ઈન્ટરવલ

ડ્રેગનનો ડેન્જરસ વિસ્તારવાદ એમાં પાડોશીઓ પરેશાન પારાવાર

પ્રાસંગિક – અમૂલ દવે

અવારનવાર પાડોશીના પ્રદેશ પોતાના છે એવાં કાલ્પ્નિક નકશા બનાવીને આ ખંધું ચીન તબક્કાવાર એના પર પોતાનો કબજો જમાવાની પેરવીમાં હોય છે
ચીન જેમ તેની પાંખો વિસ્તારે છે તેમ આખા વિશ્ર્વ પર ખતરો મંડરાયો છે. ચીનના મનસૂબા અને મુરાદ ખરાબ છે.

ભારત સહિત ૧૩ દેશો સાથે તેનો સીમા- વિવાદ ચાલે છે. તમે તમારા પડોશીને પસંદ કરી શકતા નથી. આ તેર દેશોની કમનસીબી છે કે તેમને બીજાની જમીન હ઼ડપવાની સતત પેરવી કરનાર ચીન પાડોશી તરીકે મળ્યું છે. પહેલા તિબેટ હડપ કરી દેનાર ચીને ૧૯૬૨માં ભારત સાથે ઓચિંતું યુદ્ધ કરીને ભારતને પરાજિત કયું હતું. એટલું જ નહીં, ભારતના અક્સાઈ ચીન પર કબજો જમાવી દીધો હતો. ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂ અને ભારત માટે આ એવી નામોશી છે જે કદી ભુલી ન શકાય. આ ચીન દર વર્ષે નવા નકશા બહાર પાડીને તેના પાડોશીને સતત તણાવ હેઠળ રાખે છે. દરેક વખતે નકશામાં ચીન બીજા દેશના પ્રદેશને પોતાના નકશામાં સામેલ કરીને એના પર તેનો દાવો ઠોકી દે છે. અરુણાચલ પ્રદેશને ચીન પોતાનો પ્રદેશ ગણાવે છે. ચીનની શહેરી બાબતોના મંત્રાલયે અરુણાચલ પ્રદેશના નદી, નગરો, ગામો, પર્વતો વગેરેના ચીની નામો બહાર પાડ્યાં હતાં. ચીન આ રીતે તબક્કાવાર તેના અરુણાચલ પરના દાવાને સશક્ત બનાવે છે. ચીને તેના સ્ટાન્ડર્ડ મેપમાં સાઉથ ચાઈના સીને પણ તેનો ભાગ બતાવ્યો છે. આને લીધે ભારત, મલેશિયા અને ફિલિપાઈન્સ જેવા દેશોએ વિરોધ નોંધાવ્યો છે.

બીજી તરફ,રશિયા અને યુક્રેન વચ્ચેના તેમ જ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના અને હવે ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકાના સંસાધનો, નાણાં અને હથિયારો વપરાઈ રહ્યાં છે. અમેરિકાએ તાજેતરમાં જ યુક્રેન અને ઈઝરાયલ તથા તાઈવાનને મદદનું પેકેજ સંસદમાં મંજૂર કર્યું છે. ચીન અમેરિકા નબળું પડે તો તાઈવાન પર હુમલો કરીને તેને પોતાની સાથે ભેળવી દેવાની તૈયારી કરીને બેઠું છે. ચીન ઉત્તર કોરિયા અને ઈરાનને અમેરિકા વિરુદ્ધ ઉશ્કેરી રહ્યું છે. આને લીધે વિશ્ર્વશાંતિ જોખમાઇ શકે.

ડ્રેગને સ્પેસ મિલિટરી મારફત અવકાશમાં સૈન્ય તૈનાત કર્યા પછી સાયબર યુદ્ધ યુનિટની રચના કરીને અમેરિકા સહિત દુનિયાના દેશોની ચિંતા વધારી દીધી છે.

હાલમાં જ જાપાને તેના વાષિર્ક ડિપ્લોમેટિક બ્લુબુકમાં
દાવો કર્યો છે કે હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનની સૈન્ય પ્રવૃત્તિઓ સૌથી મોટો પડકાર છે. આ બુકમાં દક્ષિણ ચીન સમુદ્રમાં યથાસ્થિતિ બદલવાના ચીનના પ્રયાસોની ટીકા કરવામાં આવી હતી.

વિયેતનામ, ફિલિપાઈન્સ, જાપાન, નેપાળ, ભૂતાન, ભારત, ઈન્ડોનેશિયા, લાઓસ, મ્યાનમાર, સિંગાપોર, બ્રુનેઈ, મોંગોલિયા અને કઝાકસ્તાન સાથે ચીન સરહદી વિવાદ ધરાવે છે. હાલમાં તેનો ફિલિપાઈન્સ સાથેનો વિવાદ વકર્યો છે. ફિલિપાઇન્સ અમેરિકા સાથે સંધિ ધરાવતું હોવા છતાં આ દેશે ભારત સાથે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ મેળવવાનો ૩૭.૫ કરોડ ડૉલરનો કરાર કર્યો છે.
ફિલિપાઈન્સનો જડબાતોડ જવાબ
ચીન પર કાર્યવાહી કરવા માટે ફિલિપાઈન્સે મોટાં પગલાં લીધાં છે. ફિલિપિનો સરકારે અમેરિકાને ચાર એરબેઝ આપ્યા છે, જેનાથી ચીનનો સામનો કરવામાં સરળતા રહેશે. આ માટે અમેરિકન સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન મનીલા પહોંચ્યા હતા, જ્યાં સત્તાવાર રીતે ચાર લશ્કરી બેઝ અમેરિકાને સોંપવામાં આવ્યા હતા. આ મિલિટરી બેઝ પર કામ ૨૦૧૪થી ચાલી રહ્યું હતું, જ્યારે યુએસ-ફિલિપાઈન્સે પાંચ મિલિટરી બેઝ બનાવવાનું નક્કી કર્યું હતું. ડિફેન્સ કોર્પોરેશન એગ્રીમેન્ટ એટલે કે ઉન્નત સંરક્ષણ સહકાર કરાર હેઠળUSએ ફિલિપાઈન્સના વિવિધ ભાગોમાં સૈન્ય મથકો સ્થાપવાની યોજના બનાવી હતી. ડીસીએ ફિલિપાઈન્સ માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે, જેમાં સૈનિકોની તાલીમ, એક્સસાઈઝ અને બે સૈન્ય વચ્ચે સારો કોમ્યુનિકેશન સ્થાપિત કરવાનો સમાવેશ થાય છે. જો કે, આ સૈન્ય મથકના સ્થાન અંગે વધુ ખુલાસો કરવામાં આવ્યો નથી. આમાં US આર્મી કયા સૈન્ય મથક પર તૈનાત રહેશે તે પણ સ્પષ્ટ નથી.ડીસીએ હેઠળ, પ્રથમ પાંચ લશ્કરી બેઝ બાંધવામાં આવ્યા હતા, જેમાં સેસર બસા એર બેઝ, ફોર્ટ મેગ્સેસે મિલિટરી રિઝર્વેશન, લુમુમ્બા એર બેઝ, એન્ટોનિયો બોટીસ્ટા એર બેઝ, મેકટન બેનિટો અબુવેન એર બેઝનો સમાવેશ થાય છે.
હાલમાં જ યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના કેટલાક અધિકારીઓએ કહ્યું છે કે, અમેરિકા ચીનને ધ્યાનમાં રાખીને ફિલિપાઇન્સમાં એક સૈન્ય મથક પર કામ કરી રહ્યું છે. ખાસ કરીને ચીનને નિશાન બનાવવા માટે અમેરિકા ઈન્ડો-પેસિફિકના ઘણા દેશો સાથે મોટા સોદા કરી રહ્યું છે.
તાઈવાનને સુરક્ષાને અમેરિકા માટે સરળ
અમેરિકાએ તાજેતરમાં ભારત સાથે ઘણી આધુનિક ટેક્નોલોજી શેર કરી છે અને હવે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના જાપાની ટાપુ પર યુએસ મરીન યુનિટ તૈનાત કરવાની યોજના બનાવી છે. ફિલિપાઈન્સમાં નવું સૈન્ય મથક અમેરિકા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, ખાસ કરીને દક્ષિણ ચીન સાગરમાં, તે ચીનાઓના આક્રમણનો સામનો કરવામાં મદદ કરશે. આ સાથે અમેરિકા માટે તાઈવાનને પણ બચાવવું સરળ બનશે, જેના પર વિસ્તારવાદી ચીન પોતાનો દાવો કરે છે.

આ સિવાય ચીન દક્ષિણ ચીન સાગરના વિવાદિત વિસ્તારો પર પણ પોતાનો અધિકાર સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. જ્યારે અમેરિકા તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન માને છે અને ચીનને આવાં ઉશ્કેરણીજનક નિવેદનોથી દૂર રહેવાની સલાહ આપી રહ્યું છે. ૨૦૧૬માં સ્થાયી અદાલતે દક્ષિણ ચીન સાગર પર ચીનના દાવાને ફગાવી દીધો હતો. ચીનને કાબૂમાં રાખવા ભારત, ઑસ્ટ્રેલિયા, અમેરિકા, જાપાન વગરે દેશોએ સહકાર અને સહયોગ કરવો જોઈએ એને એક રણનીતિ બનાવવી જોઈએ.

બોક્સ-૧
ચીન – ફિલિપાઈન્સ વચ્ચે વિવાદનું મૂળ શું છે ?
ચીનના કોસ્ટ ગાર્ડનાં જહાજો ફિલિપાઈન્સની નૌકાઓને તેના એક ટાપુ પર સપ્લાય લઈ જતા રોકી રહ્યા છે. આ માટે ચીનનાં જહાજોએ વોટર કેનન વડે નૌકાઓ પર હુમલો પણ કર્યો છે. એવુ મનાઈ રહ્યું છે કે, બંને દેશ વચ્ચે શરૂ થયેલા ટકરાવનું કારણ બીજા વિશ્ર્વ યુદ્ધ સમયનું એક જહાજ છે, જે બે દાયક સુધી વિવાદિત દરિયાઈ વિસ્તારમાં ફસાયેલું રહ્યા બાદ કાટ ખાઈ ગયું છે. આ જહાજનું નામ ‘બીઆરપી સિએરા માદ્રે’ છે, જેને ફિલિપાઈન્સની નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. આ પહેલા તે અમેરિકાની સેનામાં ટેન્ક લેન્ડિંગ જહાજ તરીકે કામ કરી રહ્યું હતું. તેણે બીજા વિશ્ર્વ યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. એ પછી તેનું નામ બદલીને ‘યુએસએસ હોર્નેટ કાઉન્ટી’ કરવામાં આવ્યું હતું. વિયેતનામ યુદ્ધમાં પણ તેને અમેરિકાએ તૈનાત કર્યું હતું. જે હેલિકૉપ્ટર માટે બેઝ તરીકે કામ કરી રહ્યું હતું.

વિયેતનામ યુદ્ધ પૂરું થયા બાદ અમેરિકાએ આ જહાજ ફિલિપાઈન્સને આપી દીધું હતું. ફિલિપાઈન્સે તેનું નામ બદલીને ‘સિએરા માદ્રે’ કર્યું હતું. ફિલિપિની સેનાએ ૧૯૯૦ના દાયકાના અંતમાં સાઉથ ચાઈના સીમા ચીનના વ્યાપને રોકવા માટે જાણી જોઈને આ જહાજને સેકેન્ડ થોમલ શોલ નામના ટાપુ પર રોકી દીધું હતું. કારણકે ચીને આ પહેલા જ રીતે નિર્જન પડેલા ટાપુ મિસચીફ રીફ પર કબ્જો જમાવ્યો હતો. તેના પર ફિલિપાઈન્સ દાવો કરી રહ્યું હતું. ફિલિપાઈન્સે સિએરા માદ્રે જહાજ થકી જે ટાપુ પર કબ્જો જમાવ્યો છે તેના પર પણ ચીન પોતાનો દાવો કરી રહ્યું છે. આ ટાપુ પશ્ર્ચિમ ફિલિપાઈન્સના ટાપુ પાલાવાનથી લગભગ ૨૦૦ કિલોમીટર દૂશ અને ચીનના હૈનાન ટાપુથી ૧૦૦૦ કિલોમીટર દૂર છે. ચીન હજી પણ આ ટાપુ પર કબ્જો જમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે પણ ફિલિપાઈન્સ પણ લડી લેવાના મૂડમાં છે. બંને દેશોની સેના ઘણી વખત આ ટાપુ માટે આમને સામને આવી ચુકી છે.

ફિલિપાઈન્સ જ્યારે પણ આ ટાપુ પર જવાનો પ્રયાસ કરે છે ત્યારે ચીનનાં જહાજો તેનો રસ્તો રોકી લે છે. ચીને આ વિસ્તારમાં પેટ્રોલિંગ માટે સેંકડો જહાજો તૈનાત કર્યાં છે. આ ટાપુ પર ચીનનો કોઈ અધિકાર નથી તેવો ચુકાદો આંતરરાષ્ટ્રીય કોર્ટ આપી ચુકી છે પણ ચીન આવો ચુકાદો માનવા માટે તૈયાર નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button