Rameshwaram Cafe Blast: રામેશ્વર કાફે બ્લાસ્ટનું પાકિસ્તાની કનેક્શન! કોણ છે હેન્ડલર ‘કર્નલ’
નવી દિલ્હી: ગત મહીને બેંગલુરુના પ્રખ્યાત રામેશ્વર કાફેમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ(Rameshwaram Cafe Blast)ની તપાસ ઝડપથી આગળ વધી રહી છે. આ કેસમાં બે શકમંદોની ધરપકડના એક અઠવાડિયા બાદ, નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA) ઑનલાઇન હેન્ડલરની સાચી ઓળખ કરવાની પ્રયાસ કરી રહી છે. એક અહેવાલ મુજબ કથિત હેન્ડલરનું કોડનેમ ‘કર્નલ’ છે.
એજન્સીને શંકા છે કે કર્નલ નામનો શખ્સ રામેશ્વર કાફે બોમ્બ બ્લાસ્ટના કથિત માસ્ટર માઈન્ડ અબ્દુલ માથિન તાહા અને બોમ્બ પ્લાન્ટ કરનાર મુસાવીર હુસૈન શાજીબના સંપર્કમાં હતો. કર્નલ નામનો શખ્સ કથિત રીતે 2019-20માં ઇસ્લામિક સ્ટેટ(IS)ના અલ-હિંદ મોડ્યુલ સાથે જોડાયો હતો. કર્નલ નામનો શખ્સ દક્ષિણ ભારતમાં કેટલાક યુવાનોના ક્રિપ્ટો-વોલેટ્સમાં ફંડ મોકલી ધાર્મિક સંસ્થાઓ અને હિંદુ નેતાઓ પર હુમલા કરવા માટે પ્રેરિત કરતો હતો.
એક અહેવાલ મુજબ, NIAના એક અધિકારી જણાવ્યું કે નવેમ્બર 2022માં મેંગલુરુ ઓટો રિક્ષા બ્લાસ્ટ બાદ કર્નલ નામના હેન્ડલર વિશે જાણવા મળ્યું હતું, કથિત રીતે તે મધ્ય પૂર્વમાં ક્યાંકથી કામ કરે છે. સંભવતઃ તે અબુ ધાબીમાં છે.
એહેવાલ મુજબ કર્નલ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI સાથે મળીને નાના મોડ્યુલ બનાવીને ઇસ્લામિક સ્ટેટ (IS) જૂથની આતંકવાદી પ્રવૃત્તિઓને પુનર્જીવિત કરવાની કોશિશ કરી રહ્યો છે. ઓક્ટોબર 2023માં દિલ્હીમાં IS મોડ્યુલના ત્રણ સભ્યોની ધરપકડ બાદ આ વાત બહાર આવી હતી.
NIA તાહા અને શાજીબની 12 એપ્રિલે કોલકાતામાંથી કેફે બ્લાસ્ટમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરી હતી. હવે આ બંનેની “કર્નલ”, તેની ઓનલાઈન ઓળખ, ભાવિ આતંકવાદી યોજનાઓ અને શિવમોગ્ગા IS મોડ્યુલના અન્ય સભ્યો વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે.
NIAની ચાર્જશીટ મુજબ, તાહા અને શાજીબ અગાઉ 20 સભ્યોના અલ-હિંદ મોડ્યુલનો ભાગ હતા, જેણે દક્ષિણ ભારતના જંગલોમાં ISના મોડ્યુલની સ્થાપના કરવાની યોજના બનાવી હતી. પાશાને ‘ભાઈ’ નામના ઓનલાઈન હેન્ડલર પાસેથી સૂચનાઓ મળી રહી હતી. એજન્સીઓ હવે તપાસ કરી રહી છે કે શું “ભાઈ” અને “કર્નલ” એક જ હેન્ડલર છે?