નેશનલ

વિભાજિત વિશ્વમાં ભારત વિશ્વબંધુ તરીકે અગ્રેસર: મોદી

નવી દિલ્હી: દુનિયાના અનેક દેશો અત્યારે યુદ્ધમાં અટવાયેલા છે એવા સમયે ભારતીય તીર્થંકરોના ઉપદેશો અત્યારે નવી રીતે સુસંગત છે, એમ જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારપૂર્વક કહ્યું હતું કે વિભાજિત વિશ્વમાં ભારત વિશ્વબંધુ તરીકેનું પોતાનું સ્થાન બનાવી રહ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે મહાવીર જન્મકલ્યાણક નિમિત્તે 2,550મા ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન તેમણે પ્રસંગને યાદગાર બનાવવા માટે એક સ્મારક સ્ટેમ્પ અને સિક્કો બહાર પાડ્યો હતો. તેમના સંબોધનમાં મોદીએ ભગવાન મહાવીરના મૂલ્યો પ્રત્યે યુવાનોની પ્રતિબદ્ધતાના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને આવનારા હજારો વર્ષો સુધી આ મૂલ્યોની જાળવણી કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.


આ પણ વાંચો:
દેશ કૉંગ્રેસને તેના પાપો માટે સજા આપી રહ્યો છે: નરેન્દ્ર મોદી

દાયકાઓથી આપણો દેશ પણ ભ્રષ્ટાચારનો ભોગ બન્યો હતો. આપણે ગરીબીની ઊંડી વેદના જોઈ છે. આજે જ્યારે દેશ એવા તબક્કે પહોંચી ગયો છે જ્યાં અમે 250 મિલિયન લોકોને ગરીબી રેખા નીચેથી બહાર કાઢ્યા છે, એમ મોદીએ કહ્યું હતું.


બંધારણના 75મા વર્ષ અને આગામી લોકસભા ચૂંટણી જેવી મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય ઘટનાઓ સાથે તેના સાંયોગિક જોડાણ પર પ્રકાશ પાડતાં તેમણે ભારતની શાશ્ર્વત સંસ્કૃતિ અને વિશ્વમાં શાંતિ અને આધ્યાત્મિકતાની દીવાદાંડી તરીકેની ભૂમિકા વિશે વાત કરી હતી.

વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું, માત્ર 10 વર્ષ પહેલા નિરાશા અને હતાશા સર્વત્ર પ્રવર્તી રહી હતી. એવું માનવામાં આવતું હતું કે આ દેશ હવે કશું કરી શકશે નહીં. આ નિરાશા ભારતીય સંસ્કૃતિ માટે એટલી જ પરેશાન કરનારી હતી જેટલી તે દેશ માટે હતી.


આ પણ વાંચો:
કર્ણાટકમાં હિંદુ યુવતીની હત્યા મામલે રાજકારણ ગરમાયું, PM મોદીએ પણ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

મોદીએ એમ પણ કહ્યું હતું કે ભગવાન મહાવીરના મૂલ્યો પ્રત્યેે યુવાનોનું સમર્પણ અને પ્રતિબદ્ધતા રાષ્ટ્ર સાચી દિશામાં આગળ વધી રહ્યાનો સંકેત છે.

તેમણે આજના વિશ્વમાં જ્યાં વૈશ્વિક સ્તરે સંઘર્ષ પ્રવર્તે છે, ત્યાં જૈન સિદ્ધાંતો અનેકાંતવાદ અને સ્યાદવાદ જેવા ઉપદેશોની સુસંગતતા સ્પષ્ટ થઈ રહી છે.

આજે આપણે વૈશ્વિક મંચ પર સંપૂર્ણ વિશ્વાસ સાથે સત્ય અને અહિંસાના સિદ્ધાંતોને આગળ ધપાવીએ છીએ. આપણે વિશ્વને કહીએ છીએ કે વૈશ્વિક સમસ્યાનો ઉકેલ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં જોવા મળે છે. આ કારણે જ ભારત વિભાજિત વિશ્વમાં ‘વિશ્વ બંધુ’ તરીકે પોતાનું સ્થાન બનાવી રહ્યું છે, એમ પીએમ મોદીએ કહ્યું હતું. ભારત માટે આધુનિકતા તેનું શરીર છે, આધ્યાત્મિકતા તેનો આત્મા છે. જો આધુનિકતામાંથી આધ્યાત્મિકતાને દૂર કરવામાં આવે તો અરાજકતા જન્મે છે, એમ તેમણે કહ્યું હતું.


આ પણ વાંચો:
‘ભાજપ નરેન્દ્ર મોદીની પૂજા કરતો સંપ્રદાય બની ગયો છે’, કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમએ આવું કેમ કહ્યું?

ભ્રષ્ટાચાર અને ગરીબીના મુદ્દાઓ પર બોલતાં મોદીએ સમાજમાં ચોરી ન કરવા અને અહિંસાના આદર્શોને મજબૂત કરવાના મહત્ત્વને સમજાવ્યું હતું. જ્યારે વિકાસ તરફના ભારતના સંકલ્પને મજબૂત કરવા માટે આદરણીય સંતોના સમર્થનની હાકલ કરી હતી.

મોદીએ આબોહવા પરિવર્તનને સંબોધવા માટે ‘મિશન લાઇફ’ જેવી પહેલી અને વૈશ્ર્વિક ચળવળોમાં ભારતના નેતૃત્વના ઉદાહરણ તરીકે એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યના વિઝનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એવી ટિપ્પણી કરી હતી કે આજે ભારતે વૈશ્વિક ઉકેલો પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરીને વિશ્વ સમક્ષ ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’નું વિઝન રજૂ કર્યું છે.

જૈન ધર્મનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું, જૈન ધર્મનો સાર એ વિજયનો માર્ગ છે, વિજેતાઓનો માર્ગ છે. આ ભારત એ છે જે નીતિની વાત કરે છે, નેતૃત્વની વાત કરે છે.

ફેબ્રુઆરીમાં અવસાન પામેલા આચાર્ય વિદ્યાસાગર મહારાજને તેમણે અંજલી આપી હતી અને તેમની સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેમના આશીર્વાદ અમને દિશા દાખવે છે.

લોકસભાની ચૂંટણીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે દેશમાં લોકશાહીનો ઉત્સવ ચાલી રહ્યો છે અને દેશ માને છે કે અહીંથી ભવિષ્યની યાત્રાની શરૂઆત થઈ રહી છે.
(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button