નવી દિલ્હી: આઇપીએલની એ 17મી સીઝનમાં ટીમ-સ્કોરના વિક્રમ બે વાર તૂટ્યા અને બીજા ઘણા નવા રેકૉર્ડ રચાયા એટલે શનિવારે દિલ્હી કૅપિટલ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગ્સમાં શરૂઆતથી ઓપનર્સની આતશબાજી ચાલુ હતી ત્યારે લાગતું હતું કે ફાસ્ટેસ્ટ ફિફ્ટી કે ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો અથવા બન્નેનો નવો વિક્રમ પણ બન્યા વિના નહીં રહે.
અમૃતસરનો 23 વર્ષનો લેફ્ટ-હૅન્ડ બૅટર અભિષેક શર્મા 11 બૉલમાં બનાવેલા 46 રને ક્રીઝમાં હતો ત્યારે તેણે જો 12મા બૉલમાં ચોક્કો કે છગ્ગો માર્યો હોત તો તેણે હાફ સેન્ચુરી પૂરી કરી હોત અને એ સાથે તેણે 12 બૉલમાં ફિફ્ટી બનાવવાના યુવરાજ સિંહના આંતરરાષ્ટ્રીય વિક્રમની બરાબરી કરી લીધી હોત. એટલું જ નહીં, 12 બૉલમાં ફિફ્ટી બનાવવાની સાથે અભિષેકે આઇપીએલમાં સૌથી ઓછા 13 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરવાનો યશસ્વી જયસ્વાલનો 2023ની સાલમાં બનેલો રેકૉર્ડ પણ તોડી નાખ્યો હોત.
જોકે અભિષેકે શનિવારે કુલદીપ યાદવના બૉલમાં સિક્સર ફટકારીને પોતાનો સ્કોર 46 ઉપર પહોંચાડ્યા બાદ બીજા જ બૉલમાં કવરમાં કૅચ આપી બેઠો હતો. અક્ષર પટેલે એ નીચો કૅચ ડાઇવ મારીને પકડી લીધો હતો. ત્યાર પછી તો કુલદીપે એઇડન માર્કરમ અને ટ્રેવિસ હેડને પણ આઉટ કરીને હૈદરાબાદના રનમશીનને ધીમું પાડી દીધું હતું.
હૈદરાબાદે સાત વિકેટે 266 રન બનાવ્યા બાદ દિલ્હીની ટીમ 199 રનમાં આઉટ થઈ જતાં હૈદરાબાદનો 67 રનથી વિજય થયો હતો.
જોકે અહીં ખાસ કહેવાનું કે ટી-20 ફૉર્મેટમાં સૌથી ઓછા નવ બૉલમાં હાફ સેન્ચુરી નોંધાવવાનો વિક્રમ નેપાળના દીપેન્દ્રસિંહ એઇરીના નામે છે અને ત્યાર પછીના ક્રમે ખુદ અભિષેક શર્મા છે જેણે ઑક્ટોબર 2023માં રેલવે વતી રમીને અરુણાચલ પ્રદેશ સામે 11 બૉલમાં 50 રન પૂરા કર્યા હતા.
અભિષેક અને શુભમન ગિલ નાનપણમાં સાથે ઘણું ક્રિકેટ રમ્યા છે. અભિષેક માટે દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહ માર્ગદર્શક છે. અભિષેક ઘણી વાર યુવી સાથે જિમ્નેશિયમમાં જોવા મળે છે. યુવીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘મને અભિષેકમાં મારી ઝલક દેખાય છે.’
આઇપીએલમાં કોના છે ફાસ્ટેસ્ટ ફિફ્ટી?
(1) યશસ્વી જયસ્વાલ (રાજસ્થાન), 13 બૉલમાં, કોલકાતા સામે, 2023માં
(2) કેએલ રાહુલ (પંજાબ), 14 બૉલમાં, દિલ્હી સામે, 2018માં
(3) પૅટ કમિન્સ (કોલકાતા), 14 બૉલમાં, મુંબઈ સામે, 2022માં
(4) જેક ફ્રેઝર-મૅકગર્ક (દિલ્હી), 15 બૉલમાં, હૈદરાબાદ સામે, 2024માં