લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં 18 ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટને કહેવામાં આવ્યું છે કે 2023માં સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ પેન્ડિંગ ફોજદારી કેસોના નિરાકરણ માટે રચાયેલી વિશેષ અદાલતમાં 2 હજારથી વધુ કેસોમાં ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલા કોર્ટ સલાહકાર વિજય હંસારિયાએ આ મામલે સર્વોચ્ચ અદાલતમાં સોગંદનામું રજૂ કર્યું હતું અને કહ્યું હતું કે પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલ અને હાઈકોર્ટના મોનિટરિંગ માટે સૂચના આપવાની જરૂર છે.
વિજય હંસારિયાની રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કાના 18 ટકા ઉમેદવારો પર ફોજદારી કેસ નોંધાયેલા છે. સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી છે જેમાં વિનંતી કરવામાં આવી છે કે સાંસદો અને ધારાસભ્યો સામેના અપરાધિક કેસોનો ઝડપથી નિકાલ કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું કે લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં લગભગ 500 ઉમેદવારો એવા છે જેમની સામે ગુનાહિત કેસ નોંધાયેલા છે. 2024ની ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કાના એડીઆરના રિપોર્ટને ટાંકીને હંસારિયાએ જણાવ્યું હતું કે પ્રથમ બે તબક્કામાં કુલ 2810 ઉમેદવારોમાંથી 501 સામે ફોજદારી કેસ નોંધાયેલા છે અને આ કુલ ઉમેદવારોના 18 ટકા છે.
આ ઉપરાંત, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમાંથી 327 વિરુદ્ધ એવા કેસ નોંધાયેલા છે જે ગંભીર પ્રકારના છે અને જો તે દોષિત સાબિત થાય તો પાંચ વર્ષ કે તેથી વધુની સજાની જોગવાઈ છે.
આપણ વાંચો: અખિલેશ નહીં લડે લોકસભા ચૂંટણી, કન્નોજથી ભત્રીજાને ઉમેદવારી
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં પણ સ્થિતિ લગભગ આવી જ હતી જેમાં કુલ 7928 ઉમેદવારોમાંથી 1500 વિરુદ્ધ ફોજદારી કેસ હતા અને આ આંકડો 19 ટકા હતો. કુલ ઉમેદવારો અને તેમાંથી 13 ટકા એટલે કે 1070 સામે ગંભીર કેસ નોંધાયા હતા.
એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય વતી સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે સાંસદો અને ધારાસભ્યો સામે નોંધાયેલા અપરાધિક કેસોની જલ્દી સુનાવણી કરવામાં આવે અને જલ્દી ચુકાદો આપવામાં આવે.
કોર્ટ સલાહકારના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્દેશો અને હાઈકોર્ટ દ્વારા લેવામાં આવેલા પગલાઓને કારણે 2023માં સ્પેશિયલ કોર્ટમાં 2 હજારથી વધુ કેસોનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ છતાં હજુ પણ મોટી સંખ્યામાં કેસ પેન્ડિંગ છે અને ઘણા કેસો લાંબા સમયથી પેન્ડિંગ છે.
હાઈકોર્ટમાંથી મળેલી જાણકારી મુજબ, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરી, 2023 સુધી કાયદા ઘડનારાઓ (law makers) વિરુદ્ધ 4697 ફોજદારી કેસ પેન્ડિંગ હતા. ગયા વર્ષે 2018 કેસની પતાવટ કરવામાં આવી હતી. તે ઉપરાંત 2023માં 1746 નવા કેસ નોંધાયા હતા અને આમ 1 જાન્યુઆરી, 2024 સુધી 4474 કેસ પેન્ડિંગ છે.