પૉન્ટિંગે રોહિતના મત સાથે અસંમત થતાં કહ્યું, ‘ખરો જવાબ પ્રેક્ષકો આપી શકે’
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જે નવા નિયમો બને છે અથવા જૂના નિયમોમાં જે ફેરફાર થાય છે એને મંજૂરીની મહોર છેલ્લે આઇસીસી તરફથી તેમ જ ખાસ કરીને ઇંગ્લૅન્ડની મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (એમસીસી) તરફથી મળે છે. જોકે આઇપીએલ ભારતની પ્રાઇવેટ લીગ ટૂર્નામેન્ટ છે એટલે એમાં કેટલાક અલગ પ્રકારના નિયમો વિશે ઝીણવટથી અભ્યાસ કરીને એ લાગુ કરવામાં આવે છે.
2023માં ‘ઇમ્પૅક્ટ પ્લેયર’નો નિયમ અમલમાં મૂકવામાં આવ્યો ત્યારથી એમાં મત-મતાંતર જોવા મળ્યા છે. આ વખતે પણ એવું બન્યું છે. બે દિવસ પહેલાં રોહિત શર્માએ ‘ઇમ્પૅક્ટ પ્લેયરનો નિયમ મને પસંદ નથી, એનાથી ભવિષ્યમાં ઑલરાઉન્ડર્સની ગેમમાં પ્રગતિ થતી અટકી જશે, ક્રિકેટની રમત 11-11 ખેલાડીઓ વચ્ચેની છે અને નહીં કે 12-12 પ્લેયર વચ્ચેની,’ એવું કહીને એ વિશે રોહિતે જે કારણો આપ્યા એને ધ્યાનમાં લઈને દિલ્હી કૅપિટલ્સના ટીમ-ડિરેકટર રિકી પૉન્ટિંગે પ્રત્યાઘાત આપ્યો છે.
ઇમ્પૅક્ટ પ્લેયરના નિયમ હેઠળ આઇપીએલની ટીમ પોતાની ઇનિંગ્સ દરમ્યાન એક પ્લેયરને (બોલરને કે બૅટરને) ઇલેવનમાંના કોઈ એક ખેલાડીના સ્થાને સબસ્ટિટ્યૂટ તરીકે રમાડી શકે છે.
આપણ વાંચો: રોહિત શર્માની સદી પર ભારે ધોનીની ત્રણ સિક્સ, ચેન્નઇએ મુંબઇને 20 રનથી હરાવ્યું
જોકે આ નિયમે કેટલાકના ભંવા ઊંચા કરી દીધા છે, કારણ એ છે કે ચેન્નઈ સુપર કિંગ્સનો શિવમ દુબે ઑલરાઉન્ડર છે, પરંતુ તેને આ વખતે બોલિંગ નથી અપાઈ અને તેનો ઉપયોગ માત્ર પાવર-હિટર તરીકે જ કરાયો છે. બીજી રીતે કહીએ તો શિવમ દુબેની ભૂમિકા મર્યાદિત થઈ ગઈ છે.
ઇમ્પૅક્ટ પ્લેયરના નિયમથી આઇપીએલને નવી દિશા મળી છે. પૉન્ટિંગનું કહેવું છે કે ‘આ નિયમ આઇપીએલને વધુ મનોરંજક બનાવવાના હેતુથી જ લાવવામાં આવ્યો છે. મેં રોહિત શર્માનો અભિપ્રાય જાણ્યો છે. જોકે ઇમ્પૅક્ટ પ્લેયરનો રુલ એટલો બધો સારો છે કે એમાં સ્પેશિયાલિસ્ટ પ્લેયરને રમાડી શકાય છે અને સેક્ધડ ઇનિંગ્સમાં તેને બદલીને તેના સ્થાને બીજા કોઈને લઈ શકાય છે. રોહિત શર્મા કહે છે કે શિવમ દુબે અને વૉશિંગ્ટન સુંદરને બોલિંગ નથી અપાતી, તેમનો ઉપયોગ માત્ર બૅટર તરીકે જ થાય છે.
જોકે હું એવું માનું છું કે કોચ અને ખેલાડીઓ માટે આ નિયમ કદાચ ઠીક નહીં હોય, પણ વાસ્તવમાં આ નિયમ લોકોને વધુ મનોરંજન પૂરું પાડવા માટેનો છે. ટી-20 ફૉર્મેટ જ એક એન્ટરટેઇનિંગ પૅકેજ છે. હું તો કહું છું કે પ્રેક્ષકોને જ પૂછવું જોઈએ કે ઇમ્પૅક્ટ પ્લેયરના નિયમ વિશે તમે શું માનો છો? જુઓને, આ વખતે 220થી 250 રનનો ટીમ-સ્કોર વારંવાર જોવા મળ્યો છે એ જોતાં આ નિયમ રહેવો જોઈએ. જો પ્રેક્ષકોને આ નિયમ ઠીક ન લાગતો હોય તો ફરી 11 વિરુદ્ધ 11ની ટીમના નિયમ પર પાછા જવામાં કોઈ વાંધો નથી.’
ઇમ્પૅક્ટ પ્લેયર જેવો નિયમ ફૂટબૉલ, રગ્બી અને બાસ્કેટબૉલની રમતમાં પણ છે.