ઉત્સવ

અમાપ વ્યોમ સુધી વ્યાપેલા દુર્ગમ પહાડો વચ્ચે વસેલું મનમોહક સામ્રાજ્ય એટલે મિડલ લેન્ડ – સ્પિતિ

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

આજુબાજુનાં વૃક્ષો જાણે કુદરતના અંગરક્ષકો હોઈ એવી મુદ્રામાં વિરાજમાન દીસી રહ્યા છે. દૂર દેખાતા બરફાચ્છાદિત પહાડોમાં રહેલ મેગ્નેટ મને જાણે એની તરફ ખેંચતું હોય, મારું મન બુલેટના હેન્ડલ પર લાગેલા નાના નાના રંગબેરંગી ફ્લેગ્સની જેમ પવનના સંગીતમાં નાચતું હોય એવો ભાસ સ્પષ્ટપણે અનુભવી રહ્યો છું. આવા સમયે કોઈ દ્રશ્ય આંખે વળગી જાય અને બુલેટ સાઈડમાં એમ જ ઊભું રાખીને કોઈ નશીલાં કશ માફક એક ઊંડો શ્ર્વાસ કુદરતના ઘૂંટડા ભરતો હોઉ એવો અનુભવ મારા જીવનની શ્રેષ્ઠ ક્ષણોમાંની એક છે એમ માણી રહ્યો છું. હવે મને એમ જ લાગી રહ્યું છે કે જેટલા દૂર આ વાદીઓ, પહાડીમાં નીકળી પડ્યો છું એટલો જ હું ખુદની નજીક આવી રહ્યો છું.

મિડલ લેન્ડ સ્પિતિની આ જ તો ખાસિયત છે કે એ આ પ્રકારનો જાદુઈ અનુભવ દરેક જીવમાત્રને કરાવે છે. જીવંતતાને વિસરતાં જતા આપણે ભૌતિકતાના નશામાં ચૂર થઈ ગયા છીએ. નિસર્ગનાં સંપર્કમાં મળતા સૂકુનને ફાઈવસ્ટાર હોટેલ્સને મોંઘા રિસોર્ટમાં શોધવાની ખોટી મથામણમાં પડેલો આ માણસ કુદરતના સંપર્કમાં રહેતા જીવ આગળ બુદ્ધિમત્તાની સાપસીડીમાં થાપ ખાઈ બેઠેલો છે. એટલે જ થોડું સૂકુન પોતાને માટે શોધી કાઢવું જ જોઈએ તો જરૂરિયાતનું ચક્ર ક્યારેક નહીં થંભે.

ઊબડખાબડ રસ્તાઓ, બાળકો માફક દોટ લગાવતાં વાદળો, ક્યારેક ભૂખરાં તો ક્યારેક રાખોડી તો વળી ક્યારેક અવનવાં રંગો સજીને ઊભેલા પહાડો કોઈ નવા જ ગ્રહ પર આવ્યા હોઈએ એવો અનુભવ કરાવે જે આશરે ૧૨૭૭૪ ફૂટની ઊંચાઈ પરનાં અફાટ
સૌંદર્ય વચ્ચે એકલા અટૂલા હોવા છતાં
પોતાની જાતને મળી રહ્યા હોય એવું મહેસૂસ થાય ત્યારે આ સ્થળ પ્રત્યે આપોઆપ લગાવ થઇ જાય.

ભારતીય ઉપમહાદ્વીપ અને યુરેશિયા વચ્ચે એક મજબૂત દીવાલ તરીકે ઊભેલા હિમાલયમાં આશ્ર્ચર્યમાં ગરકાવ થઇ જવાય એવા ખુંદાયેલાં અથવા તો ન ખુંદાયેલ અઢળક સ્થળો આવેલાં છે. અહીં ખુલ્લા વિશાળ બર્ફીલા મેદાનો, ક્યાંક અવનવા રંગોના પથ્થરનાં પહાડો, ક્યાંક વાદળો સાથે હળીમળીને રહેતાં બર્ફીલા પહાડો તો વળી ક્યાંક સહેજ કોઈ આંગળી મારેને ઢળી પડે તેવા માટીના પહાડો આવું તો કેટકેટલુંયે વૈવિધ્ય હિમાલયમાં ભરેલું છે. જેણે હિમાલય જોયો જ નથી તેમના માટે કલ્પનામાં પણ ન સમાઈ શકે તેવી રચનાઓ કુદરતે અહીં કરી છે. આ પ્રદેશને સ્પિતિનાં નામે ઓળખવામાં આવે છે. આ પ્રદેશ જેટલો સૌમ્ય છે એટલા જ અહીંના લોકો પણ સૌમ્ય છે.

ભારત અને તિબ્બતની વચ્ચે આવેલો જમીનનો ટુકડો એટલે સ્પિતી વેલી જયાં કુદરતે ખુલ્લા મનથી રંગો પૂર્યા છે. દરેક મહિનામાં અહીં અલગ જ રંગોમાં કુદરત સજેલી દેખાય. સ્પિતિના દ્રશ્યો અન્ય પહાડી વિસ્તારોથી ખાસ્સા પ્રમાણમાં અલગ છે. અહીંની પહાડીઓ વૃક્ષરહિત અને બરફની સફેદ ચાદરોમાં વીંટળાયેલા પહાડોનો આ ઠંડોગાર વગડો છે.

હરિયાળી નહિવત હોવા છતાં અહીંનું સૌંદર્ય અદભુત અને મનને ઠારે તેવું છે. તેના માટે તો બસ એવું જ કે તમે ત્યાં ગયા વગર તે સ્થળને જાણી શકો પણ માણી ન શકો. મુખ્યત્વે બૌદ્ધ અને હિંદુધર્મનો પ્રભાવ અહીં જોવા મળે છે અને અહીંના બૌદ્ધ મઠો નજીકથી પસાર થતા પણ ૐ મણિ પદ્મે હમ મનમાં એક અલગ જ પ્રકારની ચેતના જગાવી જાય છે. ટૂંકમાં, હિમાલયમાં વસેલું આ ઠંડું રેગિસ્તાન આપણી કલ્પનાઓથી પરે છે.

હિમાચલ પ્રદેશનાં શિમલાથી સ્પિતિ જતા રસ્તાઓ પરથી નજર ક્ષણવાર માટે પણ હટે નહીં એવા સુંદર લેન્ડસ્કેપ નજર સમક્ષ શિમલા છોડતાં જ તરવરવા લાગે. શિમલાથી કિન્નોર વિસ્તારમાં પ્રવેશીએ કે ઠેર ઠેર રસ્તાની કિનારી પર જ લચી પડેલા સફરજનનાં વૃક્ષો દેખાય એને જોઈ એમ થાય કે આમાં ફળ વધુ છે કે પાન? આગળ રિકંગ પિયો, સાંગલા જેવાં સ્થળો પર પથ્થરની કુદરતી કોતરણીવાળા વિશાળ પહાડો વચ્ચેથી પસાર થતા વિશાળ સતલજ નદી આંગળી પકડીને કુદરતનાં અજોડ સર્જન એવા સ્પીતી વેલી તરફ દોરી જાય. અહીંના પહાડોએ મને લગભગ અવાચક કરી મુક્યો જાણે મારી વાચા સંપૂર્ણપણે હરાઈ ગઈ હોય. એક પછી એક વળાંકો લઈને કિન્નોર કૈલાસને પાછળ મૂકીને સ્પિતિ તરફ આગળ વધ્યો કે રસ્તાની સાથે સાથે કંપની આપતી સતલજ નદી એક ઊંડો રાગ છેડતી પ્રચંડ ધ્વનિ સાથે વહેતી હોય, વાદળો જાણે મારા જ સ્વાગતની તૈયારીઓમાં આમ તેમ દોડતા હોય એમ આ રસ્તાઓ પસાર કરતા કરતા ધીરે ધીરે કુદરતની અજાયબીમાં પ્રવેશ કર્યો. હા અહીં રસ્તાઓ થોડા અઘરા છે, ચોમાસામાં અને શિયાળામાં તો થોડી મુશ્કેલી જરૂર પડે પણ અહીંના સૌંદર્ય સામે એ મુશ્કેલી ખૂબ જ ઝાંખી છે.

આ રસ્તો વર્ષનાં ૩૬૫ દિવસો દરમ્યાન ચાલુ હોય છે. સ્પિતિના નાના નાના ગામડાઓમાં વસતા લોકોની જીવનશૈલી, તેમનું સંઘર્ષમય જીવન અને તેમની સાદગી તેમને આવી કુદરતી ભવ્યતાની ભેટ આપે છે. સ્પીતી સર્કિટની શરૂઆતમાં જ સૌથી પહેલા નાકો ગામ આવે છે. અહીં અંદાજે ૪૦ થી ૫૦ આસપાસ સુંદર ઘર છે, અહીંના લોકો ખૂબ જ પ્રેમાળ છે જ્યાં હોમસ્ટે લઈ શકાય અને અહીંની સ્થાનિક વાનગીઓ ખાઈને સ્થાનિક લોકો સાથે એકાદ દિવસ હિમાચલી મહેમાનગતિ માણી શકાય. ગામની વચ્ચે જ એક ખૂબ જ સુંદર તળાવ છે.

રિયો પુરઞાલના બર્ફીલા ઢોળાવમાંથી વહેતા પાણીથી સર્જાયેલા આ તળાવ આસપાસ મહાલવાની તક ચૂકાય એવી નથી. આ ગામ રિયો પુરઞાલ પહાડનાં બેકડ્રોપને શોભાવતું ગામ છે જે હિમાચલ પ્રદેશનો સહુથી વધુ ઊંચાઈ ધરાવતો પહાડ છે જેની ઊંચાઈ ૨૨૦૦૦ ફૂટ કરતાં પણ વધુ છે. અહીં એક નાનકડી મોનેસ્ટ્રી છે. અહીંનો સૂર્યોદય અને સૂર્યાસ્ત કોઈપણનાં માનસપટ પર ગજબની સ્મૃતિ ઉપસાવી જશે જાણે કુદરત જાતે જ ધરતી પર મહાલવા નીકળી પડે છે. આમ જોઈએ તો સ્પિતિના રસ્તાઓ જ તેનું આકર્ષણ છે સ્પિતિ ટ્રાવેલિંગ એટલે રોડ ટ્રાવેલિંગ.

મંઝિલ કરતા રસ્તાઓ ખૂબસૂરત લાગે એ સામાન્ય કહેવત અહીં સાચા અર્થમાં પરિપૂર્ણ છે. શહેરના ટ્રાફિકજામ અને સિગ્નલો વચ્ચે અટવાયેલા આપણે અહીં કંઈક અલગ જ શાતા મેળવીએ છીએ. નાકોથી આગળનો પડાવ તાબો ગામ આવે છે જ્યાં ખૂબ જૂની મોનેસ્ટ્રી છે, મેડિટેશનની ગુફાઓ છે તેને અજંતા ઓફ હિમાલયા પણ કહેવાય છે. અહીં ૧૦૦૦ વર્ષ આસપાસ જૂનાં ભીંતોચિત્રો, સ્કલ્પચર, પાંડુલીપીઓ વગેરે સચવાયેલા છે. તાબો મઠ હિમાલયના સૌથી જૂનાં મઠમાંથી એક છે. અહીં નજીકમાં જ ગ્યુ ગામમાં આવેલ ગ્યુ મોનેસ્ટ્રીમાં કોઈ પણ કૃત્રિમ રસાયણોના ઉપયોગ વગર સચવાયેલું ૫૦૦ વર્ષ જૂનું મમી મળી આવ્યું છે જેનાં નખ અને વાળ પણ વધી રહ્યા છે. સ્થાનિકોને મતે એ બૌદ્ધ સાધુ સાંધા તેનજીગનું મમી છે. સ્પિતિ વેલી આસ્થા અને અનેક રહસ્યોનું સંગમ છે.
સર્પાકાર રસ્તાઓની મજા માણતા માણતા આગળ વધીએ કે પિન અને સ્પિતિ નદીનાં સંગમ એવા ધનકાર પહોંચીએ કે આભા થઇ જઈએ એવાં દ્રશ્યો નજર સમક્ષ ખડાં થઇ જાય. પૃથ્વી કરતાં સાવ જ અલગ ધરતીની રચના હોય તે પ્રકારનાં દ્રશ્યો અહીં સર્જાય છે. અહીં આંખ પહોંચે એટલા વિશાળ પટમાં અલગ અલગ ધારાઓ ભેગી થઈને પિન અને સ્પિતિ નદી એકમેકમાં ભળે છે. અહીં સુધી પહોંચ્યા પછી શારીરિક થાક હોવા છતાં માનસિક રીતે એટલા પ્રફુલ્લિત થઇ જવાય છે કે જરા પણ થાકનો એહસાસ થતો નથી.

હજુ તો સ્પિતિની શરૂઆત થઇ છે ભારતની આ અનન્ય ભૂમિ પર શાબ્દિક અને વિઝ્યુઅલ સફરને આવતા અઠવાડિયે આગળ ધપાવીશું જેમાં વિશ્ર્વનાં સહુથી ઊંચા ગામ, વિશ્ર્વની સહુથી ઊંચી પોસ્ટ ઓફિસ, એશિયાનાં સહુથી ઊંચા સસ્પેનશન બ્રિજ અને આવા અવનવાં સ્થળો પર ભ્રમણ કરીશું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button