ઉત્સવ

હાય રે વર્દી : સત્તાની ગર્મી

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: ડંડા સામે કોઇ ફંડા ન ચાલે. (છેલવાણી)
એક બાળકે પપ્પાને પૂછ્યું,‘પોલીસ હંમેશાં ઘટનાસ્થળે ગુનો થયા પછી જ કેમ
આવે છે?’

‘કપડાં બદલીને આવતા વાર તો લાગે ને?’ પપ્પાએ કહ્યું.

પાકિસ્તાનમાં જ્યારે લશ્કરી શાસન નહોતું ત્યારે પોલીસવાળાઓ પર આવા જોક બનતા. જો કે આપણે ત્યાં પોલીસની હાલત નિરાળી છે. જેમ કે- હમણાં પાંચ પોલીસવાળાઓ આગ્રા-મુંબઈ હાઈ-વે પર ઢાબા પર જમ્યા પછી ‘રાયતું’ મંગાવ્યું પણ એને પીરસતા થોડું મોડું થયું એટલે એ પાંચેય પોલીસવાળાઓ, જે નશાની હાલતમાં હતા, એમણે ઢાબાવાળાંના વેઈટરની સાથે ગાળા-ગાળી કરી ને મારવાનું શરૂ કર્યું. ત્યાં બીજા લોકોએ, ઢાબાના માલિક અને કર્મચારીઓનો બચાવ કર્યો તો પોલીસવાળાઓએ એમને પણ માર માર્યો. ટૂંકમાં, હિંદીમાં ‘છોટી-સી બાત કા રાયતા ફૈલ ગયા’-કહેવાય છે, એમ અહીં તો ખરેખર એક રાયતાની ડિશને લીધે પોલીસનો રાયતો ફેલાઇને ફજેતો થઇ ગયો!

૨૫-૩૦ વર્ષ પહેલાં મોડી રાત્રે મુંબઈની પાંઉભાજીની લારીવાળાએ પોલીસને ગરમ પાંઉ આપવામાં મોડું કર્યું એટલે પોલીસવાળાએ, સર્વિસ રિવોલ્વરથી પાંઉભાજીવાળાને પતાવી દીધો. ખાલી એક ગરમ પાંઉ માટે હત્યા થઈ હોય એવી આ જગતની પહેલી ઘટના હશે. જો કે, ગરમ મિજાજવાળા
પોલીસ, ગરમ પાંઉ માટે હત્યા ના કરે તો શું ઠંડી આઈસક્રીમ માટે કરે?

૧૯૯૦ના દાયકામાં, મુંબઈના ગુજરાતી છાપામાં એક હેડલાઈન હતી: પોલીસની ઇમાનદારી!’ કોઇ પોલીસવાળાને પાકીટ મળેલું , જેમાં ૧૦,૦૦૦ રૂ. હતા. પોલીસવાળાએ જેનું પાકીટ હતું એને બોલાવીને પૈસા ને પર્સ પાછા આપ્યા. ત્યારે સમાજમાં સવાલ ઉઠેલો કે ‘પોલીસની ઇમાનદારી’ જેવી હેડલાઇન શું કામ? સમાજમાં જો પોલીસવાળો જ ઇમાનદાર
નહીં હોય તો બીજું કોણ
હશે?

ઇંટરવલ:
હાય યે ક્યા કર બૈઠા ઘોટાલા,
યે તો હૈ થાનેદાર કા સાલા. (શૈલેન્દ્ર)
૧૯૯૪માં ‘નુક્કડ-૨’ ટીવી. સિરિયલમાં અમારી સાથે એક સિનિયર લેખક હતા, ઈનાયત અખ્તર. બહુ ભલા માણસ , પણ એમના વિચારો સામ્યવાદી હતા. જ્યારે ઇંડો-ચાઈના વોર થઈ હતી ત્યારે મુંબઈ પોલીસને સામ્યવાદીઓ પર નજર રાખવા માટે ખાસ સૂચના અપાયેલી એટલે ઈનાયત અખ્તર પર પણ નજર રાખવાનું ફરમાન આવ્યું. ઈનાયતજી બિચારા લેખક એટલે સવારે પ્રકાશક પાસે જાય, કોઈ મુશાયરામાં જાય કે કોઈ શાયર મિત્રને મળે ને મોડી રાત્રે ઘરે આવે. પોલીસવાળાઓ ઇનાયતજીની પાછળ પાછળ, એ ચા પીવા જાય ત્યાં, ફૂટપાથ પર ચણા ખાય ત્યાં બધે ૩-૪ દિવસ સતત પીછો કર્યો. આખરે, ઈનાયતજીને ખબર પડી ગઈ કે ૩-૪ લોકો એમનો પીછો કરે છે. ઈનાયતજી રહ્યા લેખક એટલે એમને થયું કે હવે આની મજા લઈએ. હવે તો એ રોજ જુદા જુદા રસ્તે ઘરે જાય, અલગ અલગ દિશામાં ફરવા જાય, ક્યારેક જુહુ દરિયા કિનારે તો ક્યારેક ‘ગેટ વે ઓફ ઇન્ડિયા’ પર પહોંચી જાય. એમણે ૭ દિવસ પોલીસવાળાઓને ફેરવી ફેરવીને થકવી નાખ્યા. પછી તેમણે પોલીસવાળાઓને કહ્યું, ‘જુઓ ભાઈ, હું સામાન્ય ગરીબ લેખક છું. ચાઇના તો શું ચંદીગઢ પણ ગયો નથી કે નથી મારા ઘરે ફોન તો મારી પાછળ પડી તમારો સમય ને તાકાત વેડફો નહીં.’ જ્યારે એક લેખકની પાછળ પોલીસ પડે છે ત્યારે લેખક, પોલીસથી બે ડગલાં આગળ હોય છે.

પોતાના દમદાર ડાયલોગ માટે પ્રખ્યાત એવા સ્ટાઇલિસ્ટ એક્ટર રાજ કુમાર, અભિનેતા બનતા પહેલાં, મુંબઇના માહિમ પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર હતા. એક દિવસ એમણે ગુસ્સામાં કોઇ ગુનેગારને થપ્પડ મારી અને એ નીચે પડી ગયો ને મરી ગયો! રાજકુમારનો પેલાને મારી નાખવાનો કોઇ ઈરાદો નહોતો પણ પછી એમને જેલ થઈ. ‘મધર ઇંડિયા’ જેવી મહાન ફિલ્મનાં નિર્દેશક મેહબૂબ ખાન, રાજકુમારને જેલમાંથી ૧-૨ દિવસ શૂટિંગ માટે જેમતેમ લઈ આવતા. પછી તો રાજકુમાર કેસમાંથી છૂટી ગયા અને પછી ‘ઈતિહાસ’ કે ‘પોલીસ ઔર મુજરિમ’ જેવી અનેક ફિલ્મોમાં ઇન્સ્પેક્ટ તરીકે કામ પણ કર્યું. આ પણ એક વિધિની વક્રતા છેને?

મરાઠી વાર્તાકાર દ.ન.પનવલકરે ‘સૂર્ય’ નામની માત્ર બે જ પાનાંની વાર્તા લખી હતી એના પરથી નિર્દેશક ગોવિંદ નિહલાની અને લેખક વિજય તેંડુલકરે અદ્ભુત સ્ક્રિપ્ટ લખી ‘અર્ધસત્ય’. જે અત્યાર સુધી ભારતમાં પોલીસ સિસ્ટમ પર બનેલી શ્રેષ્ઠ ફિલ્મ છે. ત્યારે સુપર-સ્ટાર અમિતાભને શૂટિંગ દરમ્યાન પેટમાં ગંભીર ચોટ લાગેલી એ બહુ ચર્ચિત ફિલ્મ ‘કૂલી’ની સામે અભિનેતા ઓમ પુરીની ‘અર્ધસત્ય’ નામની નાની ફિલ્મ રિલિઝ થયેલી તો પણ એ ફિલ્મે, મોટાં શહેરોમાં ‘કૂલી’ જેટલો જ બિઝનેસ કરેલો! એકપણ ગીત કે રોમાન્સ વિનાની જલદ ફિલ્મ ‘અર્ધસત્ય’ લોકોને ખૂબ ગમેલી કારણ કે એમાં પોલીસના અંતરમનની દ્વિધા અને સિસ્ટમમાં પોલીસવાળાઓ પણ કઇ રીતે રીબાતા હોય છે એની પહેલીવાર હિંદી સિનેમામાં વાર્તા આવેલી, જેમાં મરાઠી કવિ દિલીપ ચિત્રેની અદ્ભુત કવિતા હતી:
ચક્રવ્યૂહ મેં ઘુસને સે પહેલે/ કૌન થા મૈં ઔર કૈસા થા,
યે મુઝે યાદ હી ન રહેગા/ચક્રવ્યૂહ મેં ઘુસને કે બાદ,
મેરે ઔર ચક્રવ્યૂહ કે બીચ/સિર્ફ જાનલેવા નિકટતા થી,
ઇસકા મુઝે પતા હી ન ચલેગા/ચક્રવ્યૂહ સે બાહર નિકલને પર,
મૈં મુક્ત હો જાઉં ભલે હી/ફિર ભી ચક્રવ્યૂહ કી રચના મેં ફર્ક હી ન પડેગા/મરું યા મારું/મારા જાઉં યા જાન સે માર દૂં/ઈસકા ફૈસલા કભી ના હો પાયેગા/સોયા હુઆ આદમી જબ નીંદ સે ઉઠકર ચલના શુરુ કરતા હૈ/તબ સપનોં કા સંસાર ઉસે દુબારા દિખ હી ન પાયેગા.

ઉસ રોશની મેં, જો નિર્ણય કી રોશની હૈ/સબકુછ સમાન
હોગા ક્યા?/એક પલડે મેં નપૂંસકતા..
દૂસરે પલડે મેં પૌરુષ,ઔર ઠીક તરાઝૂ કે કાંટે પર.. અર્ધસત્ય?

એંડ-ટાઇટલ્સ:
આદમ: તું મારા પર
ચોકી કરે છે?
ઈવ: ના, નજર રાખું છું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો…