નવી દિલ્હી: પતંજલિ આયુર્વેદ(Patanjali Ayurved)ની ભ્રામક જાહેરાતો અંગેના કેસની સુનાવણી દરમિયાન આજે સુપ્રીમ કોર્ટ(Supreme court)એ આજે કેન્દ્ર અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA)એ કરેલી કાર્યવાહી અંગે સવાલ ઉઠાવ્યા હતા. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે પૂછ્યું કે શા માટે સરકારે ડ્રગ્સ એન્ડ મેજિકલ રેમેડીઝ(DMR) એક્ટનો નિયમ 170 રદ કરવામાં આવ્યો? જે દવાઓની “જાદુઈ” ક્ષમતાઓની જાહેરાતો પર પ્રતિબંધ માટે હતો.
આયુર્વેદિક દવાઓ અને પ્રોડક્ટ્સનું વેચાણ કરતી પતંજલિ સહિતની કંપનીઓ દ્વારા કરવામાં આવેલા દાવાઓને ચકાસવા માટે 2018માં DMRમાં નિયમ 170 દાખલ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં, કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયે સ્પેશિયલ ટેક્નિકલ બોર્ડના ઇનપુટ્સના આધારે યુ-ટર્ન લીધો હતો અને આ નિયમ હટાવી દીધો હતો. વધુમાં, મંત્રાલયે આ નિયમ હેઠળ કાર્યવાહી ન કરવા માટે અધિકારીઓને સુચના આપી હતી.
DMR એક્ટના નિયમ 170 હેઠળ આયુર્વેદિક, સિદ્ધ અને યુનાની ઔષધી બનાવતી કંપનીઓને જાહેરાતો ચલાવતા પહેલા રાજ્યની લાયસન્સિંગ ઓથોરિટી પાસેથી મંજૂરી લેવાનું ફરજીયાત હતું. આજે સુપ્રીમ કોર્ટે રામદેવ અને પતંજલિના સહ-સ્થાપક આચાર્ય બાલકૃષ્ણને મોટી સાઈઝમાં માફીનામું છપાવવા આદેશ આપ્યો હતો. સાથે સાથે કોર્ટે કહ્યું કે “એવું લાગે છે કે પ્રસાશન આવક ગણવામાં વ્યસ્ત હતું.”
કોર્ટે કેન્દ્રને પૂછ્યું “આયુષ મંત્રાલયે તમામ રાજ્યોને નિયમ 170 અંગે એક પત્ર મોકલ્યો કર્યો હતો… તમે લખ્યું કે તમે નિયમ પાછો ખેંચવા માંગો છો? રાજ્ય કક્ષાના પ્રધાને સંસદમાં રજૂઆત કરી હતી કે તમે આવી જાહેરાતો સામે પગલાં લીધાં છે… અને હવે તમે કહો છો કે નિયમ 170 લાગુ નહીં થાય? શું જયારે કોઈ કાયદાઓ લાગુ હોય ત્યારે તમે કાર્યવાહી રોકી શકો છો? શું આ સત્તાનો દુરુપયોગ અને કાયદાનું ઉલ્લંઘન નથી?”
ન્યાયમૂર્તિ કોહલીએ અરજદાર ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને કહ્યું તમે (કેન્દ્રએ) તમારું સ્ટેન્ડ બદલ્યું છે. જાહેરાતો ચલાવવાનો નિયમ તમે બનાવ્યો હતો… અને હવે તમે કહો છો કે જાહેરાતોને ક્રોસ-ચેક કરવાની જરૂર નથી?… તમારે ગ્રાહક બાબતોનું મંત્રાલયને પણ અરજી કરવી જોઈતી હતી.”
જસ્ટિસ અમાનુલ્લાહે કહ્યું કે “કેન્દ્રએ અમને અન્ય FMCG અંગેના પગલાં વિશે પણ જણાવવું જોઈએ…” હોંગકોંગ અને સિંગાપોરના પ્રશાસને બે વૈશ્વિક સ્તરે લોકપ્રિય ભારતીય મસાલા બ્રાન્ડ્સ, એવરેસ્ટ અને MDHના ચાર ઉત્પાદનોમાં ઇથિલિન ઓક્સાઈડ હોવાનું જાહેર કર્યું હતું. આ કેમિકલ કેન્સરનું કારણ બની શકે છે. કેન્દ્રએ હવે આવા તમામ ઉત્પાદનોના પરીક્ષણનો આદેશ આપ્યો છે. વિશ્વની સૌથી મોટી કન્ઝ્યુમર ગુડ્સ ફર્મ નેસ્લેએ બેબી ફૂડ પ્રોડક્ટ્સમાં પણ વધુ પડતી સુગર હોવાના અહેવાલ હતા.
કોર્ટે કહ્યું કે “આવી જાહેરાતો અને આવા ઉત્પાદનોને સમર્થન આપનારા સભ્યો પર એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ASCI)એ શું કર્યું તે દર્શાવો. અમે બાળકો, શિશુઓ, મહિલાઓ વિષે ચિંતિત છીએ…”
કોર્ટે કડક શબ્દોમાં કહ્યું, “અમે કન્ઝ્યુમર અફેર મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયને પણ અમે પ્રશ્નો પૂછી રહ્યા છીએ. દેશભરના રાજ્ય લાયસન્સિંગ વિભાગોને પણ પક્ષકારો તરીકે ઉમેરવામાં આવશે અને તેઓએ પણ કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના રહેશે…” કોર્ટે IMAને પણ ઠપકો આપતા કહ્યું કે “તબીબો દ્વારા મોંઘી અને બિનજરૂરી દવાઓ સૂચવવાના કથિત અનૈતિક કૃત્યો અંગે તમારે ધ્યાન આપવાની જરૂર છે. પતંજલિ તરફ આંગળી ચીંધવામાં આવી છે, અન્ય ચાર આંગળી તમારી તરફ છે.”
કોર્ટે કહ્યું, “IMAમાં પદનો દુરુપયોગ મોંઘી દવાઓ લખવા માટે થાય છે તેની તપાસવાની જરૂર છે…” આ કેસમાં આગામી સુનાવણી આગામી સપ્તાહે થશે.