કોલકાતાઃ લોકસભા ચૂંટણી વચ્ચે પશ્ચિમ બંગાળની મમતા સરકારને School Jobs Scamમાં મોટો ફટકો લાગ્યો છે. કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ પેનલ દ્વારા કરવામાં આવેલી શાળા શિક્ષકોની ભરતીને રદ કરી દીધી છે, જેના પછી 23000 શિક્ષકોએ તેમની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે, જેમણે ખોટા માર્ગે નોકરી મેળવી હતી. આટલું જ નહીં, હાઈકોર્ટે આ લોકોને 4 અઠવાડિયામાં 12 ટકા વ્યાજ સાથે તેમનો આખો પગાર પરત કરવાનો પણ આદેશ આપ્યો છે.
કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે 2016માં SSC હેઠળ કરવામાં આવેલી દરેક ભરતી અમાન્ય છે. કલકત્તા હાઈકોર્ટે 2016ની આખી જોબ પેનલને રદ કરી દીધી છે. કોર્ટે ધોરણ 9 થી 12 અને જૂથ C અને D સુધીની તમામ નિમણૂંકો રદ કરી હતી, જેમાં ગેરરીતિઓ જોવા મળી હતી. આ ભરતીમાં પેનલ પર અંદાજે 5 થી 15 લાખ રૂપિયાની લાંચ લેવાના આક્ષેપો થયા હતા. કોર્ટે સોમા દાસ નામની કેન્સર પીડિતાના કેસમાં અપવાદ કર્યો હતો અને તેની નોકરીની સલામતી સુનિશ્ચિત કરી હતી. કોર્ટના આ નિર્ણયને કારણે રાજ્યમાં 23 હજારથી વધુ શિક્ષકોએ તેમની નોકરી ગુમાવી દીધી છે. કોર્ટે 4 અઠવાડિયામાં પગાર પરત કરવા, 15 દિવસમાં નવી ભરતી કરવા અને સીબીઆઈ તપાસ ચાલુ રાખવાની સૂચના આપી છે. ભરતી પેનલને રદ કરવાના કોર્ટના નિર્ણયને રાજ્યની સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ સરકાર માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.
વર્ષ 2016માં પશ્ચિમ બંગાળ સરકારે શાળાઓમાં શિક્ષકોની ભરતી કરી હતી. આ ભરતી સરકારી શાળાઓ માટે હતી, જેના દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે શિક્ષકોની પસંદગી થવાની હતી. આ ભરતીમાં ગેરરીતિના આક્ષેપો થયા હતા અને મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. આ કેસમાં કૌભાંડને લઈને ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી અને કોર્ટે તે તમામની એક સાથે સુનાવણી કરી હતી. હાઈકોર્ટે સીબીઆઈને શાળા ભરતી કૌભાંડની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સીબીઆઈએ આ મામલે રાજ્યના પૂર્વ શિક્ષણ પ્રધાન પાર્થ ચેટર્જી અને પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ (એસએસસી)માં હોદ્દા ધરાવતા કેટલાક અધિકારીઓની પણ ધરપકડ કરી હતી. સીબીઆઇએ પોતાનો તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. રિપોર્ટ મળ્યા બાદ 20 માર્ચે સુનાવણી પૂરી થઈ હતી અને આજે નિર્ણય લેવામાં આવ્યો છે.
જો કે, હવે બંગાળ સરકારનું કહેવું છે કે તે હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે.
Taboola Feed