2019ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની આ મહિલા ઉમેદવારોએ વિજય થઈ બનાવ્યો હતો રેકોર્ડ
મુંબઈ: દેશમાં લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. 2024ની લોકસભા ચૂંટણીમાં મહાયુતિ (શિવસેના, ભાજપ, એનસીપી અજિત પવાર જૂથ) અને મહાવિકાસ આઘાડી (કૉંગ્રેસ, યુબીટી, શરદ પવાર જૂથ)એ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ તમને ખબર છે કે દેશમાં અગાઉની થયેલી 17 લોકસભાની ચૂંટણી પૈકી 2019ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ 78 મહિલા સાંસદો ચૂંટાઈને આવ્યા હતા. તો જાણીએ 2019માં મહારાષ્ટ્રમાંથી કેટલા મહિલા સાંસદો ચૂંટાઈને આવ્યા હતા.
2019ની લોકસભા ચૂંટણીમાં દેશમાં કુલ મહિલા સાંસદોમાંથી મહારાષ્ટ્રની આઠ મહિલા સાંસદો ચૂંટણીમાં જીતીને આવ્યા હતા. મહારાષ્ટ્રમાં પહેલી વખત જ આટલી મોટી સંખ્યામાં મહિલા સાંસદો ચૂંટાઈને આવ્યા હતા. જેમાં નંદુરબારથી ભાજપના હિના ગાવીત 637136 મતોથી, અમરાવતીથી અપક્ષ ઉમેદવાર નવનીત રાણા 510947 મતોથી, રવેરથી ભાજપના રક્ષા ખડસે 655386 મતોથી અને બારામતીથી એનસીપીના સુપ્રિયા સુળે 542095 મતોથી લોકસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો.
આ મહિલા સાંસદો સાથે યવતમાળ-વાશીમની બેઠક પર શિવસેનાના ભાવના ગવલીને 542098 મત, દિંડોરીથી ભાજપના ભરતી પવારને 567470 મત, ઉત્તર-મધ્ય મુંબઈથી ભાજપના પુનમ મહાજનને 486672 મત અને બિડની બેઠક પરથી ડૉ. પ્રિતમ મુંડે 678175 મતોથી મહિલા સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા હતા. આ આંકડા 2014ની લોકસભા ચૂંટણીમાં છ હતો.
પરંતુ 2024માં પહેલા તબક્કામાં (19 એપ્રિલે) થયેલી ચૂંટણીમાં 1625 ઉમેદવારોમાંથી માત્ર 134 મહિલા સાંસદોને જ ઉમેદવારીનું ટિકિટ આપવામાં આવ્યું હતું. તેમ જ આ વર્ષે મહારાષ્ટ્રમાં માત્ર સાત મહિલા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જોકે ભવિષ્યમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડી હજુ કેટલા મહિલા સાંસદોને ટિકિટ આપે છે, તે જોવાનું રહેશે.