IPL 2024સ્પોર્ટસ

ગુજરાતે થ્રિલરવાળા પરાજયનો બદલો લીધો, હોમ-ગ્રાઉન્ડ પર પંજાબની સતત ચોથી હાર

સ્પિન-ત્રિપુટીની કમાલ પછી તેવટિયાએ ગુજરાતની નૌકા પાર કરાવી

મોહાલી: ગુજરાત ટાઇટન્સે અહીં પંજાબ કિંગ્સને માત્ર 142 રનમાં ઑલઆઉટ કર્યા પછી 143 રનનો લક્ષ્યાંક મહા મહેનતે (સાત વિકેટ ગુમાવ્યા પછી) મેળવ્યો હતો.


કૅપ્ટન શુભમન ગિલ (29 બૉલમાં 35 રન), સાંઇ સુદર્શન (34 બૉલમાં 31 રન)ની વિકેટ બાદ ઓમરઝાઈ (10 બૉલમાં 13 રન), રાહુલ તેવટિયા (18 બૉલમાં સાતફોરની મદદથી અણનમ 36 રન) તેમ જ અમુક અંશે એમ. શાહરુખ ખાન (ચાર બૉલમાં એક સિક્સરની મદદથી આઠ રન)ની ટૂંકી, પણ આક્રમક ઇનિંગ્સની મદદથી ગુજરાતે પાંચ બૉલ અને ત્રણ વિકેટ બાકી રાખીને છેવટે અત્યંત જરૂરી જીત હાંસલ કરી હતી. ચોથી એપ્રિલે અમદાવાદમાં પંજાબે સેકંડ લાસ્ટ બૉલ પર 200મો રન બનાવીને ગુજરાતને હરાવ્યું હતું, પણ હવે ગુજરાતે એ હારનો બદલો મોહાલીમાં લઈ લીધો છે. પંજાબની ટીમ હોમ-ગ્રાઉન્ડ પર લાગલગાટ ચોથી મૅચ હારી ગઈ છે.


પંજાબના હર્ષલ પટેલે 15 રનમાં ત્રણ, લિવિંગસ્ટને 19 રનમાં બે અને સૅમ કરૅન તેમ જ અર્શદીપે એક-એક વિકેટ લીધી હતી. રબાડા અને બ્રારને વિકેટ નહોતી મળી.


ગુજરાતની ટીમ આઠમાંથી ચાર મૅચ જીતીને મુંબઈની જગ્યાએ છઠ્ઠા નંબર પર આવી ગઈ છે. પંજાબ આઠમાંથી છ મૅચ હારી જતાં છેક નવમા નંબરે છે.


એ પહેલાં, પંજાબની ટીમ બૅટિંગ લીધા બાદ માત્ર 20મી ઓવરના છેલ્લા બૉલે 142 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાતના ત્રણ સ્પિનર નૂર અહમદ (4-0-20-2), રાશીદ ખાન (4-0-15-1) અને ખાસ કરીને સાંઈ કિશોરે (4-0-33-4) ભેગા થઈને પંજાબને દોઢસો રન પણ નહોતા કરવા દીધા. ગુજરાતના સાત બોલરમાંના બીજા ચાર બોલરમાંથી મોહિત શર્મા (4-0-32-2) વિકેટ લેવામાં સફળ રહ્યો હતો, જ્યારે ઓમરઝાઈ તેમ જ સંદીપ વૉરિયર અને એમ. શાહરુખ ખાનને વિકેટ નહોતી મળી.


ઈજાને કારણે શિખર ધવન ફરી નહોતો રમી શક્યો અને સૅમ કરૅને કૅપ્ટન્સી સંભાળી હતી અને પોતે ઓપનિંગમાં આવ્યો હતો. તે 19 બૉલમાં ફક્ત 20 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પંજાબની ટીમમાંથી એકેય બૅટર હાફ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો.


ઓપનર પ્રભસિમરન સિંહ (35 રન, 21 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)નો સ્કોર ટીમમાં હાઇએસ્ટ હતો. હરપ્રીત બ્રારે 12 બૉલમાં 29 રન બનાવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button