માલદિવ્સમાં મોહમ્મદ મુઈઝુની આજે કસોટી
માલદિવ્સમાં આજે સંસદીય ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે અને ‘ઈન્ડિયા આઉટ’ ઝુંબેશ ચલાવનારા પ્રમુખ મોહમ્મદ મુઈઝુ માટે સૌથી મુશ્કેલ કસોટી થવા જઈ રહી છે. તેમની પાર્ટીમાં ભારે આંતરિક વિખવાદો ચાલી રહ્યા છે. તેમની જ પાર્ટીના કેટલાક નેતાઓ ખુલ્લેઆમ ભારતની તરફેણ કરે છે, જ્યારે મુઇઝુ ચીન તરફી અને ભારોભાર ભારત વિરોધી વલણ અપનાવીને બેઠા છે.
ગયા વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ બન્યા બાદ મોહમ્મદ મુઈઝુએ સતત ભારત વિરુદ્ધ પ્રચાર કર્યો હતો. તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન માલદિવ્સના ભારત સાથે બગડતા સંબંધો મુખ્ય મુદ્દો રહ્યો હતો, તેથી આ સંસદીય ચૂંટણીમાં તેમની ‘ભારત વિરોધી’ નીતિની પણ કસોટી થશે.
હિંદ મહાસાગરના ખોળામાં આવેલું માલદિવ્સ ટૂરિઝમ માટે પ્રખ્યાત છે. ભારતના લોકોમાં માલદિવ્સનો ભારે ક્રેઝ જોવા મળે છે. હિરો-હિરોઇનો, તેમની સખી , સહેલીઓ ભાઇબંધો છાશવારે અહીં આવતા રહે છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં રિલેક્સ અનુભવે છે. આ ઉપરાંત અપર મીડલ ક્લાસના મોટા ભાગના ભારતીય પ્રવાસીઓ પણ માલદિવ્સની મુલાકાતે આવતા હોય છે. જોકે, જાન્યુઆરીમાં માલદિવ્સના મંત્રીઓની વડાપ્રધાન મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી બાદ બંને દેશોના સંબંધો બગડી ગયા હતા. અને ભારતે ‘માલદિવ્સનો બહિષ્કાર’ અભિયાન જોરશોરથી શરૂ કર્યું હતું, જેની સીધી અસર માલદીવના પ્રવાસન અને અર્થતંત્ર પર પડી હતી. માલદિવ્સની હાજરી ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વની છે, પરંતુ મુઈઝુની ભારત વિરોધી નીતિએ ભારતને વ્યૂહાત્મક રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. મુખ્ય વિપક્ષી માલદિવ્સ ડેમોક્રેટિક પાર્ટી (MDP)એ તો એવો પણ આરોપ લગાવ્યો છે કે ચીન માલદિવ્સમાં મિલિટરી પોર્ટ બનાવવાની તૈયારી કરી રહ્યું છે.
ઈન્ડિયા આઉટ કેમ્પેઈનના જનક અને માલદિવ્સના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન, જેમને ભ્રષ્ટાચારના આરોપમાં 11 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, તેમની સજા પણ કોર્ટે સ્થગિત કરી દીધી છે અને ગયા અઠવાડિયે તેમને મુક્ત કરવામાં આવ્યા છે. મોહમ્મદ મુઈઝુ અબ્દુલ્લા યામીનનો શિષ્ય છે. અબ્દુલ્લા યામીન જેલમાં હોવાને કારણે છેલ્લી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શક્યા ન હતા અને તેમણે પોતાના ઉમેદવાર તરીકે મેયર મોહમ્મદ મુઈઝુને પસંદ કર્યા હતા.
ALSO READ: ભારતના ઝટકામાંથી બહાર નથી આવી શક્યું માલદીવ્સ, પ્રવાસીઓને આકર્ષવા હવે આ યુક્તિ અજમાવશે
મોહમ્મદ મુઈઝુએ આ મહિને ચીનની સરકારી કંપનીઓને દેશમાં હાઈ-પ્રોફાઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ એનાયત કર્યા હતા અને તેઓ કેટલા મોટા ભારત વિરોધી નેતા છે એનો દેશવાસીઓને પરચો આપી દીધો હતો.
માલદિવ્સમાં હાજર લગભગ અડધાથી વધુ ભારતીય સૈનિકો પરત ફર્યા છે, જ્યારે બાકીના સૈનિકો પણ ભારત પરત ફરવાની તૈયારીમાં છે. મુઈઝુએ પણ આ મુદ્દાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે અને દરેક ભાષણમાં ભારતીય સૈનિકોની સંપૂર્ણ હટાવવાનો ઉલ્લેખ કર્યો છે.
મોહમ્મદ મુઇઝુ પહેલા, માલદિવ્સમાં ઇબ્રાહિમ સોલિહ હતા, જેઓ ભારત તરફી હતા અને તેમની ભારત તરફી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) વર્તમાન સંસદમાં બહુમતી ધરાવે છે. જો એમડીપીને સંસદમાં બહુમતી ન મળે તો મોહમ્મદ મુઈઝુ સંપૂર્ણપણે બેલગામ બની શકે છે અને પછી તે ભારત વિરોધી નિર્ણયો નિરંકુશ રીતે લઈ શકે છે.
જ્યારથી મુઇઝુ સત્તામાં આવ્યા છે ત્યારથી સંસદ તેમને સમર્થન નથી આપી રહી. મુઇઝુ માટે માથાનો દુખાવો તેની પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC)માં ચૈલા રહેલો આંતરિક વિખવાદ પણ છે. તમામ પક્ષો એકબીજા સામે લડી રહ્યા છે. આ જ કારણે સંસદમાં કોઈ એક પક્ષને બહુમતી મળવાની શક્યતાઓ ઘણી ઓછી છે.
માલદિવ્સની વર્તમાન સંસદમાં ભારત તરફી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) પાસે 44 બેઠકો છે અને તેણે અત્યાર સુધી મુઇઝુની લગામ તાણી રાખી છે. પરંતુ જો સંસદીય ચૂંટણીમાં તેમની બેઠરો ઘટશે તો ભારત માટે સારું નહીં થાય. માલદિવ્સમાં ચીનની ઘુસણખોરી વધશએ અને ભારત વિરોધી અભિયાનને વેગ મળશે.