ભક્તિ તેમજ શ્રદ્ધાનો પર્યાય
મનન -હેમુ-ભીખુ
માતાની ભક્તિ એટલે શ્રદ્ધાની ચરમસીમા, અને માતા પર શ્રદ્ધા એટલે ભક્તિની પૂર્ણતા. મા જગદંબાની અપાર આરાધના માટેના પર્વ, ચૈત્રી નવરાત્રીના નવ દિવસમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયિની, કાલરાત્રી, મહાગૌરી તથા સિદ્ધિદાત્રી સ્વરૂપે માતાની ભક્તિ થતી હોય છે. પ્રત્યેક દિવસ માટે પૂજાની વિધિ વ્યવસ્થિત રીતે નિર્ધારિત કરાવી છે અને કયા દિવસે કયો પ્રસાદ ધરાવવો, કેવા પ્રકારના પુણ્યદાન કોને કરવા, કયા મંત્રનો જાપ કરવો, જેવી બાબતો શાસ્ત્રોમાં સૂચિત કરાઈ છે. આનું અનુસરણ જરૂરી ગણાય.
પરંતુ જ્યારે માતાની વાત થાય ત્યારે પ્રેમ સભર ભક્તિનું મહત્ત્વ સૌથી વધુ ગણાય. માતાને પ્રેમ કરવાનો હોય, અપાર પ્રેમ કરવાનો હોય, સદાય પ્રેમ કરવાનો, નિર-અપેક્ષિત પ્રેમ કરવાનો હોય, માત્ર પ્રેમ કરવાનો હોય. દરેક સંતાનના મનમાં માતા માટે અપાર આદર હોય, નિર્બંધ લાગણી હોય, અતૂટ વિશ્ર્વાસ હોય, નિષ્કામ ભાવ હોય અને સંપૂર્ણ સમર્પણ હોય. માતાના કોઈપણ મંતવ્ય માટે, માતાના કોઈપણ કાર્ય માટે ક્યારેય નકારાત્મક વિચાર ઉદ્ભવી ન શકે. માતાની હકારાત્મકતા માટે ક્યારેય શંકા ન હોય. વળી, માતા સાથેનો સંબંધ સમય અને સ્થળના બંધનથી મુક્ત હોય. માતા સાથેનું બંધન હંમેશાં અતૂટ રહ્યું છે – પછી તે દુન્યવી માતા હોય કે આધ્યાત્મિક.
જ્યારે દુન્યવી માતા માટે આપણને અપાર વિશ્ર્વાસ હોય, તેના પ્રેમ માટે ચોક્કસ ખાતરી હોય તથા તેના આપણી પ્રત્યેના વ્યવહાર બાબતે કોઈપણ પ્રકારનો નકારાત્મક ભાવ સંભવી શકતો ન હોય, તો પછી આધ્યાત્મિક માતાના આપણી સાથેના સમીકરણની તો શી વાત કરવી. મા જગદંબા સદાય સંતાનનું ભલું ઈચ્છે છે, સંતાનને સાચા રસ્તે લઈ જવા પ્રયત્ન કરે, સંતાનના વિકાસમાં ભાગીદાર બને, સંતાનને શ્રેય અને પ્રેય વચ્ચેનો તફાવત સમજાવી યોગ્ય બાબતની પસંદગી કરતા શીખવાડે, સંતાનને આધ્યાત્મના માર્ગ પર ચાલવા પ્રેરે અને જરૂર જણાય તો સંતાનને શિક્ષા પણ કરે. જગત જનનીની પ્રત્યેક બાબત આપણા ભલા માટે – તેના સંતાનના ભલા માટે હોય છે.
જગત જનનીનો તેમના સંતાન સાથેનો દરેક વ્યવહાર કોઈને કોઈ હકારાત્મક કારણસર સ્થપાતો હોય છે. જગત જનની સૃષ્ટિના નિયમોનું પાલન તો કરે જ, પણ સાથે સાથે પ્રેમ સભર અપવાદ પણ માન્ય રાખે. જગતજનનીના પ્રેમાળ વ્યવહાર માટે પણ નિયમો હોય અને આ નિયમોનો વ્યાપ સંજોગો પ્રમાણે વિસ્તારાતો પણ હોય. જગત જનનીની મમતા ભરેલી વાતો સાથે કેટલીક કષ્ટ જનક પણ હોય તો સાથે સાથે તે હિતકારી હોવાની સંભાવના પણ વણાયેલી હોય. જગત જનની મબલખ આપે પણ ખરી અને જરૂર જણાય તો અભાવ પણ ઊભો કરે. એમ જણાય છે કે જગત જનનીનો માત્ર એક હેતુ છે, પોતાના સંતાનોને ક્રમશ વિકસિત કરી પૂર્ણતા સુધી પહોંચાડવા. દરેક માતા આમ જ કરે – ભલે તેમના સ્વરૂપ ભિન્ન ભિન્ન હોય.
જગત જનની દ્વારા રચાયેલ પ્રકાશમાં આશીર્વાદ સમાયેલો હોય, તો અંધારામાં કોઈક શીખ છુપાયેલી હોય. તેમના દ્વારા અપાયેલ સુખથી સંતોષનો ભાવ ઉદ્ભવે તો દુ:ખથી ઘડતર થાય. તેમના આશીર્વાદમાં તો આશીર્વાદ છુપાયેલો જ હોય પરંતુ તેમના શ્રાપમાં પણ આશીર્વાદ સમાયેલો હોય. એમના દ્વારા સ્થપાયેલ ભાવથી આનંદની પ્રતીતિ થાય તો અભાવથી વિશ્ર્વના કેટલાક સમીકરણો સમજમાં આવે. તેઓ જ્યારે ખોળામાં બેસાડે ત્યારે પણ મમતા નીતરતી હોય અને જ્યારે ખોળામાંથી ઉઠાડે ત્યારે પણ એટલી જ મમતા ઉદ્ભવતી હોય. માતાની દરેક ક્રિયા પાછળ માત્ર અને માત્ર સંતાનનું હિત સમાયેલું હોય. જગત જનની ક્યારેય સંતાનને કષ્ટ પહોંચાડી ન શકે, પણ જો કષ્ટની પ્રતીતિ થાય તો તેમાં પણ સાથે જગત-માતાનો પ્રેમાળ હાથ ફરતો જણાશે.
સંતાન તૃપ્ત થાય ત્યારે માતા તૃપ્તિ અનુભવે. સંતાન હસે ત્યારે માતા હસે. સંતાન આંખો ખોલે ત્યારે માતા જુએ. સંતાન વિકાસ પામે ત્યારે માતા અને માતૃત્વ પણ વિકાસ પામે. સંતાનના દુખે માતા દુ:ખી થાય અને સંતાનના સુખે માતા ઊભરાઈ જાય. સંતાનને નિષ્ફળતા માતા પોતાની નિષ્ફળતા ગણાય અને સંતાનની સફળતાનો યશ સંતાનને જ અર્પણ કરે. આધ્યાત્મની ભાષામાં કહીએ તો, સંતાન પૂર્ણતાને પામે ત્યારે માતા પણ પૂર્ણતાની પ્રતીતિ કરે. આ બધું જ દુન્યવી માતાને જેટલું લાગુ પડે તેટલું જ જગત જનનીને પણ લાગુ પડે. માત્ર સ્વરૂપ જુદા છે, આશય તો એક સમાન છે. માતા એટલે માતા – એમાં કોઈપણ પ્રકારના વર્ગીકરણની સંભાવના નથી.
માતાની ભક્તિ માટે આદર જોઈએ. માતાને ખુશ કરવા ચરિત્ર જોઈએ. માતાના સંતોષ માટે ધર્મ મુજબ આચરણ જરૂરી બને. માતાની ખુશી માટે બધાને ખુશ રાખવાની તત્પરતા જોઈએ. માતાના આનંદ માટે અંતર-આત્માના આનંદને પામવો પડે. માતાને પામવા માતૃત્વમાં હોય લક્ષણો વિકસાવવા જોઈએ. માતા બનીને કે માતા સમાન બનીને જ માતૃત્વને જાણી શકાય. આધ્યાત્મમાં આવો ભાવ શ્રદ્ધા અને ભક્તિ થકી જાગ્રત થાય.
સમજવાની વાત એ છે કે, માતાની બરોબરી કોઈનાથી ન થઈ શકે. ઈશ્ર્વર પણ ઈશ્ર્વર જ છે – તેમને પણ માતા નામના સહારાની જરૂર રહી છે. માતા પૂર્ણ છે, અને તેથી જ તેમાંથી પૂર્ણનો ઉદ્ભવ સંભવ બને છે. આ જગત જનની જગદંબા જ સમગ્ર રચનાના કારણો સમાન છે.