વિશ્ર્વના એક સૌથી પ્રાચીન ધર્મ પર ખતરો?
ઇરાક-ટર્કી- સીરિયામાં વસતા યઝીદી કોમના લોકો પર ત્યાંના મુસ્લિમ આતંકવાદીઓને ભારે તિરસ્કાર છે, કારણ કે એમણે ઇસ્લામ ધર્મ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો એટલે એમનું વ્યવસ્થિત સામૂહિક નિકંદન કાઢ્વામાં આવે છે…
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ
સીરિયાથી સમૂહમાં સ્થળાંતર કરી રહેલાં યઝીદીઓ, યઝીદીઓને પકડીને મુસ્લિમ આતંકવાદી એનું આ રીતે નિકંદન કાઢી નાખે છે.
આ જગતમાં ધર્મને આધારે ઘણી કોમનાં સામૂહિક નરસંહાર (જિનોસાઇડ) થાય છે. બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન યહૂદીઓથી માંડીને નેવુના દાયકામાં કાશ્મીરી હિન્દુઓને સામૂહિક રીતે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. વિશ્ર્વ આખાએ આવા ઘાતકી જાતિયનિકંદનની નોંધ લઈ એના પર ફિટકાર વરસાવ્યો છે.
જો કે, આ બધા વચ્ચે એક કોમનો નરસંહાર એવો છે જે વિશે બહુ ઓછાને ખબર હશે. યઝીદી કોમના સામૂહિક જાતિયનિકંદન અને એમના પર થયેલા અત્યાચાર વિશે આપણે જાણવું જોઈએ.
યઝીદી ધર્મ વિશ્ર્વનો એક સૌથી પ્રાચીન ધર્મ ગણાય છે. મોટાભાગના મધ્યપૂર્વના દેશોમાં વસેલા છે. એમની બહુમતી ઉત્તર ઇરાકમાં છે. આજ વિસ્તારમાં કૂર્દ વસતિ પણ છે. કૂર્દો સુન્નિ મુસ્લિમ ધર્મ પાળે છે. કેટલાક એવી દલીલ કરે છે કે યઝીદીઓ કૂર્દ વસતિનો જ એક ભાગ છે. યઝીદીઓ જે ભાષા બોલે છે એને ‘કૂમાનજી’કહે છે.
યઝીદીઓ એક જ દેવતામાં માને છે. એ લોકો માને છે કે પોતે જે શક્તિની પૂજા કરે છે એમણે જ પૃથ્વી ઉત્પન્ન કરી છે. યઝીદી કોમની સૌથી વધુ વસતિ ઇરાક-ટર્કી-સીરિયામાં છે. જો કે આ ત્રણે દેશમાં પણ એ લોકો અતિસૂક્ષ્મ લઘુમતીમાં છે. આ ત્રણે દેશના મુસ્લિમોને યઝીદીઓ પ્રત્યે ભારે તિરસ્કાર અને અણગમો છે. મુખ્ય કારણ એ છે કે યઝીદીઓએ ઇસ્લામ ધર્મ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. મધ્યપૂર્વના મુસ્લિમો માને છે કે યઝીદીઓ જે દેવતાની પૂજા કરે છે એ શેતાન છે ! ઇરાકમાં યઝીદીઓની સૌથી વધુ વસતિ હોવાનું કહેવાય છે,પરંતુ એ સંખ્યા પણ ૭૦ હજારથી માંડીને ૫ લાખ જેટલી જ છે. સીરિયામાં તો૧૫,૦૦૦ જેટલા યઝીદી જ રહી ગયા છે. જ્યોર્જિયા અને અર્મેનિયામાં પણ કેટલાક ગણ્યાગાઠ્યા યઝીદી છે.
છેલ્લાં થોડાં વર્ષ દરમિયાન આ શાંત અને નિરઉપદ્રવી કોમ પર ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા રાક્ષસી અત્યાચારો થયા છે. ‘યુનાઇટેડ નેશન્સ’ (યુ.એન.)ના કહેવા પ્રમાણે ‘ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ ધ લીવેન્ટ’ (‘આઇએસઆઇએલ’ અથવા તો ‘આઇએસઆઇએસ’) દ્વારા યઝીદી કોમનું નિકંદન કાઢવામાં આવ્યું છે. ઇરાકના કુર્દિસ્તાન વિસ્તારમાં રહેતા હજારો યઝીદીઓ પર અત્યાચાર કરીને એમને ભગાડવામાં આવ્યા છે. એમની હાલત આપણે ત્યાંના કાશ્મીરી હિન્દુઓ જેવી થઈ ગઈ છે. ‘આઇસીસ’ના આતંકવાદીઓએ યઝીદીઓની સ્ત્રીઓ તેમજ બાળાઓને શારીરિક સંબંધ બાંધવા માટે ગુલામ તરીકે રાખી છે ને હજારો યઝીદી પુરુષોને ક્રૂરતાથી મારી નાખ્યા છે. યઝીદી કોમનું ઇસ્લામ ધર્મમાં પરિવર્તન કરવાની જેહાદ વખતે આ બધા અત્યાચારો થયા છે.
૨૦૦૭ના એપ્રિલ મહિનામાં ઇરાકના મોસુલ શહેરથી એક બસનું અપહરણ કરવામાં આવ્યું. આ બસમાંથી મુસ્લિમ અને ખિસ્તીઓને ઉતારી નાખી બાકીના ૨૩ જેટલા યઝીદી પ્રવાસીને મારી નાખવામાં આવ્યા. ૨૦૦૭ના જ ઓગસ્ટ મહિનામાં ક્યુહાતનીયાહ અને જઝીરા વિસ્તારમાં ચાર ટ્રક ભરીને બોમ્બ લઈ જવામાં આવ્યા અને આ ટનબંધ બોમ્બના ધડાકાથી લગભગ ૫૦૦ જેટલા યઝીદીઓ સ્થળ પર જ મૃત્યુ પામ્યાં ને ૧૫૦૦ જેટલા ઇજાગ્રસ્ત થયા હતા. અમેરિકન સરકારના કહેવા પ્રમાણે આ હુમલો અલ-કાયદાના આતંકવાદીઓએ કરાવ્યો હતો.
૨૦૧૪ની ૩ ઓગસ્ટે ‘આઇસીસ’ના આતંકવાદીઓએ ઇરાકના સિનઝાર શહેર ઉપર હુમલો કરીને એનો કબજો લઈ લીધો હતો. આ વિસ્તારમાં યઝીદીઓની વસતિ સારા એવા પ્રમાણમાં હતી. અહીં હજારો યઝીદીઓના ગળા કાપી નાખવામાં આવ્યા. આશરે ૫૦ હજાર જેટલા યઝીદીઓ ઘરબાર છોડીને નજીકના પહાડી વિસ્તારોમાં ભાગી છૂટ્યા. અહીં પણ આઇસીસના આતંકવાદીઓએ એમને ઘેરીને એમને ભૂખ્યા રાખી મારી નાખ્યા હતાં.
૨૦૧૪ની ૪ ઓગસ્ટે યઝીદીઓના નેતા પ્રિન્સ તહેશીન સૈદ એમીરએ વિશ્ર્વના નેતાઓ સમક્ષ યઝીદી કોમને બચાવવા માટે અપીલ કરવી પડી હતી.૩જી ઓગસ્ટે ઇરાકના એક ગામડામાં રહેતા ૧૦ જેટલા યઝીદી કુટુંબીએ ભાગવાની કોશિશ કરી ત્યારે એમને ઘેરીને ૯૦ જેટલા પુરુષની હત્યા કરવામાં આવી એની સાથે ત્યાંની સ્ત્રીઓને ઊચકી લઈ જઈ એમને સેક્સ માટે ગુલામ બનાવી દેવામાં આવી હતી….
આવી તો યઝીદીઓની ઠેરઠેર હત્યા થઈ. પરિણામે ૨૦૧૪ ની ૧૦ ઓગસ્ટે ખુદ ઇરાકની સરકારે કબૂલ કર્યું હતું કે ‘આઇસીસ’ના આતંકવાદીઓએ અગણિત સંખ્યામાં યઝીદી સ્ત્રી-પુરુષ અને બાળકોને ઉત્તર ઇરાકમાં જીવતા દાટી દીધા હતા. આ હત્યાકાંડમાં ૫૦૦ યઝીદી માર્યા ગયા હતા. કેટલાક યઝીદીઓ ભાગીને કુર્દીશોનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ચાલ્યા ગયા હતા. એ જ વર્ષમાં૧૫ ઓગસ્ટે યઝીદીઓના ગામ ખોજો ખાતે આતંકવાદીઓએ જઈને એમને ધર્મપરિવર્તન કરવા દબાણ કર્યું હતું, પરંતુ ધર્મપરિવર્તન કરવા માટે યઝીદીઓ સહમત ન થયા તો ૮૦ જેટલા યઝીદીના માથા કાપી નાખવામાં આવ્યા હતા. જે કેટલાક કુર્દીશોએ ડરના માર્યા ધર્મપરિવર્તન કર્યું એમને ‘આઇસીસ’ ના સૈનિક તરીકે લડવા માટે સીરિયા મોકલી આપવામાં આવ્યા…
એમ કહેવાય છે કે યઝીદીઓના નિકંદન માટે સ્થાનિક સુન્નીઓએ પણ ‘આઇસીસ’ના આતંકવાદીઓને પૂરો સહકાર આપ્યો હતો. શરૂઆતમાં સુન્નીઓ યઝીદીઓને ભરમાવીને ગામ છોડવા દેતા નહોતા અને પછી આતંકવાદીઓને બોલાવીને એમને મરાવી નાખતા હતા.
દુનિયામાં થયેલા બીજા સેંકડો જાતિય નિકંદનોની જેમ યઝીદીઓના ય નિકંદનનું સત્ય અને હકીકત પણ દરેક માનવતાવાદી સુધી પહોંચવી જોઈએ.