ઉત્સવ

વાનર કુળના મહાબાહુ – ચિમ્પાન્ઝી

નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી

લગભગ પચાસેક વર્ષ પૂર્વે સમજણો થયા બાદ માતા પિતા સાથે પ્રથમવાર ગુજરાતનું મહાનગર અમદાવાદ જોયું. મોટા મોટા રોડ, ધસમસતી દોડતી બસો, ગાડીઓ, સાયકલ રિક્ષાઓ અને ઘોડાગાડીઓનો ટ્રાફિક જોઈને હુ દંગ રહી ગયેલો. હટાણું પતાવીને મેં પહેલી વાર કાંકરિયા લેક, નગીનાવાડી અને પ્રાણી સંગ્રહાલય જોયું. વામન કદના ઘોડાની સવારી કરીને લાગતું જાણે જંગ જીત્યા.

અચરજભરી બકરાગાડીની સફરનો રોમાંચ આજે પણ સ્મૃતિપટલ પર એકદમ તાજો છે. સસ્તી લારી પર ભોજન કરીને અમે કાંકરિયામાં પ્રવેશ કરેલો. એન્ટર થતાં જ અનેક પ્રકારના પંખીડાઓ, વાંદરાઓ, સિંહ, વાઘ, દીપડા, શેઢાડી, રીંછ, હિપોપોટેમસ, શાહમૃગ, જળબિલાડીઓ, મોં ફાડીને પથ્થરની મૂર્તિની જેમ બેઠેલા મગર જોઈને મારી મોટી મોટી આંખો કૌતુક અને આચારજથી હતી તેના કરતાં પણ મોટી થઈ ગયેલી. પરંતુ આ સૌ પ્રાણીઓની અજાયબ દુનિયા વચ્ચે એક દૃશ્ય મારા બાળમાનસમાં સજ્જડ ચીટકી ગયું હતું. એક પાંજરામાં અદ્દલ માણસ જેવો દેખાયતો વાંદરો એક શિલાને અઢેલીને બેઠેલો અને એ સિગારેટ ફૂંકતો હતો ! ત્યારે મને જે મજા આવી હતી તે કદાચ કોઈ પ્રાણીને માનવવેડા કરતું જોઈને થાય એવી મજા હશે . . . ત્યારે જાણેલું કે પ્રાણીસંગ્રહાલયમાં રહેલા અનેક પ્રકારના વાનરોમાંનો આ બીડીફુંક વાંદરો આપણો વડવો ચિમ્પાન્ઝી હતો.

આપણે વાનરને આપણા પૂર્વજ કહીએ છીએ તે પ્રાઈમેટની વ્યાખ્યામાં હકીકતમાં એકમાત્ર ચિમ્પાન્ઝી ગણાય છે. આ થીયરી અંગે જાણ્યા બાદ વૃક્ષો પર તોફાન કરતાં વાનરો દેખાય તો ક્યારે એકાદ વાંદરું ઉતરીને માણસ બની જાય એ જોવા કલાકો સુધી એમને જોયા કરતો! આમ જોઈએ તો ચિમ્પાન્ઝી એ માણસ અને વાનરોને જોડતી કડી જેવા ગણ્યા ગાંઠ્યા વાનરોની જાતિમાંનો એક જીવ છે. ઉત્ક્રાંતિવાદના સંશોધકો અને વૈજ્ઞાનિકોના આજ પર્યંત ચાલતા સંશોધનોનું કેન્દ્ર ચિમ્પાન્ઝી રહ્યા છે. એક આડવાત કરું તો, તાજેતરમાં જોયેલું આદિપુરુષ નામની ફિલ્મ જોતાં થોડા ટેકનિકલ મુદ્દાઓ ધ્યાન પર આવેલા.

આ ફિલ્મમાં દેખાડવામાં આવેલી વાનરસેનાના વાંદરાઓ જાતિની દૃષ્ટિએ ગોરિલા અને ચિમ્પાન્ઝી હતાં. હકીકતે ભારતમાં નથી ગોરીલા જોવા મળતા કે નથી ચિમ્પાન્ઝી. ફિલ્મ બનાવતી વખતે આ ટેકનિકાલિટીનું ધ્યાન રખાયું નથી. એવરેજ પ્રેક્ષકને આ વાત ઉડીને આંખે ન વળગે, પરંતુ મારા જેવા પ્રકૃતિપ્રેમી અને ખાણખોદીયા પ્રેક્ષકો માટે આવી ભૂલો ફિલ્મનો મૂડ મારી નાંખે. ચાલો ખોટા વાંદરા દેખાડવા છતાં ફિલ્મ કરોડોનો વેપલો કરી ગઈ હતી. આજે આપણે આપણા પૂર્વજ એવા ચિમ્પાન્ઝી અંગે જાણી-અજાણી વાતો જાણીએ?

ચિમ્પાન્ઝી માત્ર આફ્રિકા ખંડના લગભગ તમામ એકવીસે એકવીસ દેશોમાં જોવા મળે છે. આ તમામ આફ્રિકન દેશોની ભૂગોળ સાવ નોખી અનોખી છે. કેટલાક દેશોમાં અડાબીડ વર્ષાવનો છે, તો કેટલાંક દેશોમાં ઘાસિયા મેદાનો છે, અને કેટલાંક દેશોમાં સામાન્ય જંગલોમાં પણ ચિમ્પાન્ઝી વસે છે. ચિમ્પાન્ઝીની કુલ મળીને ચારેક પેટાજાતિઓ જોવા મળે છે. મોટે ભાગે આ જાતિઓનું વર્ગીકરણ તેઓ આફ્રિકાના કયા પ્રાંતમાં રહે છે તેના પરથી નક્કી થયું છે. પ્રથમ તો પૂર્વ આફ્રિકાના ચિમ્પાન્ઝી, બીજા પશ્ર્ચિમ આફ્રિકાના ચિમ્પાન્ઝી, ત્રીજા છે મધ્ય આફ્રિકાના ચિમ્પાન્ઝી અને અંતે ચોથી જાતિ છે નાઈજીરિયા-કેમરુન ચિમ્પાન્ઝી. વૈજ્ઞાનિકોના અભ્યાસોમાંથી નીકળી આવેલા તરણોમાંના થોડા તારણો એવા છે જે આપણને જાણવા ગમશે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે પ્રાણી-જગતના તમામ પ્રાણીઓમાં ચિમ્પાન્ઝી એવું પ્રાણી છે જેના ડી.એન.એ. માનવ નામના જાનવર સાથે ૯૮% સમાનતા ધરાવે છે. મતલબ કે આપણું અને ચિમ્પાન્ઝીઓનું શારીરિક બંધારણ લગભગ લગભગ
એકસમાન છે.

અગાઉ એક એપિસોડમાં આપણે કાગડાની ચતુરાઈ અંગે જાણેલું, તો કાગડાની માફક ચિમ્પાન્ઝી પણ પ્રાણી જગતમાં ચતુર પ્રાણી છે. કહેવાય છે કે ચિમ્પાન્ઝી માનવબાળ જે રીતે ઉછરતી વખતે શીખવાની પ્રક્રિયામાંથી પસાર થઈને ઘડાય છે તે જ રીતે ચિમ્પાન્ઝી પણ અનુભવોના આધારે જ જીવનના પાઠ શીખે છે અને તે જ્ઞાનના આધારે ભવિષ્યમાં પોતાનું વર્તન અને વર્તણૂંકમાં ફેરફારો લાવે છે. દા.ત. ચિમ્પાન્ઝી માછલી પકડવા કે ઊધઈનો શિકાર કરવા માટે વૃક્ષની ડાળીનો ઉપયોગ કરી શકે છે. અખરોટ જેવા ફળોને તોડવા માટે પથ્થરનો ઉપયોગ કરે છે, ઓછા પાણીનો ઉપયોગ કરવા વૃક્ષના પાંદડાનો ઉપયોગ કરવો જેવા ઉદાહરણો તેમની બુદ્ધિશક્તિનો પરિચય આપે છે. તેને કોઈ વસ્તુ કયાં પડી છે તે યાદ રાખી અને તે માહિતીના આધારે આગળના નિર્ણયો લેતા પણ આવડે છે.

શારીરિક બળની વાત કરીએ તો ચિમ્પાન્ઝી માનવ કરતાં દોઢથી બે ગણું બળ ધરાવે છે. તેમની લંબાઈ ત્રણ થી લઈને સાડાચાર ફૂટની હોય છે, અને વજન ચાલીસ થી લઈને અઠ્ઠાવન કિલો જેટલું હોય છે.

ચિમ્પાન્ઝીમાં માદાનું કદ નાનું હોય છે અને નરનું કદ મોટું હોય છે, અને તેઓ પોતાનું મોટાભાગનું જીવન વૃક્ષોની ઘટાઓમાં વિતાવતા હોય છે. કોઈ પ્રાણીનું મોટાભાગનું જીવન જ્યારે વૃક્ષોની ઘટાઓમાં વિતાવવાનું હોવાથી તેમના માટે બળ અને ઝડપ ખૂબ જ મહત્વના હોય છે. આ કારણોસર તેમના શરીરની રચના થોડી અલગ છે. તેમના શરીરનો કમર સુધીનો ભાગ લાંબો હોય છે અને પગ ટૂંકા હોય છે. અને તેમના હાથ મહાભારતના અર્જુનની માફક ઢીંચણથી પણ નીચે સુધી પહોંચે એટલા લાંબા હોય છે. અને અર્જુનનું નામ મહાબાહુ પાડવાનું કારણ એજ હતું કે અર્જુનના હાથ પણ એટલા લાંબા હતી કે તેના ઢીંચણ સુધી પહોંચી જતા હતાં, અને તેથી જ મેં આ આર્ટિકલના શીર્ષકમાં તેમને વાનર જગતના મહાબાહુ તરીકે
વર્ણવ્યા છે.

ચિમ્પાન્ઝીની પોતાની અલાયદી સમાજ વ્યવસ્થા હોય છે. તેમના ટોળામાં એકસો જેટલાં સભ્યો હોઈ શકે છે. અન્ય પ્રાણીઓની માફક આ જૂથનો નેતા માત્ર શારીરિક રીતે બળવાન હોય એ જરૂરી નથી હોતું, પરંતુ જૂથનો નેતા અત્યંત બુદ્ધિશાળી હોવો જરૂરી છે. ચિમ્પાન્ઝીના જૂથોમાં પોતાની આગવી પ્રત્યાયન પ્રણાલી હોય છે, જેમાં અલગ અલગ પરિસ્થિતિઓમાં અલગ અલગ પરંતુ ચોક્કસ પ્રકારના અવાજોની મદદથી તેઓ વાતચીત અને સંદેશા પસાર કરે છે. તેઓ પોતાના જૂથને ખૂબ વફાદાર હોય છે. દરેક જૂથનો ચોક્કસ વિસ્તાર બાંધેલો હોય છે, અને એ વિસ્તારમાં ભૂલેચૂકે કે ઈરાદાપૂર્વક આવી ગયેલો અન્ય જૂથનો ચિમ્પાન્ઝી જો પકડાઈ જાય તો તેની જે દશા થાય એ જોઈને તો આપણા પણ રૂંવાડા ખાડા થઈ જાય. પોતાના વિસ્તારના રક્ષણ માટે નર ચિમ્પાન્ઝીઓની ટોળી સતત પેટ્રોલિંગ કરે અને જો કોઈ પકડાયું તો તેને આયોજનબદ્ધ રીતે ઘેરીને તે ઘૂસપેઠીયાના ટુકડે ટુકડા કરીને તેને ખાઈ જાય છે.

હવે વાત કરીએ એક એવી નારીની જેણે ચિમ્પાન્ઝી અંગેના સંશોધનોમાં ક્રાંતિ લાવી દીધેલી. તેનું નામ છે ડો. જેન ગુડઓલ. આ સંશોધકે આફ્રિકામાં ગોમ્બે સ્ટ્રીમ નેશનલ પાર્કમાં ચિમ્પાન્ઝીઓના થોડા જૂથો સાથે એટલી આત્મીયતા કેળવી લીધી હતી કે ચિમ્પાન્ઝીઓ તેને પણ ચિમ્પાન્ઝી જ માનતા. જેને ચિમ્પાન્ઝીઓ અંગે અમુક ગૂઢ બાબતોમાં તેમની સાથે રહીને જે પ્રકાશ પાડ્યો તે ખરેખર ખૂબ ઉપયોગી પુરવાર થયેલો. પરંતુ દુખની વાત એ છે કે જેનનું કાર્ય ચિમ્પાન્ઝીઓ વચ્ચે જ હોવાથી શિકારીઓને તે આંખમાં
કણાની જેમ ખૂંચતી હતી, અને તેથી જ ચિમ્પાન્ઝી અને ગોરિલાઓના શિકારીઓએ તેની આફ્રિકાના જંગલોમાં ક્રૂર હત્યા
કરેલી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button