ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે॥
શ્રી હનુમાનજી ઉપર પણ છે. આકાશગમન તો કરે જ છે; અને હનુમાનજી નીચે પણ છે, પાતાળ સુધી જાય છે.
માનસ મંથન -મોરારિબાપુ
भूत पिशाच निकट नहि आवे |
महाबीर जब नाम सुनावै ||
જે હનુમાનજીનો આશ્રય કરે છે એની પાસે ભૂતકાળ અને ભવિષ્યકાળ નથી આવી શકતા. ભૂત આપણને શોક નથી આપી શકતો અને ભવિષ્ય આપણને ચિંતા નથી કરાવી શકતું. એ બન્નેની વચ્ચે રહેવું હોય તો મહાવીર-નામ. હનુમાન વર્તમાનનું નામ છે અને એ મારું અનુમાન નથી. પવન વર્તમાન છે. કોઈ કહી નથી શકતું કે બે દિવસ પહેલાં પવન હતો. પવન નિરંતર વર્તમાન છે. મારી દૃષ્ટિએ હનુમાનનો પર્યાય છે વર્તમાન. એનાં રહસ્યોને સમજવાના પ્રયત્નો કરશે એમની નજીક ભૂતનો શોક અને ભવિષ્યની ચિંતા નહીં આવી શકે. મારે ત્યાંથી જ વ્યાખ્યા શરૂ કરવી છે.
તો બાપ, આગળ વધીએ. શ્રી હનુમાનજી મહારાજનું નામ લેવાથી ભૂત-પ્રેત નિકટ નથી આવતા; અને ભૂત એટલે ભૂતકાળ તથા પ્રેત એટલે ભવિષ્ય. શોક અને ચિંતાની વચ્ચે શ્રી હનુમાનજીને કારણે આપણે વર્તમાનમાં જીવી શકીએ છીએ. હનુમાનજી આગળ પણ છે, પાછળ પણ છે; ઉપર પણ છે, નીચે પણ છે; ડાબે પણ છે,જમણે પણ છે. ‘રામચરિતમાનસ’માં તુલસીએ લખ્યું છે, હનુમાનજી પાછળ છે-
पाछें पवन तनय सिरु नावा |
जानि काज प्रभु निकट बोलावा ||
પાછળ રહે છે એટલે કે આપણને પુશ કરે છે. પાછળ રહીને જીવન સાધનામાં આગળ વધવામાં આપણને ધક્કો મારે છે, પરંતુ એ જ કથામાં, જ્યારે બંદર-ભાલુ તરસ્યાં થાય છે,સીતાની શોધની સુગ્રીવે જે સમયમર્યાદા આપી હતી એ લગભગ પૂરી થવામાં છે અને જાનકીજીની કોઈ ખબર નથી મળતી ત્યારે બધાં દુ:ખી થઈ ગયાં અને હનુમાનજીએ વિચાર્યું કે હવે જલપાન વિના કદાચ આ બધાં મરી જશે,ત્યારે હનુમાનજી ઉપર ચડીને પૃથ્વીમાં, ગુફામાં, પર્વતમાં જુએ છે અને પછી બધાંને લીડ કરે છે. હનુમંતતત્ત્વ પાછળ પણ રહે છે, આગળ પણ રહે છે. હનુમંતતત્ત્વ વચ્ચે પણ છે. ‘રામાયણ’ના પ્રસંગો તમે ઉઠાવો. હનુમાનજી દરેક જગ્યાએ વચ્ચે છે. સુગ્રીવ અને રામનું મિલન કરાવવામાં હનુમાનજી વચ્ચે છે. ત્યાં મધ્યસ્થીનું કામ શ્રી હનુમાનજીએ કર્યું.
‘માનસ’નો એક પ્રસંગ. વિભીષણ ભગવાનને શરણે આવ્યો. પ્રધાનમંત્રી સુગ્રીવે વિરોધ કર્યો. એ સમયે કોણે મધ્યસ્થી કરી ? મધ્યસ્થી હનુમાનજીએ કરી; અને હનુમાનજી બહુ બુદ્ધિવાન છે. ભગવાને કહ્યું કે, વિભીષણ તો વાંકો છે, ત્યારે હનુમાનજીએ કહ્યું કે, આપના ખભા પર પણ વાંકું ધનુષ છે !
ત્રીજી મધ્યસ્થી. સીતા-રામના સંદેશવાહક રૂપે મધ્યસ્થી હનુમાનજીએ કરી. હનુમાનજી પયગંબર છે; રામનો પયગામ લઈને સીતા પાસે જાય છે અને ત્યાંથી પયગામ લઈને પાછા ફરે છે. હજી આગળ પણ જુઓ. ભગવાન રામ ચૌદ વર્ષ પછી વિમાનમાં પાછા આવે છે, ત્યારે ભગવાન હનુમાનજીને કહે છે કે, તમે અયોધ્યા જાઓ અને ભરત વિશે મને માહિતી આપો. તો ત્યાં મધ્યસ્થીનું કામ શ્રી હનુમાનજીએ કર્યું. ભરતજીની તપાસ હનુમાનજીએ કરી અને પછી એ રિપોર્ટ કરે છે કે, ભરત તો ભરત છે !
તો, બધી જગ્યાએ હનુમાનજી છે. હનુમંતતત્ત્વનો આશ્રય કરવાથી બધી જગ્યાએ આપણે સુરક્ષિત થઈ જઈએ છીએ. રામમંદિરોમાં હનુમાન આગળ છે. જમણી બાજુ પણ છે. જમણાંને દક્ષિણ કહે છે. ગુજરાતના બધા હનુમંતમંદિરોમાં હનુમાનજીનો ચહેરો દક્ષિણમુખી જ હોય છે. ‘ભાગવત’ અનુસાર ભક્તિનું પ્રગટીકરણ દ્રવિડમાં થયું છે, પરંતુ યુ.પી.નાં કેટલાંક મંદિરોમાં હનુમાનજીનું મુખ ડાબી બાજુ હોય છે. સાઉથમાં હનુમાનજીને તુલસીના મોટા-મોટા હાર ચડાવવામાં આવે છે, કેમ કે હનુમાનજી જેવો કોઈ વૈષ્ણવ નથી. હનુમાનજી પરમ વૈષ્ણવ છે. એમનો ચહેરો ડાબી અને જમણી બંને બાજુ મળશે.
શ્રી હનુમાનજી ઉપર પણ છે. આકાશગમન તો કરે જ છે; અને હનુમાનજી નીચે પણ છે, પાતાળ સુધી જાય છે. અહિરાવણના પ્રસંગમાં એ પાતાળ સુધી ગયા હતા. મહાભારતકાળ સુધી જુઓ તો હનુમાનજી ઉપર છે; અને નીચે જુઓ તો પરમાત્માના પગ પાતાળ માનવામાં આવ્યા છે અને હનુમાન ચરણ પકડે છે એટલે એ પાતાળમાં પણ છે. હનુમાનજી માટે હું એક શબ્દ યૂઝ કરું, ‘પદમુક્ત પદાધિકારી’. કોઈ પદ કે સત્તા નહીં, પરંતુ રામનાં બંને ચરણના જ પદાધિકારી છે. તો, હનુમંતતત્ત્વના આશ્રયથી આપણે ચારેબાજુથી સુરક્ષિત થઈ જઈએ છીએ. પવન ચારેબાજુ છે. વાયુ વિનાની કોઈ જગ્યા ખાલી નથી.
તો, ‘,‘महाबीर जब नाम सुनावै’ એના બે અર્થ છે. એક અર્થ એ કે જ્યારે તમે મહાવીરનું નામ સંભળાવો એટલે ભૂત-પ્રેત ભાગી જાય. એનો મતલબ કે, જે વર્તમાનમાં જીવનારા છે એવા તત્ત્વનું સ્મરણ કરવાથી ભૂત અને ભવિષ્યની ચિંતાઓ નષ્ટ થઈ જાય છે. પરંતુ આપણે તો કેટલું બધું મહાવીરનું નામ સંભળાવીએ છીએ, છતાં પણ આપણા ભૂત-પ્રેત કેમ ભાગતાં નથી ? વિશેષ રૂપમાં એક બીજો અર્થ સમજો. જેમનું નામ મહાવીર સંભળાવશે એમને ભૂત-પ્રેત કંઈ નહીં કરી શકે. મહાવીર કહી દે કે, ‘ખબરદાર, એની પાસે ગયા છો તો !’ પરંતુ એ કોણ કરી શકે? જે મહાવીર હોય તે. સવાલ મહાવીરપણાનો છે.
મારાં ભાઈ-બહેનો, મહાવીર કોણ? વૈષ્ણવ પરંપરામાં આ પરિભાષા આવી કે ત્રણ પ્રકારના મ’કારને જે નષ્ટ કરી દે છે એ મહાવીર છે. ત્રણ પ્રકારના મ’કાર. ‘એક,મદ’; બીજું, ‘મદન’; ત્રીજું,‘મત્સર’. મદ એટલે અહંકાર. મદન એટલે કામનાઓ અને મત્સર એટલે ઈર્ષ્યા. ત્રણે પર જેમણે કાબૂ કરી લીધો હોય એ. જીવનમાં ગમે તેટલી ઊંચાઈએ પહોંચે છતાં પણ જેમને અહંકાર ન આવે. તો, મદ-મદન-મત્સર ત્રણેય પર જેમણે કાબૂ મેળવ્યો હોય એ મહાન. ગોસ્વામીજી કહે છે કે જે આ હનુમાનચાલીસા વાંચશે એને સિદ્ધિ મળશે. હવે મારા દિમાગમાં વાંચવાના ઘણા અર્થો છે. વાંચવું’ એટલે હનુમાનચાલીસની એક નાનકડી પુસ્તિકા લઈને એનો પાઠ કરી લેવો ? એનો શું મતલબ છે ? ઘણા મતલબ છે; છોડો. પરંતુ સીધો સાદો અભિપ્રાય લઈએ તો ગોસ્વામીજી કહે છે કે ‘હનુમાનચાલીસા’ નું પઠન, પાઠ જે કરશે એ સિદ્ધ થઈ જશે. એનાં જીવનમાં ઘણી બધી સિદ્ધિઓ આવી જશે અથવા તો ઇતિ સિદ્ધમ, એટલે પૂર્ણતા. મારાં યુવાન ભાઈ-બહેનો, વિશ્ર્વાસની જે વાત છે એને ખાસ સમજજો. મને લાગે છે કે જેનો દૃઢ ભરોસો છે તેમણે કંઈ વિશેષ કરવાની જરૂર નથી.
(સંકલન : જયદેવ માંકડ)