નેશનલ

વાત એવા દેશની જ્યાં આળસુ નં-1ને મળે છે મોટું ઇનામ

હેડિંગ વાંચીને ચોંકી ગયાને તમે? તમને લાગશે કે આ કેવી ધડમાથા વિનાની વાત છે કે કોઇ દેશમાં આળસુ નં-1ને મોટું ઇનામ મળે છે. અરે પણ ભાઇ આ સાચી વાત છે. આપણે આ વિશે વિગતવાર જાણીએ.

દરેક વ્યક્તિ આરામ કરવાનું બહાનું શોધે છે, પરંતુ કોઈ તેને આળસુ કહે તો તે કોઈ પચાવી શકતું નથી. આ સૌથી મોટું સત્ય છે. તેનાથી ઉલટું, આ દુનિયામાં એક એવો દેશ છે જ્યાં લોકો આડા પડવાનો કંટાળો આવે છે અને તેમ છતાં આડા પડ્યા રહે છે. તમને થશે કે કેમ તો એનો જવાબ એ છે કે આ લોકોને પોતાને સૌથી મોટો આળસુ માણસ સાબિત કરવો છે. આ લોકોએ એવી સ્પર્ધામાં ભાગ લીધો છે, જ્યાં સૌથી વધુ આળસુ વ્યક્તિને ઇનામ આપવામાં આવે છે. સાંભળવામાં અને વાંચવામાં થોડું અજીબ લાગશે, પરંતુ એ વાત એકદમ સાચી છે કે ખાવું, પીવું, વાંચવું કે મોબાઈલ ફોન કે લેપટોપ પર કામ કરવું, બધું જ કામ તમારે સૂતા સૂતા જ કરવું પડે છે. જો તમે બેઠા કે ઊભા થયા તો તમે સ્પર્ધામાંથી બહાર ફેંકાઇ જશો.
પથારીમાં સૂવાની આ અનોખી સ્પર્ધા હાલમાં યુરોપના ઉત્તરી મોન્ટેનેગ્રોના બ્રેજના નામના રિસોર્ટ ગામમાં ચાલી રહી છે.


હાલમાં આ સ્પર્ધાની 12મી સીઝન ચાલી રહી છે. આ સ્પર્ધાના આયોજકે જણાવ્યું હતું કે ‘મોન્ટેનેગ્રોના લોકો આળસુ છે’ એવી માન્યતાની મજાક ઉડાવવા માટે વર્ષ 2011માં આ અનોખી સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી. લોકો પોતાને સૌથી આળસુ વ્યક્તિ તરીકે સાબિત કરવાની સ્પર્ધામાં અહીં પડ્યા રહે છે. જો કે, આ વર્ષે આ અનોખી સ્પર્ધામાં કુલ 21 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, પરંતુ અત્યાર સુધીમાં 14 જણ બહાર થઈ ગયા છે.

આ સ્પર્ધામાં ભાગ લેનારાઓને કંઇ પણ ખાવા, પીવાની, પુસ્તક, અખબાર વાંચવાની, મોબાઇલ, લેપ્ટોપનો ઉપયોગ કરવાની છૂટ છે, પણ આ બધું તેમણે સુતા સુતા જ કરવાનું છે. દર 8 કલાકે 10 મિનિટનો તેમને બાથરૂમ બ્રેક મળે છે. આયોજકોના જણાવ્યા અનુસાર આ સ્પર્ધામાં વિજેતા બનનારને 1,070 ડૉલરનું ઇનામ મળશે. ભારતીય ચલણ મુજબ આશરે 89,000 રૂપિયાનું ઇનામ મળશે. હવે આટલા બધા રૂપિયા તમને માત્ર પડી રહેવા માટે મળતા હોય તો લોકો આવી સ્પર્ધામાં ભાગ લેવા લલચાય જ ને!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button