ઈલેક્ટોરલ બોન્ડનાં નાણાં જપ્ત કરવા જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
સુપ્રીમ કોર્ટમાં ગેરબંધારણીય જાહેર કરેલા ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ફરી ગાજ્યો છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે આપેલા ઈન્ટરવ્યૂમાં ઈલેક્ટોરલ બોન્ડની ખુલ્લેઆમ તરફેણ કરીને કહેલું કે, જો લોકો ઈલેક્ટોરલ બોન્ડનો વિરોધ કરે છે એ લોકો પસ્તાશે. ઈલેક્ટોરલ બોન્ડના કારણે રૂપિયા કઈ કંપનીએ આપ્યા, કેવી રીતે આપ્યા, ક્યાં આપ્યા વગેરે બધું જાણી શકાય છે તેથી આ સિસ્ટમ પારદર્શક છે. આ કારણે ઈલેક્ટોરલ બોન્ડ રદ કરી દેવાયા તેનો દરેકને પસ્તાવો થશે.
હવે મોદી સરકારનાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ એક કદમ આગળ વધ્યાં છે. નિર્મલા સીતારમણે એક ટોચના અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, અમે સત્તામાં આવીશું તો ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ પાછી લાવીશું. આ માટે પહેલાં ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ અંગે લોકો તથા નિષ્ણાતો પાસેથી મોટા પાયા પર સૂચનો લેવામાં આવશે અને પછી તેનો અમલ કરાશે.
નિર્મલાનું નિવેદન આશ્ર્ચર્યજનક છે કેમ કે ૧૫ ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે રાજકીય ફંડિંગ માટેના ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય ગણાવીને આ સ્કીમ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે,. બોન્ડની ગુપ્તતા જાળવવી એ ગેરબંધારણીય છે અને આ યોજના માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટે જે સ્કીમને ગેરબંધારણીય જાહેર કરી દીધી છે એ સ્કીમનો ભાજપ કેમ બચાવ કરે છે અને આ સ્કીમને પાછી લાવવા માટે ભાજપ કેમ ઊંચોનીચો થઈ રહ્યો છે એ સવાલ નિર્મલાના નિવેદનના કારણે ઊભો થઈ ગયો છે.
નિર્મલાના નિવેદનને પગલે વિપક્ષો મેદાનમાં આવી ગયા છે. સરકારના ફરીથી ઈલેક્ટોરલ બોન્ડ લાવવાના ઈરાદા સામે કૉંગ્રેસના નેતા જયરામ રમેશે સવાલ કર્યો છે કે, આ વખતે ભાજપ સરકાર કેટલી લૂંટ કરશે? કૉંગ્રેસનું કહેવું છે કે, ઈલેક્ટોરલ બોન્ડના નામે ઙફુઙખ કૌભાંડ કરીને ભાજપે ૪ લાખ કરોડ રૂપિયા લૂંટ્યા છે અને ઈલેક્ટોરલ બોન્ડ લાવીને ભાજપ હજુ લૂંટ ચાલુ રાખવા માગે છે.
કપિલ સિબ્બલે પણ સવાલ કર્યો છે કે, આ સ્કીમ જરાય પારદર્શક નથી એવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે જ્યારે નિર્મલા સીતારમણ કહે છે કે, આ યોજના પારદર્શિતાને ધ્યાનમાં રાખીને લાવવામાં આવી હતી. સામે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આમાં કોઈ પારદર્શિતા નથી અને સરકારે બિન-પારદર્શક રીતે આ સ્કીમનો અમલ કર્યો એ જોતાં સાચું કોણ ?
જયરામ રમેશ અને સિબ્બલ રાજકારણી છે તેથી એ લોકોની વાતો રાજકારણથી પ્રેરિત રહેવાની જ પણ તેમણે જે સવાલ ઉઠાવ્યા છે એ વ્યાજબી છે. ભાજપે ઈલેક્ટોરલ બોન્ડના નામે લાખો કરોડોની લૂંટ કરી એવા આક્ષેપોને બાજુ પર મૂકીએ તો પણ તેની પારદર્શકતા સામે તો સવાલો ઊભા જ છે. સુપ્રીમ કોર્ટે પોતે આ સવાલો ઉઠાવ્યા છે એ જોતાં ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ શંકાના દાયરામાં છે તેમાં બેમત નથી.
ભાજપ આ સ્કીમ પાછી લાવવા માગે છે તેનું કારણ કદાચ એ છે કે, આ સ્કીમ દ્વારા ભાજપને સત્તાવાર રીતે ભ્રષ્ટાચારી પાસેથી લાંચ લેવાનો પરવાનો મળે છે. ૨૦૧૮થી અત્યાર સુધીમાં ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન મેળવવામાં ભાજપ
મોખરે છે.
૬ વર્ષમાં ભાજપને ઈલેક્ટોરલ બોન્ડ્સથી ૬૩૩૭ કરોડ રૂપિયાનું ચૂંટણી ભંડોળ મળ્યું છે અને આ રકમ કોણે આપી તેનો કોઈ હિસાબ ભાજપે આપવો પડ્યો નથી. ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કૉંગ્રેસને પણ છ વર્ષમાં રૂ. ૧૧૦૮ કરોડનું ચૂંટણી દાન મળ્યું જ છે તેથી ભાજપને જ ફાયદો થયો છે એવું નથી પણ ભાજપને વધારે ફાયદો થયો છે.
ભાજપ ઈલેક્ટોરલ બોન્ડ ઈચ્છે છે કેમ કે તેના કારણે ભાજપને બ્લેક મની મોટા પ્રમાણમાં મળે છે. ૨૦૧૭ના બજેટમાં તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ રજૂ કરી ત્યારે દાવો કર્યો હતો કે , આ બોન્ડથી રાજકીય પક્ષોના ભંડોળ અને ચૂંટણી પ્રણાલીમાં પારદર્શિતા લાવશે. કાળા નાણાં પર અંકુશ આવશે પણ એવું થયું નથી કેમ કે ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનાર વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવતી નથી, જેના કારણે ઈલેક્ટોરલ બોન્ડ ચૂંટણીમાં કાળા નાણાંનો ઉપયોગ કરવાનું માધ્યમ બની ગયા છે. ઈલેક્ટોરલ બોન્ડના માધ્યમથી ભ્રષ્ટાચારીઓ સરકારને આડકતરી રીતે લાંચ આપી શકે છે. ભ્રષ્ટાચારીઓ પોતાની ઓળખ જાહેર કર્યા વિના રાજકીય પક્ષોને ગમે તેટલું દાન આપી શકે છે. કદાચ એટલે જ ભાજપને આ બોન્ડ સ્કીમ પાછી જોઈએ છે.
ઈલેક્ટોરલ બોન્ડના સંદર્ભમાં એક બીજી વાત પણ કરવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરસ બોન્ડને ગેરકાયદેસર તો જાહેર કરી દીધા પણ છેલ્લાં છ વર્ષમાં ઈલેક્ટોરલ બોન્ડના માધ્યમથી જે નાણાં ઉઘરાવાયાં એ વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી. સુપ્રીમ કોર્ટનો ચુકાદો એ રીતે અધૂરો કહેવાય કેમ કે જે ગેરબંધારણીય છે એવી સ્કીમ દ્વારા ભેગાં કરાયેલાં નાણાં કોઈ પણ રાજકીય પક્ષ કઈ રીતે રાખી શકે?
ડ્રગ્સ કે બીજા કેસોમાં ફસાયેલા માફિયાઓની સંપત્તિ સરકાર જપ્ત કરે છે કેમ કે ગેરબંધારણીય અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાંથી આ નાણાં એકઠાં કરાયાં છે. ઈલેક્ટોરલ બોન્ડ પણ ગેરબંધારણીય છે તો તેને પણ ધારાધોરણ લાગુ પડે કે ના પડે? આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટે ભાજપ સહિતના તમામ પક્ષોને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા એકઠાં કરાયેલાં નાણાં સરકારમાં જમા કરાવવાનો આદેશ આપવો જોઈતો હતો. આ નાણાંનો ઉપયોગ દેશના વિકાસ માટે કરવો જોઈએ.
કૉંગ્રેસ સહિતના કોઈ પક્ષે આ મુદ્દો ના ઉઠાવ્યો કેમ કે તેમને પણ નુકસાન જાય જ. ભાજપે અબજો રૂપિયા છોડવા પડે તો કૉંગ્રેસે પણ છોડવા પડે ને તૃણમૂલ કૉંગ્રેસે પણ છોડવા પડે તેથી તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ સમજીને બધાં ચૂપ છે પણ સુપ્રીમ કોર્ટે ચૂપ રહેવા જેવું નથી. હજુ મોડું થયું નથી ને સુપ્રીમ કોર્ટ હજુય રાજકીય પક્ષોને ઈલેક્ટોરલ બોન્ડ મારફતે મેળવેલાં નાણાં પાછાં આપવા ફરમાન કરી શકે.
સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય ગણાવીને ઐતિહાસિક ચુકાદો આપેલો. આ બોન્ડનાં નાણાં લોકો માટે વપરાય એ તેનું લોજિકલ ક્ધક્લુઝન છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાને તાર્કિક અંત સુધી પહોંચાડવો જોઈએ.