મહાભારત: જય-વિજય વચ્ચેનો ફર્ક સમજાવતો વ્યવહારિક વેદ
જીવીશ, બની શકે તો એકલા પુસ્તકોથી -કલાપી
કાજલ ઓઝા વૈદ્ય
કોઈએ એકવાર પૂછેલું :
‘તમારું પ્રિય પુસ્તક કયું?’
હું સાચે જ વિચારમાં પડી ગયેલી… મારી અંગત લાઈબ્રેરીમાં દસ હજારથી વધુ પુસ્તક છે. ગુજરાતી સાહિત્ય પરિષદના લાઈબ્રેરિયન બહેનને બોલાવીને મેં એ પુસ્તકોને કોડિંગ કરાવ્યાં છે. જેમ કોઈ પણ ઓર્ગેનાઈઝ્ડ-સુવ્યવસ્થિત લાઈબ્રેરીમાં મળે એવી જ રીતે મારે ત્યાં પુસ્તક એના ટાઈટલ પરથી, લેખકના નામ પરથી બંને રીતે શોધી શકાય એવું સોફ્ટવેર મેં મારા કોમ્પ્યુટરમાં ઈન્સ્ટોલ કરેલું છે. મારી લાઈબ્રેરીમાં ગુજરાતી રંગભૂમિનો ઈતિહાસ છે, રામાયણ-મહાભારત સહિત તમામ પુરાણ છે. ઉપનિષદો છે. ચાર વેદની સાથે કુરાન પણ છે. સાંઈ સચ્ચરિત્ર પણ છે અને લોલિતા પણ છે.
કામસૂત્ર પણ છે અને નરસિંહના ભજનો પણ છે…
હવે આમાં, પ્રિય પુસ્તક કોને કહેવું?!
મારા એક મિત્રએ આવીને આ લાઈબ્રેરી જોઈને મને પૂછેલું : ‘આ બધું તેં વાંચ્યું છે?’ ત્યારે સ્વયં પર આશ્ર્ચર્યચકિત થઈને મેં હા પાડેલી. પ્રવાસમાં મારી સાથે ખાખરા, થેપલાં, અથાણાં હોય કે ન હોય, પુસ્તક તો હોય જ! મારા દીકરા સહિત અને નવી ટેક્નોલોજી સાથે જોડાયેલા લોકો મને ‘ક્ધિડલ’ પર વાંચવાનો આગ્રહ કરે છે. ‘નાનકડા આઠ ઈંચ બાય ચાર ઈંચના રમકડા’માં બે હજાર પુસ્તકો સમાઈ જતા હશે, પણ એમાં શાહીની સુગંધ અને ખરબચડા કાગળનો સ્પર્શ નથી હોતો. બુક માર્ક મૂકવાની મજા અને પુસ્તકની સાથે રોમાંચ, કવર પેજ યાદ રાખવાની એક નવી જ કસરત… આ ‘બધું ક્ધિડલ’માં ક્યાં મળે?
આટલાં બધાં પુસ્તકો વાંચ્યા પછી પણ જો મારે કોઈ એક પુસ્તક ફરી ફરીને વાંચવાનું હોય અથવા મારી પાસે કશું જ વાંચવાનું ન હોય ત્યારે મારે કંઈક ‘વાંચવું’ જ હોય ત્યારે હું દરેક વખતે ‘મહાભારત’ તરફ વળું છું. સસ્તું સાહિત્યનું આઠ ભાગમાં વહેંચાયેલું ‘મહાભારત’ હોય કે ૨૦ ભાગમાં દિનકર જોશીએ કરેલા શ્ર્લોકાનુવાદથી શરૂ કરીને, હરિન્દ્ર દવેનું પુસ્તક ‘કૃષ્ણ અને માનવ સંબંધો’-નાનાભાઈ ભટ્ટના મહાભારતનાં પાત્રો- ક.મા. મુનશીનું ‘કૃષ્ણાવતાર’ અને પન્નાલાલ પટેલનું ‘પાર્થને કહો ચઢાવે બાણ’ જેવાં ગુજરાતી પુસ્તકોથી મારી શરૂઆત થઈ. એ પછી દેવદત્ત પટનાયક, આનંદ નિલકંઠન અને અમી ગણાત્રા સુધી સૌના જુદાં જુદાં અર્થઘટન સાથે જોડાયેલાં આ પુસ્તકો મને ખૂબ આકર્ષે છે. આનંદ નિલકંઠનના ‘અજેય’ અને ‘રાઈઝ ઓફ કલિ’માં દુર્યોધનના પોઈન્ટ ઓફ વ્યૂથી- દૃષ્ટિથી મહાભારત કહેવાયું છે તો શિવાજી સાવંતે એના ‘મૃત્યુંજય’માં કર્ણની કથા કહી છે. ‘પેલેસ ઓફ ઈલ્યુઝન’માં ચિત્રાદેવ બેનર્જી દેવકરુણી દ્રૌપદી અને ધૃષ્ટદ્યુમ્નના સંબંધો સાવ જુદી રીતે આપણી સામે મૂકી આપે છે. પોતાના ભાઈને ‘ધ્રુ’ કહીને બોલાવે છે જેમ આજની કોઈ યુવતી જિજ્ઞેશ કે જયેશને ‘જે’ કહીને બોલાવે તેમ!
ગુજરાતીના ખૂબ જ લોકપ્રિય અને સંવેદનશીલ કવિ વિનોદ જોશીની ‘સૈરંધ્રી’ પણ આવું જ એક દીર્ઘકાવ્ય છે. એમાં દ્રૌપદીના મનની વાતને એમણે સાવ જુદા જ પરિપ્રેક્ષ્યમાં આપણી સામે મૂકી છે. અને અંતે, ગુણવંત શાહનું ‘માનવ મનની નબળાઈનું મહાકાવ્ય-મહાભારત’ પણ બહુ રસપ્રદ રીતે મહાભારતને આપણી સામે ઉઘાડી આપે છે.
૨
‘મહાભારત’ ગમવાનાં કેટલાંક કારણ છે. આમ જોવા જાઓ તો આ એક એવું પુસ્તક છે જેમાં એક પુત્ર બ્રહ્મચર્યનું વ્રત લે છે, કારણ કે પિતા પોતાની પ્રેમિકા સાથે પરણી શકે, એની પણ પહેલાં એક પુત્ર પોતાના પિતાને ભોગવિલાસ માણવા માટે પોતાની યુવાનીની ભેટ આપે છે… એક સમયમાં જેની ગંગા જેવી પત્ની રહી છે એ એક માછીમારની દીકરી તરફ આકર્ષાય છે. ધનુર્વિદ્યાની હરીફાઈમાં પોતાની દીકરીને ઈનામ તરીકે મૂકનારો પિતા એને ‘સ્વયંવર’નું નામ આપે છે, પરંતુ પુત્રીને સ્વયં-વર પસંદ કરવાનો અધિકાર નથી મળતો. એક ગુરૂ-ઋષિ, અજાચક બ્રાહ્મણ એક રાજા ઉપર પ્રતિશોધ લે છે અને એ પણ પોતાના શિષ્યોને સાધન બનાવીને. ગુરૂ દક્ષિણા સ્વરૂપે દુશ્મનને હરાવવાની શર્ત મૂકે છે ને સામે પોતાના શિષ્યની અસુરક્ષાની ભાવનાને ઘટાડવા માટે એના જેવા જ શ્રેષ્ઠ ધનુર્ધરનો અંગૂઠો માગી લે છે. એક સ્ત્રી યુવાવસ્થામાં મળેલા વરદાનને પોતાના સંતાનને જન્મ આપવા માટે અક્ષમ પતિની સામે દેવોનું આહ્વાન કરીને પુત્રોને જન્મ આપે છે, પરંતુ બ્રહ્માના વરદાનને કારણે જેમ બુધ્ધ બ્રહ્માનો પુત્ર કહેવાયો તેમ આ પાંડુના પુત્રો ન હોવા છતાં પાંડુના પુત્રો કહેવાય છે. પતિ અંધ હોવાને કારણે પત્ની અંધત્વ સ્વીકારે છે અને અંધ માતા-પિતાના પુત્રો મોહ, લાલસા અને અહંકારમાં અંધ બની જાય છે… નવું નગર વસાવવા માટે જંગલ નષ્ટ કરવામાં આવે છે. એક આખી પ્રજાતિને નેસ્ત નાબૂદ કરી નાખવામાં આવે છે, પરંતુ એમાંથી બચી ગયેલા લોકો એમનાય પુત્રોના પુત્રો પર પ્રતિશોધ લેવા માટે એના મૃત્યુનું કારણ બને છે… કેટકેટલી કથાઓ અને કથાઓની પેટા કથાઓ!
અંતે, એક અલૌકિક અદભૂત, અવર્ણનીય, અવિસ્મરણિય અને સતત આશ્ર્ચર્યચકિત કર્યા કરે એવું પાત્ર-કૃષ્ણ! કુશળ રાજનીતિજ્ઞ છે-ખટપટિયા નથી. રસિક છે, લંપટ નથી. ધર્મને નામે યુદ્ધ કરવાનો ઉપદેશ આપે છે, પરંતુ સ્વયં હથિયાર ઉપાડતા નથી. પ્રત્યેક ક્ષણે પોતાના અસ્તિત્વની અનુભૂતિ કરાવે છે તેમ છતાં કથામાં ક્યાંય નથી.
મહાભારતની કથા શીખવે છે કે, અસ્તિત્વનું પ્રયોજન પુણ્ય સંચિત કરવાનું નથી, પરંતુ જ્ઞાનથી સ્વયંને ઉજ્જવળ કરવાનું છે. આપણે સ્વયંને સતત પૂછતા રહેવાનું છે. પ્રત્યેક કાર્ય વિશે સભાન અને સજાગ રહીને જો વ્યવહાર થઈ શકે તો કર્મો સંચિત થતા નથી. આપણે જે કંઈ પણ કરીએ છીએ એવું શા માટે કરીએ છીએ-એ પ્રશ્ર્નના ઉત્તરને આપણે જ્યારે હૃદયમાં પ્રસ્થાપિત કરીએ છીએ ત્યારે આપણે જન્મ અને મૃત્યુનાં ચક્રમાંથી મુક્ત થઈએ છીએ અને શાંતિ પ્રાપ્ત કરીએ છીએ.
મહાભારતનું મૂળ નામ ‘જય’ છે. વેદ વ્યાસે આપેલા નામનો અર્થ કાઢવા જઈએ તો આપણને સમજાય કે, એ ગ્રંથ યુદ્ધની કથા નથી, યુદ્ધાંતે વિષાદની કથા છે. આપણા તમામ યુધ્ધ આપણા ભય અને અસુરક્ષામાંથી જન્મે છે. જે નથી મળ્યું તે મેળવવાનો પ્રયાસ અને જે છે તે ટકાવાનો પ્રયાસ માનવ માત્રને યુદ્ધ કરવા પ્રેરે છે. યુદ્ધનો અંત જય અથવા પરાજય છે. કોઈ એક પક્ષનો વિજય અન્યનો પરાજય, કોઈ એકનો પરાજય અન્યનો વિજય છે! માટે નિશ્ર્ચિત જ છે કે બંને પક્ષ કદી જીતી નહીં શકે… એવી જ રીતે બંનેનો પરાજય પણ વ્યવહારિક રીતે શક્ય નથી, પરંતુ બંને પક્ષે જે ગૂમાવ્યું છે એમાં અંતે જીતનારનો પણ પરાજય જ છે એ સંદેશ આપણને મહાભારત આપે છે. આ વિશ્ર્વમાં બે પ્રકારની જીત છે. જય અને વિજય! ભૌતિક જીતને વિજય કહેવાય છે, જેમાં કોઈ પરાજિત પણ થાય છે, થવું જોઈએ તો જ ભૌતિક વિજય કહી શકાય, પરંતુ જય અધ્યાત્મિક જીત છે, જેમાં કોઈપણ પરાજિત થતું નથી, થવું જોઈએ નહીં. કુરુક્ષેત્રમાં ‘વિજય’ તો થયો, પણ ‘જય’ ન થયો.
મહાભારત મારા પ્રિય પુસ્તકોમાંનું એક નથી-પરંતુ મારું પ્રિય પુસ્તક છે. એનાં બે કારણ છે…. એક, એ પુસ્તક જીવનને સ્પર્શીને, જિંદગીને ઘસાઈને, સંબંધોને સ્પર્શીને લખાયું છે. આજથી પાંચ હજાર વર્ષ પહેલાં પણ લખાયું હોય તો ય, આજે પણ એટલું જ સત્ય અને પ્રસ્તુત છે. બીજું, એમાં કૃષ્ણ છે. એમાં ભગવદ્ ગીતા છે, જે ‘લેસન ઓફ લાઈફ’ છે. જન્મ લેવાનો ઉદ્દેશ્ય, જીવનનું ધ્યેય અને મૃત્યુનો સહજ સ્વીકાર આ ત્રણ વાત જે પુસ્તક આપણને શીખવે છે એનું નામ ભગવદ્ ગીતા છે અને એ મારા પ્રિય પુસ્તક ‘મહાભારત’નો અભિન્ન હિસ્સો છે.