દુબઇથી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી સોનાની તસ્કરી કરનાર માસ્ટર માઇન્ડ ઝડપાયો: સાડા ચાર કરોડનું સોનું જપ્ત
મુંબઇ: દુબઇથી મુંબઇ છત્રપતી શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી સોનાની તસ્કરી કરનાર મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી લગભગ સાડા ચાર કરોડ રુપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી ડીઆરઆઇ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ ગુનામાં ડીઆરઆઇ એ 43 વર્ષના સલીમ સગીર ઇનામદારની ધરપકડ કરી છે. સલીમ મૂળ રાયગઢ જિલ્લાનો છે. અને તે આ સિન્ડિકેટનો માસ્ટર માઇન્ડ હોવાનું કહેવાઇ રહ્યું છે.
સલીમ તેના મોટા ભાઇ સાજિદ સાથે મળીને દુબઇથી સોનાની તસ્કરીનું રેકેટ ચલાવતો હતો. ડીઆરઆઇ અધિકારીએ જણાવ્યું હતું કે, સલીમ પેસેન્જર, એરલાઇન્સ કંપનીના કર્મચારી અને સોનું ઓગાળનાર વચ્ચેનું અરેન્જમેન્ટ અને કોર્ડીનેશન કરતો હતો. થોડા દિવસો પહેલાં જ ડીઆરઆઇએ એક એરલાઇન્સ કંપનીના કર્મચારી સહિત છ લોકોની ધરપકડ કરી આંતરરાષ્ટ્રીય સોનાની તસ્કરી કરનારી સિન્ડિકેટની ભાળ મેળવી હતી. ડીઆરઆઇ અધિકારીએ ગુનેગાર પાસેથી લગભગ 7.4 કિલોગ્રામ સોનું જપ્ત કર્યુ છે જેની કિંમત લગભગ 4.51 કરોડ રુપિયા જેટલી છે. દુબઇ થી મુંબઇ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી સોનાની તસ્કરી માટે એક સીન્ડીકેટ કાર્યરત હતી. ફ્લાઇટથી મુસાફરી કરી મુંબઇ સુધી પહોંચવાની જવાબદારી એક મુસાફરની હોય છે. પછી એ મુસાફર પોતાની સીટ પર એ સોનું મૂકીને નીકળી જતો.
એક એરલાઇન્સ કંપનીના કર્મચારીની મદદથી મુંબઇ એરપોર્ટની બહાર તેની તસ્કરી થતી. ડીઆરઆઇના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તેમણે એરપોર્ટની બહાર ડિલીવરી લેનારી વ્યક્તીની પણ ધરપકડ કરી છે.
સોનું એરપોર્ટની બહાર ડિલીવર થયા બાદ તે ઓગાળવા માટે સોની પાસે લઇ જવામાં આવતું. ડીઆરઆઇએ કાર્યવાહી કરી સોનું ઓગાળનાર સોની પિતા-પુત્રની પણ ધરપકડ કરી છે. આ પ્રકારની તસ્કરીમાં સંડોવાયેલા અન્ય ગુનેગારોને પણ ડીઆરાઇ શોધી રહી છે.
રોજના 4 થી 5 મુસાફરો લગભગ 4 કિલો સોનું એટલે કે કોરોડો રુપિયાના સોનાની મુંબઇમાં તસ્કરી કરતાં હોવાનું વિગતો સૂત્રોમાંથી મળી છે. આ સિન્ડિકેટ દરમિહને લગભગ 200 કિલોનો પુરવઠો કરતી હોવાની આશંકા છે.