે મુંબઈની વાટ પકડી. દસ વર્ષ થઈ ગયા આ વાતને. ખમતીધર બાપનો દીકરો હતો તેથી મુંબઈમાં પોતાનો વન બેડનો એક ફલેટ હતો. ગામથી નિયમિત પૈસા આવતા હતા તથા નિયમિત સૂચના પણ આવતી હતી કે થાકે ત્યારે ઘર ભેગો થઈ જજે.

શેરૂ સ્ટ્રગલ કર્યા કરતો હતો. ક્યાંક નાના મોટા રોલ મળી જતા હતા, પરંતુ ક્યાંય સરખો પાટો બાજતો નહોતો. એકવાર થોડા વધુ પૈસાની ઓફર થતા મુખ્ય વિલનનાં સાગરિતનો રોલ મળતા તેણે તે સ્વીકાર્યો અને ત્યારથી નિર્માતાઓની નજરમાં તે આ પાત્ર માટે કાયમ માટે ફીટ થઈ ગયો. આમ જ આ દસકામાં શેરૂએ લગ્ન પણ કર્યા, બાપે નક્કી કરેલ છોકરી સાથે, એક દીકરી પણ થઈ અને દીકરી પાંચ વર્ષની થઈ પણ ગઈ.

જિંદગીનાં દસ વર્ષ, હા પૂરેપૂરા દસ વર્ષ કોઈનો ઊંચો અવાજ ન સાંભળવા ટેવાયેલ રાજપૂત શેરસિંહ રાણા શેરૂદાદા થઈને રહી ગયો. જો કે આ કામમમાં પૈસા સારા એવા મળતા જેમાંથી ગુજારો તો થતો, પરંતુ સાથે – સાથે ઉકળાટ પણ વધતો જતો હતો.

એક નાના વિલન તરીકે એ એક જુનિયર આર્ટિસ્ટ તરીકે શૂટિંગમાં થતી અવહેલના તેની રાજપૂતાઈને દઝાડતી, જેની દાઝ ઘરમાં પણ નીકળતી. પત્ની મીના સમજુ હતી. પતિના સ્વભાવને સંભાળી લેતી.

શિફ્ટ પૂરી થતા બધા છૂટા પડયા. તે અને ફારૂખ ઘરે જવા નીકળ્યા. છૂટા પડતા ફારૂખે યાદ દેવડાવ્યું કે કાલે પેમેન્ટનો દિવસ છે. હિસાબની ડાયરી લાવવાનું ના ભૂલીશ.
‘મારી ડાયરી ક્યાં છે?’ તેની કમાન છટકી. આમ પણ તે કદી શાંતિથી તો ઘરમાં વાતો કરતો જ નહીં. શેરૂ ઘરમાં આવે એટલે બંને ડરેલા જ રહેતાં અને ક્યાંય તેની અડફેટે ન આવી જવાય તેની કોશિશ કરતા.

‘મને ખબર નથી, મે નથી જોઈ.’ મીનાએ ડરતા ડરતા કહ્યું.

‘ખબર નથી તો ઘરમાં કરે છે શું?’ કરડાકીથી બોલી ધડામ કરતો કબાટ બંધ કર્યો.

‘અનારકલી ડિસ્કો ચલી…’ મોબાઈલનો રીંગટો હતો એ. શેરૂએ મોબાઈલ ઉપાડી, નંબર જોયો. નિર્માતા સુજિતકુમારનો હતો.

‘યસ સર’ બને એટલા સંયત સ્વરે શેરૂ બોલ્યો.

‘શેરૂ’ સામેથી સુજિતકુમારનો સ્વર સંભળાયો. જો ધ્યાનથી સાંભળ, આપણા પિકચરના મુખ્ય વિલન મદન જહાંગીરને ફ્રેકચર થયું છે જેને સરખું થતા બે ત્રણ મહિના લાગશે તેથી અમે તેને પડતો મૂકેલ છે. તેની જગ્યાએ સહુની સંમતિથી તારી પસંદગી થઈ છે. બધા જુનિયર આર્ટિસ્ટ અને સાઈડ વિલનનો વિચાર કરતા અમને તું યોગ્ય લાગ્યો છે. તેથી કાલથી મદનનો રોલ તારે કરવાનો છે, બોલ કરીશને?’

શેરૂની આંખમાં આનંદનો ચમકારો થયો, એક ક્ષણ અને બુઝાઈ ગયો.

‘ઓકે સર, હું કરીશ.’ તે સ્વસ્થ સ્વરે બોલ્યો.

‘ગુડ, તો આવતી કાલે દસ વાગ્યે શુટિંગ છે. તું નવ વાગ્યે આવી તારો રોલ સમજી લે અને સાંભળ, સારી તક સામેથી આવી છે. સમયસર આવી જજે.’ ફોન કટ થઈ ગયો.

ત્યાં ફારૂખનો ફોન, પછી ઈલ્યાસ, સુલ્તાન.

બધા મુબારકબાદી આપતા હતા. અંતે આટલો મોટો બ્રેક મળવા બાબત ઈર્ષ્યા મિશ્રિત આનંદ વ્યક્ત કરતા હતા.

‘તેરી તો નીકલ પડી યાર, હવે જો જે મોટા રોલ મળે એટલે આ દોસ્તને ભૂલતો નહીં.’ લોકલ ટ્રેનમાં બેઠા બેઠા ઉત્સાહથી ફારૂખ આવી તો કઈ કેટલીયો વાતો કરતો હતો. શેરૂ શાંતિથી બેઠો હતો. અંતે ફારૂખે તેને હડબડાવ્યો.

‘તું સાંભળે છે કે નહીં? ક્યા ખોવાઈ ગયો?’

શેરૂએ નિશ્ર્વાસ નાખ્યો.

‘શું ફર્ક પડે છે યાર, અંતે તો આ માયકાંગલાનાં હાથે માર જ ખાવાનો ને.’

‘અરે યાર, માર ખાવાનાં પણ અઢળક પૈસા અને પ્રસિદ્ધિથી મળતા હોય તો શું ખોટું છે? અને સાચો માર થોડો ખાવનો છે? માર ખાવાનું ફક્ત નાટક જ કરવાનું છે ને?’ ફારૂખ વધુ ને વધુ ઉત્સાહમાં હતો.

‘એ બધું એક જ.’ શેરૂ બબડયો.

શેરૂ સુજિતકુમાર સામે ઊભો હતો. સુજિતકુમાર તેને સિચ્યુએશ સમજાવતા હતા. જોકે દસ વર્ષથી શેરૂ આ જ માહોલમાં હોઈ તેને સમજતા વાર નહોતી લાગતી.

‘જો શેરૂ, કલાઈમેક્સમાં તે હિરોઈનનું કાંડુ પકડેલ હશે જે તે છોડાવવા કોશિશ કરતી હશે, પરંતુ તારો છોડવાનું નથી. પછી હીરો આવશે, તને મારવાની કોશિશ કરશે, પહેલાં તો તારે તેના મોં, છાતી, પછી પેટમાં મુક્કા મારવાની એકટિંગ કરવાની છે, ત્યારબાદ તેનો ડુપ્લિકેટ મોટી ડાઈવ મારી ઉછળી, બે પગ તારા પેટમાં મારશે અને તારો હાથ છૂટી જશે અને તું બેવડ વળી પડી જઈશ, બરાબર?’
‘હં’ શેરૂએ હકાર કર્યો.

‘બસ, બાકીનું પછી સમજાવીશ. શોટનાં બહુ રીટેક ન થવા જોઈએ. જોજે નહીંતો રોશનકુમાર અને સુનીતા મેડમ નારાજ થઈ જશે તો કદાચ તારો ચાન્સ જાય’ સુજિતકુમારે તેને ચેતવ્યો.
‘ઓ કે સર.’

તે શોટનું મનોમન રિહર્સલ કરવા લાગ્યો.

શોટ રેડી હતો. સાઈડ એકટર્સ તથા જુનિયર આર્ટિસ્ટ આવી ગયા હતા, પરંતુ હીરો-હિરોઈનનો પત્તો નહોતો. શેરૂનાં મેકઅપનું કામ ચાલુ હતું. દસના અગ્યાર, બાર એક. જો કે આ કાયમનું હતું.
એક વાગ્યો રોશનકુમારની મર્સિડીસમાં પધરામણી થઈ. સાથે સુનીતા મેડમ પણ હતાં સાવ ટૂંકા કપડામાં. સુનીતાની લીસી જાંઘો સાથે ઘસાઈને રોશનકુમાર ચાલતા હતા. તેનો એક હાથ સુનીતાની કમરે હતો. બંને કોઈ વાત ઉપર ખડખડાટ હસતા હસતા આવી રહ્યાં હતાં. બધા ચમચાગીરી કરવા દોડયા.

‘આપણે અડધો કલાક મોડા પડીએ તો ગાળો સાંભળવાની અને આ લાટસાહેબ ત્રણ કલાક મોડા આવે તો પણ ખુશામદ…’ અણગમાથી શેરૂએ મોં ફેરવી લીધું.

‘એઈ, હટ,’ શેરૂ પાસેથી પસાર થતા સુનીતા છણકો કરી બોલી. રોશનકુમારે તુચ્છકારભરી નજરથી તેને સામે જોઈ હોઠ ફફડાવ્યા. શેરૂ સમજી ગયો કે તેનાં મોંમાંથી ગાળ નીકળી હતી.
આગ લાગી ગઈ શેરૂને. તેનું રાજપૂતી લોહી બળવો પોકારવા માંડયું. આંખમાં લાલાશ ફરી વળી અને હાથની મુઠ્ઠીઓ વળી ગઈ. તે કઈ કરે તે પહેલા જ ‘પોઝિશન.’
બધાએ પોતાની પોઝીશન લીધી. ચારે બાજુથી કેમેરા એંગલમાં ગોઠવાયા. શુટિંગ શરૂ થયું.

શેરૂનાં હાથમાં હિરોઈનનું કાંડુ હતું. તે છટપટતી હતી, પરંતુ શેરૂનું ધ્યાન રોશનકુમાર તરફ જ હતું. તેની ભ્રૂકુટી તણાઈ ગઈ હતી અને ભયંકર આક્રોશથી તેનાં કપાળે પરસેવો ચમકતો હતો. દાંતની ભીંસને કારણે જડબું તંગ હતું તથા ડારી નાખતી આંખોથી એક ક્ષણ તો રોશનકુમાર પણ ડરી ગયો. બધા તેની સરસ ‘એકટિંગ’ને જોઈ રહ્યા.

ત્યાં જ… એક હાથમાં હિરોઈનનું કાંડુ અને બીજા હાથની મુઠ્ઠીથી, નજર આવતા રોશનકુમારને મોં પર એક જોરથી મુક્કો પડયો. રોશનકુમાર લથડયો, કોઈ કંઈ સમજે તે પહેલા એક, બે, ત્રણ, પુરા જોશ અને ઝનૂનથી બાવડેબાજ શેરૂનાં લાગેલા ત્રણ મુક્કા…’

અને રોશનકુમારનાં નાક તથા મોમાંથી લોહી નીકળવા લાગ્યું, સ્તબ્ધ થઈ ગયેલ સમગ્ર યુનિટ કઈ સમજે તે પહેલા રોશનકુમાર બેભાન થઈ ઢળી પડયો.
‘એમ્બ્યુલન્સ’ સુજિતકુમારે ચીસ પાડી.

એકાએક પૂરા યુનિટમાં ચહલપહલ મચી ગઈ.
‘તને કોણે આટલો આબેહૂબ અભિનય કરવાનું કહ્યું હતું?’ બરાડતા સુજિતકુમાર દોડયા. ‘પેકઅપ’ તેણે બૂમ પાડી.

તાત્કાલિક ફર્સ્ટ એઈડ, પછી એમ્બ્યુલન્સ, હૉસ્પિટલ, બધે દોડાદોડી હતી. ‘શોટ એકદમ ચોટદાર રહ્યો’ ક્યાંકથી અવાજ સંભળાતો હતો. દસ મિનિટમાં મીડિયા પણ આવી ગયું. આખરે રોશનકુમાર જાનીમાની હસ્તી હતી.

શેરૂ સિગરેટ પીતો સાઈડમાં ઊભો હતો. તે તદ્દન શાંત હતો. પોતાની જાતને સાવ હળવોફૂલ અનુભવતો હતો.

તેણે મોબાઈલ ઉઠાવ્યો. એક નંબર લગાવ્યો.

‘હલ્લો મીના, તૈયાર રહેજે. સાંજે હું આવું પછી આપણે ત્રણે હોટલમાં જમવા જઈશું, અને સાંભળ બાપુને મોબાઈલ કરી દે જે કે અમે કાલે અહીંથી નીકળીએ છીએ. બસ, બહુ થયા નાટક-ચેટક…’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button