‘સ્વદેશ’થી મોહભંગ?: વર્ષમાં 65,000થી વધુ ભારતીય બન્યા આ દેશના નાગરિક
વોશિંગ્ટનઃ અમેરિકન નાગરિક બનવા ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે અને આ અંગે એક રિપોર્ટ પણ સામે આવ્યો છે. વર્ષ ૨૦૨૨માં ઓછામાં ઓછા ૬૫,૯૬૦ ભારતીયો સત્તાવાર રીતે અમેરિકન નાગરિક બન્યા અને આ સાથે ભારત અમેરિકન નાગરિકતા મેળવનારા દેશોના લોકોની સંખ્યાના સંદર્ભમાં મેક્સિકો પછી બીજા સ્થાને પહોંચી ગયું છે.
યુએસ સેન્સસ બ્યુરોના અમેરિકન કોમ્યુનિટી સર્વેના ડેટા અનુસાર ૨૦૨૨માં વિદેશી મૂળના અંદાજિત ૪ કરોડ ૬૦ લાખ લોકો અમેરિકામાં રહેતા હતા, જે અમેરિકાની કુલ ૩૩ કરોડ ૩૩ લાખ વસ્તીના લગભગ ૧૪ ટકા છે. સ્વતંત્ર કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસ(સીઆરએસ)ની નાણાકીય વર્ષ ૨૦૨૨ માટે યુએસ નેચરલાઇઝેશન પોલિસી(અમેરિકી નાગરિકતા નીતિ) પર ૧૫ એપ્રિલના તાજેતરના અહેવાલ અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૨માં ૯,૬૯,૩૮૦ વ્યક્તિઓ અમેરિકાના નાગરિક બન્યા હતા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકન નાગરિકતા મેળવનાર મેક્સિકોમાં જન્મેલા લોકોની સંખ્યા સૌથી વધુ હતી. આ પછી ભારત, ફિલિપાઇન્સ, ક્યુબા અને ડોમિનિકન રિપબ્લિકના સૌથી વધુ લોકોને અમેરિકન નાગરિકતા મળી છે. તેમના પછી ભારત (૬૫,૯૬૦), ફિલિપાઇન્સ (૫૩,૪૧૩), ક્યુબા (૪૬,૯૧૩), ડોમિનિકન રિપબ્લિક (૩૪,૫૨૫), વિયેતનામ (૩૩,૨૪૬) અને ચીન (૨૭,૦૩૮)ને અમેરિકન નાગરિકતા મળી છે.
૨૦૨૩ સુધીમાં વિદેશી મૂળના અમેરિકન નાગરિકોમાં ભારતના લોકોની સંખ્યા ૨,૮૩૧,૩૩૦ હતી. જે મેક્સિકો (૧૦,૬૩૮,૪૨૯) પછી બીજી સૌથી વધુ સંખ્યા છે. ત્યારબાદ આ યાદીમાં ચીન(૨,૨૨૫,૪૪૭) આગળ છે. સીઆરએસ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે યુ.એસ.માં રહેતા લગભગ ૪૨ ટકા ભારતીય મૂળના વિદેશી નાગરિકો હાલમાં યુએસ નાગરિક બનવા માટે અયોગ્ય છે.
વિદેશમાં અભ્યાસ અને નોકરી અર્થે જનારા ભારતીયોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. વિદેશમાં ખાસ કરીને અમેરિકા જનારા વિદ્યાર્થીઓની સાથે આઈટી ક્ષેત્રમાં નોકરી કરનારા લોકોની સંખ્યા વધુ છે, પરંતુ નોકરી-અભ્યાસ પછી સ્થાયી થવાનું પ્રમાણ વધ્યું છે. વધારે પગાર અને સુવિધાને કારણે ભારતીય નાગરિકોનો સ્વેદશથી મોહભંગ થઈ રહ્યો હોવાનું ચોક્કસ કહી શકાય.