ટીનમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીએ ₹ ૩૨ તૂટ્યા, અન્ય ધાતુમાં મિશ્ર વલણ
મુંબઈ: છેલ્લા ત્રણ સત્ર દરમિયાન ટીનમાં એકતરફી તેજી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧૭૧નો ઉછાળો આવ્યા બાદ આજે સપ્તાહના આરંભે વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૩૨નો ઘટાડો આવ્યો હતો. આ સિવાય લીડ ઈન્ગોટ્સ, ઝિન્ક સ્લેબ, કોપર વાયરબાર અને બ્રાસ શીટ કટિંગ્સમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને નિરસ માગે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ચારનો ઘટાડો આવ્યો હતો. જોકે, કોપરની અમુક વેરાઈટીઓ અને એલ્યુમિનિયમમાં સ્ટોકિસ્ટોની લેવાલી અને સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. બેથી ૧૫ વધી આવ્યા હતા, જ્યારે કોપર કેબલ સ્ક્રેપ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં ટકેલું વલણ રહ્યું હતું. આમ એકંદરે આજે બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. આજે સ્થાનિકમાં મુખ્યત્વે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૫ વધીને રૂ. ૭૭૫ના મથાળે રહ્યા હતા. સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે કોપર સ્ક્રેપ હેવી અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને અનુક્રમે રૂ. ૮૪૨ અને રૂ. ૧૮૪ અને કોપર આર્મિચર તથા એલ્યુુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૮૩૭ અને રૂ. ૨૫૧ના મથાળે રહ્યા હતા. આજે ટીનમાં એકતરફી તેજી બાદ સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૨ ઘટીને રૂ. ૩૧૯૭ના મથાળે રહ્યા હતા. સિવાય અન્ય ધાતુ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી તથા સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર વાયરબાર અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ચાર ઘટીને અનુક્રમે રૂ. ૮૮૩ અને રૂ. ૧૯૦, લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને રૂ. ૧૯૦ અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને રૂ. ૫૬૧ના મથાળે રહ્યા હતા.