શેર બજાર

વિશ્વ બજાર પાછળ ચાંદી રૂ. ૮૨૯ તૂટી, સોનામાં રૂ. ૧૪૧નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકા ખાતે ગત ઑગસ્ટ મહિનાનો ફુગાવો બજારની અપેક્ષાનુસાર આવવાની સાથે ફેડરલ રિઝર્વ આગામી નીતિ વિષયક બેઠકમાં વ્યાજદર યથાવત્ રાખશે એવો આશાવાદ સેવાઈ રહ્યો છે, પરંતુ તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં આવેલા વધારાને ધ્યાનમાં લેતાં આગામી ઑક્ટોબર-નવેમ્બર મહિનાની બેઠકમાં કેવું વલણ અપનાવશે તેની અનિશ્ચિતતા વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયા હતા અને વાયદામાં ૦.૩ ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં ૧.૫ ટકા જેટલો કડાકો બોલાઈ ગયો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતાં સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો, જેમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૧ અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૮૨૯ ઘટ્યા હતા.


બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૮૨૯ ઘટીને રૂ. ૭૦,૦૯૬ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારો નવી લેવાલીથી દૂર રહ્યા હતા અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ નિરસ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૧ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૮,૪૧૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૮,૬૫૦ના મથાળે રહ્યા હતા.


પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલની જ ૧૯૦૫.૪૯ ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને ૧૯૨૬.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને હાજરમાં ચાંદીના ભાવ ૧.૫૦ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૨.૪૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.


એકંદરે અમેરિકામાં ઑગસ્ટ મહિનાનો ફુગાવો બજારની અપેક્ષાનુસાર આવ્યો હતો, પરંતુ તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં જોવા મળી રહેલા વધારાને કારણે આગામી સપ્ટેમ્બર મહિનાના ફુગાવાની ચિંતા સપાટી પર આવતા ફેડરલ રિઝર્વ ઑક્ટોબર-નવેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદર વધારશે કે નહીં તેની તથા વર્ષ ૨૦૨૪માં ક્યાં સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખશે તેની અનિશ્ર્ચિતતાને કારણે સોનાના ભાવમાં ચંચળતાનું વલણ જોવા મળી રહ્યું હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું.


ફેડરલ રિઝર્વ આગામી ૧૯-૨૦ સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદર યથાવત્ રાખે તેવી શક્યતા ૯૭ ટકા બજાર વર્તુળો રાખે છે, જ્યારે નવેમ્બરની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા ૪૨ ટકા બજાર વર્તુળો રાખી રહ્યા છે. જોકે, હવે રોકાણકારોની નજર આગામી દિવસોમાં જાહેર થનારા અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સનાં ડેટા પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button